પડી ગયેલો સેલફોન ઉપાડવાનો પ્રયાસ કરતી વખતે ખડક પર ઊંધાં ફસાઈ ગયેલાં મહિલાનું શું થયું?

    • લેેખક, ફ્લૉરા ડ્ર્યુરી
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

ઑસ્ટ્રેલિયામાં હાઇકિંગ કરી રહેલાં મહિલા પોતાનો મોબાઇલ ફૉન કાઢવા જતાં બે પહાડો વચ્ચે ફસાઈ ગયાં હતાં અને કલાકો સુધી તેને ઊંધા લટકી રહેવું પડ્યું હતું.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિલાનું નામ મટિલ્ડા કૅમ્પબેલ છે. આ મહિનાની શરૂઆતમાં તેઓ જ્યારે ન્યૂ સાઉથ વૅલ્સના હંટર વૅલી ક્ષેત્રમાં પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ ત્રણ મીટર ઊંડી ખાઈમાં પડી ગયાં.

તેમને બચાવવા માટેનું આ અભિયાન અંદાજે સાત કલાક ચાલ્યું હતું અને તેમાં ઇમર્જન્સી સેવાઓને અતિશય પડકારભર્યું બચાવકાર્ય કરવાનું હતું. તેમાં અનેક પથ્થરોને હઠાવવાનું કામ પણ સામેલ હતું.

લગભગ 500 કિલોગ્રામ વજનના પથ્થરને હઠાવ્યા બાદ પણ એ મથામણ હજુ ચાલી રહી હતી કે જે ‘એસ’ આકારની જગ્યામાં ફસાયેલાં આ મહિલાને કેવી રીતે બહાર કાઢવા?

ન્યૂ સાઉથ વૅલ્સ ઍમ્બ્યુલન્સ સર્વિસમાં પેરામેડિકલ સેવાઓ આપી રહેલા પીટર વૉટ્સ કહે છે, “રૅસ્ક્યૂ પૅરામેડિક તરીકે મારી દસ વર્ષની કામગીરીમાં મેં ક્યારેય આ પ્રકારની જૉબ કરી નથી. આ કામગીરી અતિશય પડકારજનક હતી.” તેમનું આ નિવેદન સર્વિસના સોશિયલ મીડિયા પેજ પર જોવા મળ્યું હતું.

રૅસ્ક્યૂ કરનારા લોકો પહોંચ્યા તે પહેલાં જ તેઓ લગભગ એક કલાકથી આ મહિલા ત્યાં ફસાયેલાં હતાં. તેમના મિત્રોએ તેમને બચાવવા કરેલા પ્રયત્નો ત્યાં સુધીમાં તો નિષ્ફળ નીવડ્યા હતા.

ઍમ્બ્યુલન્સ સર્વિસે જાહેર કરેલી તસવીરો અનુસારા આ મહિલા પહાડો વચ્ચે તેમના પગના સહારે ઊંધા લટકેલાં હતાં અને ઇમર્જન્સી સેવાઓના લોકો તેમને બચાવવા માટે જગ્યા કરી રહ્યા હતા.

વૉટ્સે ત્યારબાદ ઑસ્ટ્રેલિયાની એબીસી ચૅનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એ મહિલાને યોદ્ધા ગણાવ્યા હતા.

“અમે બધાં એ વિચારતાં હતાં કે એ ત્યાં કઈ રીતે ફસાયાં અને અમે તેમને કઈ રીતે બહાર કાઢીશું?”

એનએસડબલ્યૂ ઍમ્બ્યુલન્સે એ આશ્ચર્યની વાત હતી કે જેમનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું તે મહિલાને ખૂબ ઓછાં ઘસરકાં અને ઇજા થઈ હતી.

જોકે, તેમને ફોન પાછો મળ્યો ન હતો.

તેમણે ઑનલાઇન લખેલા મૅસેજમાં કહ્યું હતું કે, “હું એ લોકોનો આભાર માનવા માંગું છું જેમણે મને બચાવી, તેમણે ખરેખર માકો જીવ બચાવ્યો છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.