અમદાવાદ પ્લેન દુર્ઘટનાને એક વર્ષ વીત્યું, ન્યાય માટેની આશા અને સવાલો

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ
  • ઍર ઇન્ડિયા ફ્લાઇટ 171 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી હતી અને ઉડાણ ભર્યા પછી થોડા સમયમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ, જેમાં વિમાને સવાર 242માંથી 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
  • બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનના પાઇલટે દુર્ઘટના પહેલાં ઍર ટ્રાફિક કંટ્રોલને 'મે ડે' સંકેત આપ્યો હતો, ત્યાર બાદ તે મેડિકલ કૉલેજ અને સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોના નિવાસ તરીકે ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગ સાથે અથડાયું હતું.
  • વિમાનમાં સવાર એકમાત્ર જીવિત બચેલી વ્યક્તિ, બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર હતા
  • વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ નાગરિકો, 1 કેનેડિયન અને 12 ક્રૂ સભ્યો સવાર હતા.
  • આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો હતો.
  • વિમાન દુર્ઘટનાનાં કારણોની તપાસ માટે ભારતની ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

12 જૂન, 2025ના રોજ લંડન જતું એક બૉઇંગ 787 ડ્રીમલાઇનર પશ્ચિમ ભારતના અમદાવાદમાંથી ઉડાન ભર્યા પછી સેકન્ડોમાં જ ક્રૅશ થયું હતું, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત ઓછામાં ઓછા 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટનાને એક વર્ષ પૂરું થઈ ગયું છે અને હજુ સુધી દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી. એક વર્ષ પૂરું થતાં દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના સ્વજનો પણ એ ઘટનાને યાદ કરીને ફરી આઘાતમાં છે. કેટલાક લોકોએ ન્યાય માગ પણ કરી છે.

ગયા વર્ષે જુલાઈમાં ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી) દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે ટેક-ઑફ પછી તરત જ બંને ઍન્જિનની ફ્યૂઅલ કંટ્રોલ સ્વીચો 'રન' પૉઝિશનમાંથી 'કટ-ઑફ' પૉઝિશનમાં જતી રહી હતી, જેના કારણે ઍન્જિનને ઈંધણ મળતું બંધ થઈ ગયું હતું.

આ વિમાન દુર્ઘટનાને કારણે ન કેવળ તેમાં સવાર મુસાફરો, પરંતુ વિમાન જ્યાં પડ્યું, ત્યાં પણ 19થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના બાદ ગણતરીની મિનિટોમાં અનેક જિંદગીઓ હંમેશાં બદલાઈ ગઈ.

આ અહેવાલમાં એ જાણવાનો પ્રયાસ કરીએ અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં શું શું થયું.

વિમાન દુર્ઘટનાનો વીડિયો ઉતારનાર આર્યન

17 વર્ષીય આર્યન હાલમાં સાબરકાંઠાના પોતાના ગામમાં રહે છે. 12 જૂન, 2025ના રોજ તેઓ અમદાવાદ આવ્યા જ હતા અને તેમણે એક પ્લેનને ઊડતું જોયું. તેમણે તેનું શૂટિંગ કર્યું અને થોડી જ સેકન્ડોમાં એ પ્લેન તૂટી પડ્યું.

સાબરકાંઠાના ખાનપુર ગામમાં આર્યન તેમનાં માતાપિતા અને એક બહેન સાથે રહે છે. તેમણે હાલમાં જ 12મા ધોરણની પરીક્ષા પાસ કરી છે અને હવે તેઓ કૉલેજમાં અભ્યાસ કરવા માટે તૈયાર છે.

આર્યન એ દિવસે તેમનાં બહેન સાથે મેઘાણીનગરમાં આવ્યાં હતાં અને ધાબા પર ગયા હતા. એ સમયે પ્લેન ઊડતું જોઈને તેમણે તેનો વીડિયો ઉતાર્યો હતો.

આર્યનની જિંદગી આ દુર્ઘટના બાદ ઘણી બદલાઈ ગઈ છે. તેમના આસપાસના વિસ્તારમાં અને મિત્રો હવે તેમને 'વીડિયોવાળો છોકરો' તરીકે ઓળખે છે.

આર્યનનું આ મકાન ઍરપૉર્ટના રન-વેથી બિલકુલ નજીક આવેલું છે. તેમના મકાનની પાછળની એક તરફ ઍરપૉર્ટનું રન-વે છે તો બીજી બાજુ આઇજી કૅમ્પસ છે, જ્યાં AI-171 ક્રૅશ થયું હતું.

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલાં લોકો

અમદાવાદ પ્લેન ક્રૅશની આ ઘટનામાં પ્લેનમાં સવાર કુલ 230 મુસાફરો પૈકી એકમાત્ર મુસાફર અને બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશ જ બચી શક્યા હતા.

એક તરફ ઘટનાસ્થળે આગ અને ધુમાડાના ગોટેગાટા દેખાઈ રહ્યા હતા, ત્યારે બીજી તરફ આ ભયાનક દૃશ્યમાંથી બહાર આવતા વિશ્વાસકુમારનો વીડિયો કોઈકે રેકૉર્ડ કરી લીધો.

પ્રારંભિક મૂંઝવણ બાદ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી બચી ગયેલા એકમાત્ર સર્વાઈવર હતા, જે વિમાનની 11 A ક્રમની સીટ પર બેઠા હતા.

દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલા વિશ્વાસકુમાર રમેશ પોતાને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ ગણે છે, પરંતુ સાથે સાથે તેઓ શારીરિક અને માનસિક મુશ્કેલીઓ પણ સહન કરી રહ્યા છે.

આ જ વિમાનમાં તેમના ભાઈ અજય પણ બેઠા હતા, જેમનું મૃત્યુ થયું હતું.

વિશ્વાસકુમારની માફક જ અન્ય એક વ્યક્તિ પણ આ દુર્ઘટનાથી બચી ગઈ હતી. તેમનું નામ છે ભૂમિ ચૌહાણ.

મૂળ અંકલેશ્વરનાં અને બ્રિટનમાં રહેતાં ભૂમિ ચૌહાણ નસીબજોગે દુર્ઘટનાના દિવસે લંડન માટેની પોતાની ફ્લાઇટ ચૂકી ગયાં અને આના કારણે જ તેમનો જીવ બચી ગયો.

તેમણે કહ્યું હતું કે, "અંકલેશ્વરથી તો અમે ટાઇમસર અમદાવાદ આવ્યાં હતાં, પણ અમદાવાદના ટ્રાફિકના કારણે હું ઍરપૉર્ટ પર દસ મિનિટ મોડી પહોંચી, જેના કારણે મને ઍરપૉર્ટની અંદર ઘૂસવા ના દીધી. હું ઍરપૉર્ટ પર દસ મિનિટ મોડી પહોંચી અને બચી ગઈ."

પ્રાથમિક રિપોર્ટ સામે સવાલો

12 જૂનના રોજ બનેલી આ ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ ઘટનાના બરાબર એક માસ બાદ એટલે કે 12 જુલાઈના રોજ જાહેર કરાયો હતો.

ઇન્ટરનૅશનલ સિવિલ ઍવિયેશન ઑર્ગેનાઇઝેશનના નિયમો પ્રમાણે ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ આ પ્રાથમિક રિપોર્ટ ઘટનાના 30 દિવસમાં જાહેર કરી દીધો હતો.

એવી આશા હતી કે આ રિપોર્ટ બાદ દુર્ઘટના બાદ ઊભા થયેલા કેટલાક મહત્ત્વના સવાલોના જવાબ મળશે.

જોકે, એવું થયું નહોતું. અકસ્માતનાં સંભવિત કારણો પર પ્રકાશ પાડવાને સ્થાને આ રિપોર્ટ ઘણાના મતે વધુ સવાલ ઊભા કરતો ગયો.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડો પછી 12 વર્ષ જૂના આ બૉઇંગ 787 વિમાનની બંને ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ અચાનક 'કટ ઑફ' પૉઝિશનમાં જતી રહી હતી. તેના કારણે વિમાનનાં ઍન્જિનોનો ઈંધણનો પુરવઠો અટકી ગયો હતો.

ઈંધણ ન મળવાના કારણે વિમાને સંપૂર્ણ પાવર ગુમાવી દીધો. સામાન્ય રીતે વિમાનના લૅન્ડિંગ પછી ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ બંધ કરવામાં આવતી હોય છે.

દુર્ઘટનાના પ્રારંભિક રિપોર્ટ આવ્યા પછી અનેક પ્રકારની અટકળો થવા લાગી.

જોકે, ઍર ઇન્ડિયા 171 સંબંધિત 15 પાનાંનો રિપોર્ટ વિવાદમાં આવી ગયો હતો. આવું બે નાનકડા ફકરામાં રહેલી વિગતોને કારણે થયું છે.

પહેલો ફકરો: તેમાં લખવામાં આવ્યું છે કે ટેક-ઑફની અમુક સેકન્ડો પછી ફ્યૂઅલ કટ-ઑફ સ્વિચ 'રન'ને બદલે 'કટ-ઑફ' સ્થિતિમાં કરી દેવાઈ હતી. આ સ્વિચ સામાન્યતઃ કોઈ પણ ઉડાન પહેલાં ઍન્જિનને ચાલુ કરવા તથા ઉડાન પછી બંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેના કારણે ઍન્જિનને ઈંધણ ન મળ્યું અને વિમાને થ્રસ્ટ ગુમાવી દીધો અને ઊંચાઈ મેળવવાની ક્ષમતા ગુમાવી દીધી.

જોકે, આ સ્વિચોને ફરી ઍન્જિન ચાલુ કરવાની સ્થિતિમાં લાવવામાં આવી, જેથી દુર્ઘટનાને ટાળી શકાય, પરંતુ ત્યાર સુધીમાં મોડું થઈ ગયું હતું.

એ પછી રિપોર્ટ કહે છે: "કૉકપિટ વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજાને એમ કહેતાં સાંભળી શકાય છે કે શું એમણે સ્વીચ કટ-ઑફ કરી હતી? ત્યારે બીજા પાઇલટને એમ કહેતાં સાંભળી શકાય છે કે તેમણે એમ નથી કર્યું."

આ અપ્રત્યક્ષ સંવાદને કારણે બંને પાઇલટની ભૂમિકા અંગે ભારે અટકળો શરૂ થઈ હતી. કૅપ્ટન સુમિત સભરવાલ તથા તેમના સહ-પાઇલટ ક્લાઇવ કુંદરે એ સમયે વિમાન ઉડાવી રહ્યા હતા.

ગયા વર્ષે જુલાઈમાં ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે ટેક-ઑફ પછી તરત જ બંને ઍન્જિનની ફ્યૂઅલ કંટ્રોલ સ્વીચો 'રન' પોઝિશનમાંથી 'કટ-ઑફ' પોઝિશનમાં જતી રહી હતી, જેના કારણે ઍન્જિનને ઈંધણ મળતું બંધ થઈ ગયું હતું.

કૉકપીટના ઑડિયો રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછતો સંભળાય છે કે તેણે 'કટ-ઑફ' કેમ કર્યું, અને બીજાએ જવાબ આપ્યો કે તેણે નથી કર્યું. તપાસકર્તાઓએ ઓળખી શક્યા નથી કે કઈ વાત કયા પાઇલટે કરી હતી.

ઉડાન ભરતી વખતે કૅપ્ટન સભરવાલ દેખરેખ રાખી રહ્યા હતા અને કૉ-પાયલોટ ક્લાઇવ કુંડર વિમાન ઉડાડી રહ્યા હતા. તપાસકર્તાઓએ રિપોર્ટમાં ઉલ્લેખિત વાતચીત સાથે કોઈ પણ પાઇલટને જોડ્યા નથી, કે કોઈ પણ કાર્યવાહી ઇરાદાપૂર્વક કરવામાં આવી હોય તેવું પણ જાણવા મળ્યું નથી.

નૅશનલ ટ્રાન્સપૉર્ટેશન સેફ્ટી બોર્ડના પૂર્વ અધ્યક્ષ રૉબર્ટ સમવૉલ્ટે દાવો કર્યો હતો કે રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે "આ વિમાન કે ઍન્જિન સાથે જોડાયેલી સમસ્યા ન હતી."

તેમણે અમેરિકન ટેલિવિઝન નેટવર્ક સીબીએસ સાથે વાતચીતમાં કહ્યું: "શું કોઈએ ઇરાદાપૂર્વક ફ્યૂઅલ બંધ કર્યું કે ભૂલથી, જેથી કરીને ફ્યૂઅલ કટ-ઑફ થઈ ગયું?"

યુએસસ્થિત ઍવિએશન સૅફ્ટી કૅમ્પેઇનર્સનું કહેવું હતું કે ઍર ઇન્ડિયાનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, તેમાં આગ સહિત અનેક તકનીકી સમસ્યાઓ ઊભી થઈ હતી.

અમેરિકાના કૅમ્પેઇન ગ્રૂપ ફાઉન્ડેશન ફૉર ઍવિએશન સૅફ્ટીએ યુએસ સેનેટને પ્રેઝન્ટેશન મોકલ્યું હતું. સંગઠનનું કહેવું છે કે તેને જે રજૂઆત કરી છે, તેના પુરાવા તેમની પાસે છે.

ફાઉન્ડેશન ફૉર ઍવિએશન સૅફ્ટીના કહેવા પ્રમાણે, વિમાને ઍર ઇન્ડિયા માટે ઉડ્ડાણ ભરી, તેના પહેલા દિવસથી જ તેની સિસ્ટમમાં ખામી ઊભી થઈ હતી તથા આને માટેના દસ્તાવેજો ઉપલબ્ધ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'પાઇલટ દોષિત નહીં'

અમદાવાદમાં 12 જૂને ઘટેલી AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ વિવાદોમાં સપડાઈ ગઈ અને સુપ્રીમ કોર્ટે પણ તેમાં પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

જુલાઈ મહિનામાં વચગાળાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. અહેવાલની ટીકા કરનારાઓનું કહેવું હતું કે રિપોર્ટમાં અયોગ્ય રીતે પાઇલટો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને વિમાનમાં રહેલી સંભવિત ખામીઓ તરફથી ધ્યાન હઠાવી દેવાયું.

વિમાનન ક્ષેત્રમાં સલામતી વધે તે માટે 'સૅફ્ટી મૅટર્સ ફાઉન્ડેશન' કાર્ય કરે છે. આ સંસ્થાના સંસ્થાપક કૅપ્ટન અમિતસિંહે એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેનો દાવો હતો કે ઉપલબ્ધ પુરાવા 'ઍન્જિન બંધ થવામાં ઇલેક્ટ્રિકલ ગરબડની થિયરીનું દૃઢતાપૂર્વક સમર્થન કરે છે,' જેના કારણે આ અકસ્માત થયો હતો.

કૅપ્ટન અમિતસિંહનું માનવું છે કે એક ઇલેક્ટ્રિકલ ફૉલ્ટને કારણે ઍન્જિનને નિયંત્રિત કરનારી કમ્પ્યુટર-પ્રમાણિત ફૂલ ઑથૉરિટી ડિજિટલ ઍન્જિન કંટ્રોલ (FADEC)એ ફ્યૂઅલ સપ્લાય અટકાવીને ઍન્જિનને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી.

કૅપ્ટન અમિતસિંહનું કહેવું હતું કે ફ્લાઇટ ડેટા રેકૉર્ડરે કદાચ ફ્યૂઅલ સપ્લાય બંધ કરવાનો આદેશ લીધો હોય, ન કે કૉકપિટમાં કટ-ઑફ સ્વિચમાં ખરેખર હલચલ થઈ હોય.

બીજા શબ્દોમાં કહીએ, જ્યાં સુધી પાઇલટોએ તેને ફરી ચાલુ કરવાનો પ્રયાસ ન કર્યો, ત્યાં સુધીમાં તેને અડકવામાં ન આવી હતી.

દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ટિપ્પણી કરી હતી. મૃત કૅપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે આ મામલે સ્વતંત્ર તપાસની માગ કરી હતી.

જસ્ટિસ સૂર્યકાંતે તેમને કહ્યું હતું, "આ દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તમારે એ બોજ રાખવાની જરૂર નથી કે તમારા દીકરાને દોષ આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાબત માટે તેમને (કૅપ્ટન સભરવાલ) દોષિત ન ઠેરવી શકે."

AAIBએ પણ આંતરરાષ્ટ્રીય મીડિયાના કેટલાક વિભાગો દ્વારા કરવામાં આવેલા (તેના શબ્દોમાં) "પસંદગીયુક્ત અને અપ્રમાણિત અહેવાલો"ની ટીકા કરી હતી. ગયા વર્ષે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવાના પ્રયાસો 'બેજવાબદારી' છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન