'ભારતીય ટીમના હાલ વેસ્ટ ઇન્ડીઝ જેવા નથી થવા દેવા', કોચ દ્રવિડે આવું કેમ કહ્યું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

ઑસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે ભારત અને ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે ગુરુવારે યોજાયેલ મૅચમાં ભારતે ‘કારમી હાર’નો સામનો કરવો પડ્યો હતો.

20 ઓવરમાં છ વિકેટના નુકસાને ભારતે બનાવેલ લડાયક 168 રન સામે ઇંગ્લૅન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર માત્ર 16 ઓવરમાં 170 રન કરીને મૅચ કબજે કરી લીધી હતી.

ભારતીય ટીમની હાર બાદથી જ ઘણા વિશ્લેષકો હારનાં કારણો અંગે જાતજાતનાં અનુમાનો કરી રહ્યાં છે.

તેમાં એક અનુમાન ઑસ્ટ્રેલિયન પીચો પર ‘ભારતીય ખેલાડીઓના અનુભવની કમી’ અંગેનું પણ છે.

મૅચ બાદ કરાયેલી એક પત્રકારપરિષદમાં ઉપરોક્ત વિષયને લગતો સવાલ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડને પણ કરાયો હતો.

જવાબમાં તેમણે કહ્યું હતું કે, “તમે કહો છો એવું કરાય તો ભારતની ડૉમેસ્ટિક ક્રિકેટ, ટેસ્ટ ક્રિકેટ ખતમ થઈ જશે અને હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સાથે શું થયું એ આપણે જોઈ ચૂક્યા છીએ.”

કેમ કહ્યું, ‘વેસ્ટ ઇન્ડીઝ જેવા હાલ નથી થવા દેવા’?

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર મૅચ બાદ યોજાયેલી પત્રકારપરિષદમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડને સવાલ પુછાયો હતો કે, “શું મૅચમાં ભારતના નિરાશાજનક પ્રદર્શનનાં કારણોમાંથી એક એ પણ છે કે ભારતીય પુરુષ ટીમના ક્રિકેટરોને વિદેશની કોઈ લીગમાં રમવાની મંજૂરી નથી. જ્યારે ઑસ્ટ્રેલિયામાં યોજાતી બિગ બૅશ જેવી લીગમાં રમીને અહીંના મેદાનો પર અનુભવ મેળવવાનો લાભ ઇંગ્લૅન્ડની માફક અન્ય દેશના ખેલાડીઓને મળે છે.”

આ પ્રશ્નના જવાબમાં રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, “તેમાં કોઈ બેમત નથી ઇંગ્લૅન્ડના ક્રિકેટરો બિગ બૅશ લીગમાં રમ્યા છે. પરંતુ આવી મંજૂરી ભારતીય પુરુષ ક્રિકેટરોને અપાય એ મુશ્કેલ છે, કારણ કે ભારતની ડૉમેસ્ટિક ક્રિકેટની સિઝન પણ આ દરમિયાન જ હોય છે. આના કારણે અમારી ટીમના ખેલાડીઓ આ લીગમાં રમવાની તક ગુમાવે છે. પરંતુ આ નિર્ણય બીસીસીઆઈએ લેવાનો છે.”

તેઓ આ વિશે આગળ વાત કરતાં કહે છે કે, “જો આવી મંજૂરી ભારતીય પુરુષ ક્રિકેટરોને અપાય તો તેમને પોતાની ટીમમાં રમાડવા માટેની જેવી માગ હશે તેને જોતાં ભારતમાં કદાચ જ ડૉમેસ્ટિક ક્રિકેટ બચશે. અમારી રણજી ટ્રૉફીનું અસ્તિત્વ જ નહીં રહે. તેનો અર્થ એવો થશે કે ટેસ્ટ ક્રિકેટ પણ નહીં રહે. ઘણા ખેલાડીઓને તેમની ઘરેલી સિઝનની વચ્ચોવચ આવી લીગોમાં રમવાનું કહેવાય છે. આપણે જોયું કે આના કારણે વેસ્ટ ઇન્ડીઝનું શું થયું, હું ભારતીય ક્રિકેટ એ દિશામાં જાય એવું બિલકુલ ન ઇચ્છી શકું. અમારા માટે ડૉમેસ્ટિક અને ટેસ્ટ ક્રિકેટ પણ મહત્ત્વની છે.”

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ક્રિશ ગેલ, ડ્વેન બ્રાવો, સુનીલ નારાયણ, કિરોન પોલાર્ડ જેવા કેટલાક ખેલાડીઓએ અમુક સમય અગાઉ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ સાથે થયેલ વળતર બાબતના વિવાદ અને અન્ય વિવાદોને કારણે ફોરેન ટી-20 લીગમાં રમવાને પ્રાથમિકતા આપી હતી. જેના કારણે વેસ્ટ ઇન્ડીઝની રાષ્ટ્રીય ટીમની કેટલીક મૅચો માટે આ ખેલાડીઓ ઉપલબ્ધ રહ્યા નહોતા. જેના કારણે ટીમે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની ચર્ચા થઈ હતી.

ભારત વિ. ઇંગ્લૅન્ડની મૅચમાં શું શું થયું?

ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે ઍડિલેડમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમે પ્રથમ બૅટિંગ કરી હતી.

ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને કે. એલ. રાહુલ ફરી ફ્લૉપ રહ્યા હતા.

જે પીચ પર અંગ્રેજ બૅટરોએ ધુંઆધાર બૅટિંગ કરી એ જ પીચ પર ભારતીય બૅટરો રન બનાવવા માટે તરસતા જોવા મળ્યા હતા.  

રાહુલ ઉપરાંત સૂર્યકુમાર યાદવ (14 રન) અને કૅપ્ટન રોહિત શર્મા (27 રન) પણ આજની મૅચમાં નિષ્ફળ રહ્યા હતા.  વિરાટ કોહલીએ પોતાના મનપસંદ મેદાન પર લડાયક મિજાજ બતાવ્યો જોકે,  એમના બૅટમાંથી  પણ સરળતાથી રન નહોતા આવી રહ્યા.

આ મૅચમાં વિશ્લેષકોના મતે ભારતના બૅટરોના ‘સરેરાશ’ અને બૉલરોના ‘નિરાશાજનક’ પ્રદર્શનને કારણે અંતે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત અને ઇંગ્લૅન્ડના પ્રદર્શનની વાત કરીએ તો ભારત તરફથી વિરાટ કોહલી 40 બૉલમાં 50 રન કરી શક્યા હતા, તેમજ હાર્દિક પંડ્યાએ લડાયક બૅટિંગ કરતાં માત્ર 33 બૉલમાં 63 રન ફટકારી દીધા હતા. હાર્દિક પંડ્યાએ તેમની ઇનિંગમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.

અંતે ભારતે 20 ઓવરના અંતે 168 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલર અને ઓપનર એલેક્સ હેલ્સે તાબડતોડ બૅટિંગ કરી હતી.

જોસ બટલરે 49 બૉલમાં 80 અને એલેક્સ હેલ્સે માત્ર 47 બૉલમાં 86 રનની ધુંઆધાર ઇનિંગ રમી હતી.