You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં જળબંબાકાર, અતિભારે વરસાદથી લોકોને હાલાકી
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી બે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં 15થી 25 ઇંચ જેટલો વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવી છે.
જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં પણ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ચાલુ રહેશે.
જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં કેવી છે પરિસ્થિતિ?
ગુજરાતના હવામાન વિભાગે આપેલા 19 જુલાઈ સુધીના આંકડા પ્રમાણે છેલ્લા કલાકોમાં જૂનાગઢ, પોરબંદર, વલસાડ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ વગેરે જિલ્લામાં વધુ વરસાદ પડ્યો છે.
પોરબંદરમાં 24 ઈંચ, કલ્યાણપુરમાં 18 ઈંચ, દ્વારકામાં 13 ઈંચ, કેશોદમાં 14 ઈંચ વરસાદ પડ્યો છે. પોરબંદર સહિતાના પ્રભાવિત વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે.
પોરબંદરમાં અત્યાર સુધી 35 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી બાજુ દ્વારકામાં શુક્રવારે 13 ઈંચ વરસાદ નોંધાયો હતો. અતિભારે વરસાદને પગલે વિસ્તારમાં જનજીવનને વ્યાપક અસર પહોંચી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોરબંદર તાલુકાના મોઢવાડા ગામના માજી સરપંચ દુલાભાઈ મોઢવાડિયાએ કહ્યું, “ગુરુવાર સાંજથી અવિરત વરસાદ આવી રહ્યો છે. ગુરુવાર સાંજથી ગામમાં વીજળી ગુલ છે. અતિભારે વરસાદને કારણે નદી-નાળાં વહી રહ્યાં છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. બહાર નીકળી શકાય તેવી સ્થિતિ નથી. ગામનાં ખેતરોમાં ચાર-ચાર ફૂટ પાણી આવી ગયાં છે અને ખેતરોની આડે બાંધેલા પાળા પણ તૂટી ગયા છે. મોટા ભાગની મગફળી ખરાબ થઈ જશે એવું લાગી રહ્યું છે.”
જૂનાગઢ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. કેશોદમાં એક જ દિવસમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે.
જૂનાગઢના કલેકટર અનિલ રાણાવસિયાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે “અતિભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લામાં કુલ 21 એસટી બસના રૂટો હાલમાં બંધ છે. ગઈ કાલે 26 રૂટો બંધ હતા, જે પૈકી પાંચ રૂટો શરૂ થયા છે.”
બીબીસીના સહયોગી હનીફ ખોખરે આપેલી માહિતી પ્રમાણે, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં આવવા-જવાનો રસ્તો બંધ છે અને ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ ઉપરાંત મૂળિયાસા ગામના એક 30 વર્ષીય મહિલાની તબિયત ખરાબ થતાં તેમને બળદગાડામાં મંગલપુર લઈ જવામાં આવ્યાં હતાં. આ વિશે કેશોદના એસડીએમે એનડીઆરએફની ટીમને જાણકારી આપી હતી કે ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને મહિલાની તબિયત ખરાબ છે.
આ માહિતી મળ્યા બાદ એનડીઆરએફની એક ટીમે ઘટનાસ્થળે પહોંચીને તેમને બચાવ્યા હતા. ત્યાર બાદ મહિલાને 108 ઍમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.
જૂનાગઢ જિલ્લાના પીપલાણા ગામના સરપંચ અમૃતલાલ પરમારે અતિભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો ચિતાર આપતા કહ્યું, “અમારું ગામ ઓઝત અને ઉબેણ નદીની વચ્ચે આવેલું છે અને છેલ્લા બે દિવસની અંદર 14થી 15 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ કારણે છેલ્લા બે દિવસથી ગામ સંપર્કવિહોણું બની ગયું હતું. આ ઉપરાંત ગામનો મુખ્ય રસ્તો કૉન્ક્રિટનો ન હોવાને કારણે ચોમાસાની ઋતુમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.”
તેમણે ઉમેર્યું, “અતિભારે વરસાદને કારણે કેટલાક લોકોનાં ખેતરો ધોવાઈ ગયાં છે અને કેટલાંક ખેતરોના પાળા તૂટી ગયા છે. જ્યારે ઘણા ખેડૂતોની માંડવીના પાકને ભારે નુકસાન થયું છે.”
તો છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વલસાડ શહેરમાં શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરના વિવિધ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
વલસાડ શહેર અને 40 ગામોને જોડતો અંડરપાસ બંધ થઈ જવાના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાનું કારણ શું?
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું કારણ સર્જાયેલી વરસાદી સિસ્ટમ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ બીબીસી સાથે વાત કરતા કહ્યુ હતુ, "હાલમાં જે સિસ્ટમ બનેલી છે એ ઉત્તર ગુજરાત, કચ્છ અને અરબી સમુદ્રની આસપાસ બનેલી છે, જેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં થઈ હોવાથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ થયો છે."
"દક્ષિણ ગુજરાતમાં શીઅર ઝોન અને ઑફ્ટર ટ્રફ (હવાનું હળવું દબાણ) રેખા જે દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક સુધી અરબી સાગરમાં બનેલી છે, તેના કારણે અહીં વરસાદ થયો છે.
તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઍગ્રોનૉમી વિભાગના વડા ડૉ. ધીમંત વઘાસિયા બીબીસીને કહ્યું, "ચોમાસાની ધરી તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ બાજુ ઝૂકેલી છે. એના કારણે વરસાદનું પ્રમાણ મધ્ય ભારત, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ છે."
"ઉત્તર ગુજરાત અને કચ્છની આજુબાજુમાં જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું હતું, તેના કારણે ભેજનું પ્રમાણ આ વિસ્તારમાં વધુ જોવા મળ્યું છે અને એટલે વરસાદનું પ્રમાણ દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે જોવા મળ્યું છે."