ગુજરાત હવામાન : અમદાવાદ સહિત ગુજરાતમાં હજી કેટલા દિવસ પડશે વરસાદ?

પ્રકાશિત

અમદાવાદના વાતાવરણમાં ગઇકાલે બપોર પછી અચાનક પલટો આવ્યો હતો અને સાંજે છ વાગ્યાથી શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.

શહેરમાં જોતજોતામાં સરેરાશ 42 મીમી વરસાદ વરસી ગયો હતો. ચાંદખેડામાં સૌથી વધુ 76 મીમી વરસાદ વરસ્યો હતો. મોડી રાત સુધી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો.

ભારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં કરા પડવાની પણ ઘટનાઓ સામે આવી હતી.

અમદાવાદના અનેક વિસ્તારોમાં અંડરપાસમાં પાણી ભરાઈ ગયાં હતાં અને વૃક્ષો પડી જવાની 15 ફરિયાદો મ્યુનિસિપલ કૉર્પોરેશનને મળી હતી. અમદાવાદના રાણીપ મેટ્રો સ્ટેશનમાં ભારે પવનને કારણે ખૂબ નુકશાન થયું હોવાના દૃશ્યો સામે આવ્યાં છે.

ભારે વરસાદને કારણે ગઇકાલે અમદાવાદમાં યોજાનાર આઇપીએલ ફાઇનલ આજે 29મી મેના રોજ રમાડવાનો નિર્ણય થયો છે.

આ સિવાય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. પંચમહાલ, દાહોદ, અરવલ્લીના અનેક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો અને વરસાદ પણ પડ્યો હતો. કેટલી જગ્યાએ વૃક્ષો પડી જવાની ઘટનાઓ પણ બની હતી.

સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં ભારે પવન ફૂંકાયો અને વરસાદની ઘટનાઓ બની હતી.

હવામાન વિભાગે શું આગાહી કરી?

ગુજરાતમાં હજી પણ આવનારા બે દિવસ 29મે અને 30મે માટે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

ભારતમાં એક તરફ ચોમાસું શરૂ થવાના હવે ગણતરીના દિવસો જ બાકી છે અને બીજી તરફ દેશના અનેક વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે.

આ વર્ષે કેરળમાં ચોમાસું 4 જૂનની આસપાસ પહોંચે તેવી શક્યતા છે, જે બાદ 12થી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજી પણ બે દિવસ સુધી વરસાદ પડશે.

હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે અમદાવાદમાં રમાનારી આઈપીએલની ફાઇનલ મૅચ પર પણ આજે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે.

અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની શક્યતા છે.

જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર તથા બોટાદના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત કચ્છ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન બદલાય તથા છુટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ક્યાંક પવન સાથે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં અત્યારે વરસાદ કેમ પડી રહ્યો છે?

ગુજરાતમાં એપ્રિલ, મે અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં સામાન્ય રીતે ભારે ગરમી પડતી હોય છે. જે બાદ રાજ્યમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થતો હોય છે.

ચોમાસું ગુજરાત સુધી પહોંચે તે પહેલાં રાજ્યમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટી શરૂ થઈ જતી હોય છે. એટલે કે ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદ શરૂ થઈ જતો હોય છે.

પરંતુ હાલ પડી રહેલો વરસાદ એ ચોમાસાના વરસાદ પહેલાં થતી ઍક્ટિવિટીને કારણે પડી રહ્યો નથી પરંતુ તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડી રહ્યો છે.

ભારત પર ભૂમધ્ય સાગર પરથી એક બાદ એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે. તેની અસર ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાતને પણ થઈ છે.

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનની ઉપર એક સાયક્લૉનિક સર્ક્યુંલેશન બન્યું છે અને તેની અસર ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી થઈ છે.

ઉત્તર ભારત પર આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો મદદ કરે છે. એટલે કે આ સિસ્ટમને વરસાદ માટે જરૂરી ભેજ અરબી સમુદ્રમાંથી મળી રહ્યો છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?

ભારતના મુખ્ય ભૂ-ભાગો પર હજી વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો નથી. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર કેરળ પર ચોમાસું 4 જૂનની આસપાસ પહોંચે તેવી સંભાવના છે.

19 મેના રોજ હવામાન વિભાગે જાહેરાત કરી રહી કે આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે. જે બાદ હજી સુધી ત્યાંથી ચોમાસું આગળ વધી શક્યું નથી.

આશરે 10 દિવસથી ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયામાં કોઈ પ્રગતિ થઈ નથી. કેટલાક નિષ્ણાતોના મતે આ વર્ષે ચોમાસું ભારતમાં મોડું શરૂ થાય તેવી શક્યતા છે.

કેરળમાં ચોમાસું શરૂ થયાના 12થી 15 દિવસ બાદ ગુજરાત પર સામાન્ય રીતે ચોમાસું પહોંચતું હોય છે. જે બાદ 10થી 15 દિવસમાં ગુજરાતના તમામ વિસ્તારોને ચોમાસું આવરી લે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સૌપ્રથમ ચોમાસાની શરૂઆત થાય છે જે બાદ તે આગળ વધીને બીજા વિસ્તારો સુધી પહોંચે છે.

હવામાન વિભાગે આ વર્ષના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં લાંબાગાળાની સરેરાશના 96 ટકા વરસાદ થવાની શક્યતા છે. એટલે કે એકદંરે ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

બીજી તરફ ભારતના આગામી ચોમાસા પર અલ નીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે અને હવામાન વિભાગ તેના પર સતત નજર રાખી રહ્યું છે.