'બધે હુમલા થઈ રહ્યા છે, પણ હું ઘરે સલામત પહોંચીશ,' અમેરિકન હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયનો પત્નીને અંતિમ વાયદો

    • લેેખક, લોકુજુ શ્રીનિવાસ
    • પદ, બીબીસી તેલુગુ માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"હું સુરક્ષિત ઘરે પાછો ફરીશ, આપણે આપણા લગ્નની વર્ષગાંઠ સારી રીતે ઊજવીશું." આ મરીન એન્જિનિયર પટનાલા સુરેશે પોતાનાં પત્નીને કહેલા અંતિમ શબ્દો છે.

બુધવારે ઓમાન પાસે એક કારોબારી જહાજ પર અમેરિકન હુમલામાં સુરેશનું મૃત્યુ થઈ ગયું હતું.

પટનાલા સુરેશનાં પત્ની ભાર્ગવીએ બીબીસી તામિલને કહ્યું, "તેઓ દરરોજ ગુડ મૉર્નિંગનો મૅસેજ મોકલતા. વીડિયો કૉલ કરવાની તક ભલે નહોતી સાંપડતી, તેમ છતાં તેમના મૅસેજ તો આવતા જ રહેતા. પરંતુ બે દિવસથી તેમના કોઈ સમાચાર નહોતા. હવે મને ખબર મળી છે કે તેઓ નથી રહ્યા."

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના રહેવાસી 44 વર્ષીય સુરેશ પટનાલા ઓમાન પાસે કારોબારી જહાજ એમટી સેટેબેલો પર થયેલા હુમલામાં માર્યા ગયેલા ભારતીય ચાલક દળના સભ્યો પૈકી એક હતા.

સમાચાર મળ્યા બાદ તેમના વિશાખાપટ્ટનમના શ્રીહરિપુરમસ્થિ ઘરે સંબંધીઓ, મિત્ર, નેતા અને મીડયાના લોકો પહોંચવા લાગ્યા.

ઘરે માતમનો માહોલ છે. ઘરની દીવાલો પર સુરેશ અને ભાર્ગવીના પરિવારની તસવીરો લાગેલી છે. ઘરમાં રમકડાંથી ભરેલા કબાટ એ વાતની સાક્ષી પૂરે છે કે દંપતી પોતાનાં બાળકોને કેટલો પ્રેમ કરતાં હતાં.

ભવિષ્યની ચિંતા

સુરેશનાં પત્ની ભાર્ગવીએ કહ્યું, "અમારી છેલ્લે 9 જૂનના રોજ વાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે તેઓ જલદી જ ઘર આવશે. પરંતુ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તેઓ આવી રીતે પરત ફરશે."

આ કહેતાં કહેતાં તેઓ પોતાનાં બંને બાળકોને ભેટીને રડી પડ્યાં.

ભાર્ગવીએ કહ્યું, "બુધવારે રાત્રે જહાજ પર હાજર એક નાવિકે ગ્રૂપમાં મૅસેજ મોકલીને જણાવ્યું હતું કે હુમલો થયો છે અને તેમાં આગ ફાટી નીકળી છે. સાથે જ એવું પણ કહેલું કે મારા પતિ અને અન્ય બે લોકો ગુમ છે."

સુરેશના બે દીકરા છે. ભાર્ગવીનાં મોટાં બહેન અને તેમના પતિનાં મૃત્યુ બાદ સુરેશના પરિવારે જ તેમની બંને દીકરીઓની પણ જવાબદારી સંભાળી હતી. હવે પરિવારના સભ્ય ચાર બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ભાર્ગવીએ ભારે હૈયે કહ્યું, "આખો પરિવાર તેમની કમાણી પર નભતો હતો. હવે મને સમજાઈ નથી રહ્યું કે હું મારાં બાળકોને કેવી રીતે ભણાવીશ અને તેમનું પાલન-પોષણ કેવી રીતે કરીશ. હવે મારા માટે નોકરી શોધવી મુશ્કેલ છે."

39 વર્ષીય ભાર્ગવી હાલ પરિવારના ભવિષ્ય અંગે ચિંતિત છે.

તેમણે કહ્યું, "લગ્ન પહેલાં મેં છ વર્ષ સુધી એક ખાનગી કંપનીમાં કામ કર્યું હતું, પરંતુ હાલ મારા ઉપર ચાર બાળકોની જવાબદારી છે. આ ઉંમરમાં નોકરી શોધવું સરળ નથી."

તેમણે કહ્યું, "બાળકોને સારું શિક્ષણ અપાવવા પાછળ ઘણો ખર્ચ થાય છે. મને સમજાઈ નથી રહ્યું કે હું આ બોજો કેવી રીતે ઉઠાવીશ."

હુમલા પહેલાં શું થયેલું?

ભાર્ગવીએ જણાવ્યું કે લગભગ 15 વર્ષથી મરીન એન્જિનિયર તરીકે કામ કરી રહેલા સુરેશ પોતાની ડ્યૂટી બજાવવા માટે ઘણા દેશોની સફર ખેડતા હતા.

તેમણે કહ્યું, "અમે દરેક એક કે બે દિવસમાં એક વખત વીડિયો કૉલ કરતાં. જહાજ પર હાજર અન્ય ક્રૂ મેમ્બર્સ સાથે પણ વાત થતી. પંરતુ પાંચ જૂનથી વીડિયો કૉલ પર સારી રીતે વાત નહોતી થઈ શકી રહી. નવ જૂન સુધી તો વાતચીત થવાનું બંધ જ થઈ ગયું. અમને લાગ્યું કે સમુદ્રમાં હોવાને કારણે નેટવર્કની સમસ્યા હશે."

તેમણે જણાવ્યું કે 10 જૂન બાદ તેમણે સુરેશની કોઈ માહિતી નહોતી મળી રહી.

ભાર્ગવીએ જણાવ્યું કે જહાજના મૅનેજમેન્ટ તેમને માહિતી આપી કે જ્યારે સુરેશ જહાજના જનરેટરમાં થયેલી તકનીકી સમસ્યાની તપાસ કરવા માટે ગયા હતા, એ સમયે જ હુમલો થયો અને તેમની પાસે બચવાની કોઈ તક નહોતી.

તેમણે કહ્યું, "તેઓ મૂળે તો અન્ય એક ચીફ એન્જિનિયરની સહાયતા માટે અસ્થાયી ડ્યૂટી પર હતા. પરંતુ ત્યાંની પરિસ્થિઓને કારણે તેમની ડ્યૂટી વધારી દેવાઈ હતી."

'ચારેકોર હુમલા થઈ રહ્યા છે'

ભાર્ગવીએ કહ્યું કે અંતિમ વાતચીત દરમિયાન સુરેશે કહ્યું હતું કે એ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે.

ભાર્ગવીએ કહ્યું, "તેમણે મને કહ્યું હતું, 'હું જ્યાં છું, તેની આસપાસ હુમલા થઈ રહ્યા છે. કેટલાક લોકોનાં મૃત્યુ પણ થયાં છે. હું સુરક્ષિત પાછો ફરીશ. આપણે આપણાં લગ્નની વર્ષગાંઠ સારી રીતે ઊજવીશું.'"

ભાર્ગવીએ જણાવ્યું કે 24 જૂનના રોજ તેમનાં લગ્નને 15 વર્ષ પૂરાં થઈ ગયાં હોત.

તેમણે કહ્યું, "તેઓ વર્ષનો મોટા ભાગનો સમય સમુદ્રમાં પસાર કરતા હતા. તેમણે મને અહીં નોકરી શોધવાની વાત કરી હતી, પણ તેમનું માનવું હતું કે બાળકોના સારા ભવિષ્ય માટે આ જ ઠીક છે."

'...અમને લાગ્યું તેઓ જીવિત છે'

ભાર્ગવીના કાકા રામકૃષ્ણે કહ્યું કે અધિકારીઓએ તેમને સુરેશનું મૃત્યુ થયું હોવાની વાતની જાણકારી આપી દીધી હતી, પરંતુ મૃતદેહ ન મળવાને કારણે તેમને આશા હતી કે તેઓ હજુ પણ જીવિત હશે.

તેમણે કહ્યું, "બાદમાં જ્યારે ખબર પડી કે ત્રણ ભારતીયોના મૃતદેહ મળ્યા છે, તો ભાર્ગવીને પીડા શબ્દોમાં ન વર્ણવી શકાય એવી હતી."

સુરેશના પિતા રામકૃષ્ણે બીબીસીને કહ્યું, "સુરેશ જહાજના પ્રભારી એટલે કે મરીન ચીફ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. તેમને છ માસની રજા મળતી હતી, પરંતુ તેમને તેમનું કામ ખૂબ પસંદ હતું અને તેઓ મોટા ભાગનો સમય સમુદ્રમાં જ પસાર કરવાનું પસંદ કરતા હતા. તેઓ માત્ર બે કે ત્રણ માસની જ રજા લેતા."

હવે પરિવારજનોનું કહેવું છે કે સુરેશનો મૃતદેહ જલદી ભારત લાવવામાં આવે.

સુરેશના પિતા રામકૃષ્ણે કહ્યું, "તેમની કમાણી પર જ અમારો પરિવાર નભતો હતો. સરકારે તેમનો મૃતદેહ પરત લાવવો જોઈએ અને પરિવારને આર્થિક સહાય પણ આપવી જોઈએ."

પરિવારના સભ્યોનું કહેવું છેકે હજુ સુધી તેમને એ વાતની સ્પષ્ટ જાણકારી નથી મળી કે તેમના મૃતદેહને ક્યારે ભારત લવાશે.

કેન્દ્ર સરકારે શું કહ્યું?

કેન્દ્ર સરકારે સુરેશ પટનાલા સહિત ત્રણ ભારતીયોનાં મૃત્ય પર શોક વ્યક્ત કર્યો છે.

કેન્દ્રીય પૉર્ટ્સ, શિપિંગ અને વૉટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલે એક્સ પર પ્રતિક્રિયા આપતાં એમટી સેટેબેલો પર થયેલી ઘટનાને 'અત્યંત દુખદ' ગણાવી.

તેમણે કહ્યું કે જે ત્રણ ભારતીયોને પહેલાં ગુમ મનાઈ રહ્યા હતા, તેમના મૃતદેહ બાદમાં મળી આવ્યા અને તેમના પરિવારોને આની જાણકારી આપી દેવાઈ.

તેમણે કહ્યું કે તેમના મૃતદેહોને ભારત લાવવા અને બચાવી લેવાયેલા લોકોને સુરક્ષિત ભારત પરત લાવવા માટે અધિકારીઓને જરૂરી પગલાં લેવાનાં નિર્દેશ આપી દીધા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન