વિમાનમાં પાવરબૅન્ક લઈ જવા પર શું પ્રતિબંધ લાગી જશે, તેમાં શું છે જેનાથી આગ લાગી શકે?

    • લેેખક, ગૅવિન બટલર
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

દક્ષિણ કોરિયામાં એરબસ એ321ના સીઈઓમાં આગ લાગવાનું કારણ સામે આવી ગયું છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે આગ પાવરબૅન્કને કારણે લાગી હતી.

દક્ષિણ કોરિયાના ગુમહાઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર 28 જાન્યુઆરી, 2025ના રોજ ઍર બુસાનના એક પૅસેન્જર વિમાનમાં આગ લાગી ગઈ હતી. તેમાં ત્રણ લોકો મામૂલી ઘાયલ થયા હતા.

દક્ષિણ કોરિયાના પરિવહન મંત્રાલયે 14 માર્ચે જણાવ્યું છે કે, "તપાસમાં જાણવા મળ્યું છે કે પાવરબૅન્કમાં ખરાબી આવવાને કારણે વિમાનમાં આગ લાગી હતી. પાવરબૅન્ક વિમાનના ઉપરના ભાગમાં હતી જ્યાં સૌથી પહેલાં આગ લાગી હતી."

તપાસ કરનારાઓનું કહેવું છે કે તેમને જે પાવરબૅન્ક મળી હતી તેના પર સળગી જવાના નિશાન પણ હતા. જોકે, એ ખ્યાલ નથી આવી શક્યો કે પાવરબૅન્કની બેટરીમાં ખરાબી કેમ થઈ હશે. મહત્ત્વપૂર્ણ વાત એ હતી આ વચગાળાનો તપાસ રિપોર્ટ છે. વિમાનનો અંતિમ તપાસ રિપોર્ટ આવવાનો બાકી છે.

પાવરબૅન્ક કેવી રીતે વિમાનમાં આગ લાગવામાં કારણભૂત બને છે? પાવરબૅન્ક પર કયા દેશો પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે? આ અહેવાલમાં જાણો...

સુરક્ષા કારણોસર વિશ્વભરની ઍરલાઇન્સ ઘણાં વર્ષોથી સામાનમાં પાવરબૅન્ક રાખવા અંગે માર્ગદર્શિકા જાહેર કરતી રહી છે.

તેમાં લિથિયમ આયન બેટરી હોય છે. આ બેટરીઓ તીવ્ર ગરમી ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. કોઈપણ ખામીને કારણે તેમાં શૉર્ટ સર્કિટ થવાની શક્યતા રહે છે.

આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાનન સંગઠને 2016માં પૅસેન્જર વિમાનોમાં પાવરબૅન્કને કૅરી-ઑન સામાન (કૅબિન બૅગેજ)માં લઈ જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

દક્ષિણ કોરિયામાં ઍરબસ વિમાનમાં આગની ઘટના બાદ ઍર બુસાનના અધિકારીઓએ પણ કડક સુરક્ષા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

અધિકારીઓએ જાહેરાત કરી છે કે તેઓ મુસાફરોને તેમના સામાનમાં પાવરબૅન્ક લઈ જવાની મંજૂરી આપશે નહીં.

સિંગાપોર ઍરલાઇન્સ પહેલી ઍપ્રિલથી વિમાનમાં પાવરબૅન્કના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે.

ચાઇના ઍરલાઇન્સ અને થાઇ ઍરલાઇન્સ પણ સમાન નિયમો લાગુ કરી રહી છે.

લિથિયમ બેટરીના કારણે વિમાનમાં આગ લાગવાની ઘટનાઓ આ પહેલાં પણ બની છે.

માર્ચ 2017માં ઑસ્ટ્રેલિયાના મૅલબોર્નથી બેઇજિંગ જતી ફ્લાઇટમાં એક મહિલાના હેડફોન ફાટ્યા હતા જેના કારણે તેનો ચહેરો બળી ગયો હતો.

મહિલા પોતાના હેડફોન ફાટવાનો અવાજ સાંભળીને ઊઠી ગયાં અને તેમણે તરત જ તેને કાઢીને ફ્લોર પર ફેંકી દીધા.

પછીથી એવું બહાર આવ્યું હતું કે આ અકસ્માત લિથિયમ આયન બેટરીમાં ખામીને કારણે થયો હતો.

એ અગાઉ સિડનીમાં એક વિમાનને તેના બૅગેજના ડબ્બામાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યા બાદ તેને રોકી દેવામાં આવ્યું હતું.

બાદમાં ખબર પડી કે સામાનમાં રાખેલી લિથિયમ આયન બેટરીમાં આગ લાગી ગઈ હતી.

યુકે ઍન્વાયર્નમેન્ટલ સર્વિસીસ ઍસોસિયેશને 2022ના એક અહેવાલમાં જણાવ્યું હતું કે કચરાના ઢગલા અને કચરાના નિકાલની જગ્યાઓએ દર વર્ષે 700 થી વધુ આગ લાગવાની ઘટના નોંધાય છે. આમાંની મોટાભાગની ઘટનાઓ ફેંકી દેવાયેલી લિથિયમ બેટરીઓને કારણે થાય છે.

લિથિયમ આયન બેટરીમાં નુકસાની હોવાના કારણે અથવા તે તૂટી જવાના કારણે તેમાં વિસ્ફોટ થઈ શકે છે. આ બેટરીઓનો ઉપયોગ ફક્ત પાવરબૅન્કમાં જ નહીં પરંતુ ટૂથબ્રશ, રમકડાં, મોબાઇલ ફોન અને લૅપટૉપમાં પણ થાય છે.

આવી બેટરીઓમાં બે ઇલેક્ટ્રોડ હોય છે જેને એકબીજાથી દૂર રાખવામાં આવે છે અને તેમાં લિથિયમ આયન કણો હોય છે. જ્યારે આ બેટરીઓ ચાર્જ થાય છે, ત્યારે તેમાં હાજર આયનો તેમની મૂળ સ્થિતિમાં પાછા ફરે છે.

જો બેટરીને નુકસાન ન થયું હોય, તો તેનો ઉપયોગ કરવો સલામત છે પરંતુ જો બેટરીના બે ઇલેક્ટ્રોડ સંપર્કમાં આવી જાય તો તેમાં વિસ્ફોટ થઈ શકે છે અને બેટરીમાં રહેલા રસાયણો આગનું કારણ પણ બની શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.