ટ્રમ્પે કહ્યું કે અમેરિકા-ઈરાન આજે સમજૂતી પર હસ્તાક્ષર કરશે પરંતુ ઈરાન કેમ 'ખચકાટ' અનુભવે છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે 80 વર્ષના થઈ રહ્યા છે. આજના જ દિવસે તેમના જણાવ્યા પ્રમાણે, ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે સમજૂતી પર હસ્તાક્ષર થઈ શકે છે.

સંઘર્ષ સમાપ્ત કરવા અંગે ટ્રમ્પે દાવો કર્યો છે કે, રવિવારે એટલે કે આજે બંને પક્ષો વચ્ચે સમજૂતી માટે હસ્તાક્ષર થશે, જ્યારે ઈરાને કહ્યું છે કે હસ્તાક્ષર માટે હજુ સુધી કોઈ ચોક્કસ સમય નક્કી થયો નથી.

ઈરાની સરકારી મીડિયાના અનુસાર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ શનિવારે કહ્યું કે અમેરિકા સાથેના કરાર પર હસ્તાક્ષર કરવાનો સમય હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી.

તેમણે એક નિવેદનમાં કહ્યું, "સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવા માટેના ચોક્કસ સમય માટે અમારે રાહ જોવી પડશે."

તેમણે કહ્યું કે રવિવારે હસ્તાક્ષર નહીં થાય, "જોકે, આવનારા દિવસોમાં હસ્તાક્ષર થવાની સંભાવનાને નકારી શકાય નહીં. અન્ય પક્ષના વલણમાં અસંગતતાને ધ્યાનમાં રાખીને, અમારે આ પ્રક્રિયા અંગે કોઈપણ નિવેદન આપતી વખતે સાવચેતી રાખવી જોઈએ."

જોકે બકાઈના નિવેદનના થોડા કલાકો બાદ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, "સમજૂતી પર કાલે (રવિવારે) હસ્તાક્ષર થવાના છે, અને જેમ જ આ પર હસ્તાક્ષર થઈ જશે, હોર્મુઝ સામુદ્રધુની બધા માટે ખુલ્લી થઈ જશે."

ઈરાનના સંવર્ધિત યુરેનિયમના ભંડાર તરફ ઇશારો કરતા ટ્રમ્પે કહ્યું કે "યોગ્ય સમયે, જ્યારે બધું શાંત થઈ જશે, ત્યારે અમે ત્યાં જઈશું અને 'ન્યુક્લિયર ડસ્ટ' મેળવીશું."

આ પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાને પણ શનિવારે કહ્યું હતું કે સમજૂતીને આવનારા 24 કલાકની અંદર અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી આશા છે અને બંને દેશો 'ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર માટે તૈયારી કરી રહ્યા છે.'

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ શનિવારે કહેલું કે અમેરિકા અને ઈરાન સમાધાનની ખૂબ નિકટ પહોંચી ચૂક્યા છે.

સંભવિત સમજૂતી શું છે?

બીબીસી ફારસી સેવાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન, કતાર અને અન્ય ઘણા દેશોની મધ્યસ્થીને કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ચ્યુઅલી સમજૂતી કરવા માટે તૈયાર છે. જે હેઠળ યુદ્ધવિરામને 60 દિવસ સુધી લંબાવાશે, હોર્મુઝ સામુદ્રધુનીને ફરી ખોલવામાં આવશે અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો શરૂ થશે.

શુક્રવારે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અમેરિકા સાથે કરાર નજીક છે.

તેમણે કહ્યું કે આ કરારમાં લેબનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષનો અંત લાવવાની વાત પણ કરવામાં આવી છે.

અરાઘચીએ ઈરાનના સરકારી ટીવીને જણાવ્યું હતું કે આ કરારમાં હોર્મુઝ સામુદ્રધુનીને ફરીથી ખોલવાની અને ઈરાની બંદરો પરથી યુએસ નાકાબંધી હટાવવાની વાતનો પણ સમાવેશ થાય છે.

જોકે, તેમણે કહ્યું કે ઈરાનના 'પરમાણુ કાર્યક્રમ' પર વાતચીત પછીથી શરૂ થશે.

યુએસ અધિકારીઓએ કરારની કેટલીક વિગતોની પુષ્ટિ કરી છે, અને કહ્યું છે કે ઈરાન માટે આર્થિક લાભ તેહરાન તેની 'જવાબદારીઓ' કેટલી પૂર્ણ કરે છે તેના પર નિર્ભર રહેશે.

અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે લેબનોન આ સમજૂતીનો ભાગ ન હોવો જોઈએ પરંતુ ઈરાને તેના પર આગ્રહ રાખ્યો હતો.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ કહ્યું છે કે બંને પક્ષો પહેલાં કરતાં કરારની વધુ નજીક છે અને તેના 'ઇલેક્ટ્રૉનિક હસ્તાક્ષર' માટેની તૈયારીઓ થઈ રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જેવા કરાર થશે કે હોર્મુઝ સામુદ્રધુનીને તમામ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. જોકે, અગાઉ તેમણે ચેતવણી આપી હતી કે જો કરારને ઝડપથી અને સંપૂર્ણ રીતે લાગુ નહીં કરાય તો ફરીથી લશ્કરી બળનો ઉપયોગ કરવામાં આવશે.

બ્રિટિશ વડા પ્રધાન કાર્યાલયે જાહેરાત કરી છે કે વડા પ્રધાન કિઅર સ્ટ્રાર્મરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ મામલે ટેલિફોન પર વાતચીત કરી હતી અને તેમણે સમજૂતીના તમામ પ્રયાસોને સમર્થન જારી કર્યું હતું.

ઈરાનનો ખચકાટ કેમ?

તાજેતરના મહિનાઓમાં, કરારમાં (બંને પક્ષો દ્વારા) ઘણી વખત ફેરફાર થવાની અપેક્ષા રાખવામાં આવી છે પરંતુ પછીના તબક્કામાં તે પૂર્ણ થયા નથી.

28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ સાથે યુદ્ધ શરૂ થયું, જેના કારણે ઈરાને ઇઝરાયલ અને ગલ્ફમાં અમેરિકાનાં ઠેકાણાં ધરાવતા ખાડી દેશો પર હુમલો કર્યો - તેમજ વિશ્વના ઑઇલ અને ગૅસ માટેનો મુખ્ય શિપિંગ માર્ગ, હોર્મુઝ સામુદ્રધુનીને અસરકારક રીતે બંધ કરી દીધો.

એપ્રિલમાં યુદ્ધવિરામ પર સંમત થયા હોવા છતાં, અમેરિકા અને ઈરાન વચ્ચે સમયાંતરે ગોળીબાર થયો છે, જેમાં આ અઠવાડિયે બે રાઉન્ડના સામસામે હુમલાનો સમાવેશ પણ થાય છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર અને સાઉદી વિદેશ પ્રધાન ફૈઝલ બિન ફરહાને અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત સમજૂતી વિશે ફોન પર વાત કરી હતી.

પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરી રહ્યું છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઍક્સ પરના એક સંદેશમાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ "આશા વ્યક્ત કરી હતી કે આ મહત્ત્વપૂર્ણ વિકાસ પ્રદેશમાં કાયમી શાંતિ અને સ્થિરતામાં ફાળો આપશે."

ઈરાનમાં સમજૂતી સામે વિરોધપ્રદર્શન

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર થશે તેવી જાહેરાતો અને અટકળો સામે ઈરાનમાં વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં છે. આ સંભવિત સમજૂતી સામે કેટલાક વિરોધીઓએ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બગર ગાલિબાફ સામે વિરોધપ્રદર્શન કર્યાં હતાં.

મનાય છે કે આ પ્રદર્શનકારીઓ 'પર્સિસ્ટન્ટ ફ્રન્ટ'ના નજીકના ચહેરાઓ હતા. બીબીસી ફારસી સેના પ્રમાણે આ સંગઠન ઈરાનમાં એક 'કટ્ટરવાદી સંગઠન' તરીકે ઓળખાય છે.

આ પ્રદર્શનકર્તાઓએ ઈરાનની રાજધાની તહેરાનના ઇબ્ન-સિના સ્ક્વૅરમાં આ પ્રદર્શન યોજ્યાં હતાં. પ્રદર્શનકારીઓ 'શરમ કરો..શરમ કરો'ના નારા પોકારતા હતા.

ઈરાનના મશહદમાં પણ આ પ્રકારે જ પ્રદર્શનો યોજાયાં હતાં.

ફાર્સ ન્યૂઝ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયો અનુસાર વિરોધીઓએ અરાઘચી વિરોધમાં સુત્રોચ્ચાર પોકાર્યા હતા. તેમનું કહેવું હતું કે આ કરાર ઈરાનનાં હિતમાં નથી અને તેનાથી હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાનનું વર્ચસ્વ ઘટશે.

બીબીસી ઉર્દુએ લખ્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો, જેની એએફપી પણ સ્વતંત્ર ચકાસણી કરી શક્યું નથી, તેમાં સંસદના સ્પીકર અને ઈરાનના મુખ્ય વાટાઘાટકારો પૈકીના એક મોહમ્મદ બગર ગાલિબાફ સામે સુત્રોચ્ચાર કરી રહ્યા હતા.

ઇઝરાયલના લેબનોન પર હુમલા યથાવત્

લેબનોનના કહેવા પ્રમાણે ઇઝરાયલે આજે દેશના દક્ષિણમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા કર્યા છે. અગાઉ ઇઝરાયલના સૈન્યે નબાતીહ શહેર અને દક્ષિણ લેબનોનના 20થી વધુ વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરી જવાની ચેતવણી ઉચ્ચારી હતી.

લેબનીઝ સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે ઇઝરાયલે નબાતીહ અને તેની આસપાસના વિસ્તારોને નિશાન બનાવ્યા છે.

નબાતીહ વિસ્તારમાં રહેતા એક સમાચાર એજન્સી એએફપીના ફોટોગ્રાફરે તેની આસપાસ અનેક વિસ્ફોટો અને ઘુમાડાના ગોટેગોટા નીકળતા હોવાના સમાચાર છે.

લેબનોનની સેનાએ જાહેરાત કરી હતી કે નબાતીહ પાસે ઇઝરાયલી ડ્રૉન હુમલામાં તેમના એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા છે.

લેબનોનની સત્તાવાર એજન્સીએ એ પણ જણાવ્યું છે કે બીજા એક હુમલામાં દક્ષિણ લેબનોનના રેહાન ક્ષેત્રમાં એક સ્થાનિક અધિકારીનું મોત થયું છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાન સમજૂતી અંગે આજે રવિવારે કરાર કરવા જઈ રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન