You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીમાં જાહેરમાં મર્ડર : પ્રેમમાં કોઈની હત્યા કેવી રીતે કરી શકે?
- લેેખક, નાસિરુદ્દીન
- પદ, બીબીસી હિન્દી માટે
- પ્રકાશિત
આ હૈયું હચમચાવી નાખે એવા સમાચાર છે. સમાજ તરીકે આપણા હિંસક, અમાનવીય અને કાયર હોવાના સમાચાર પણ છે.
દિલ્હીના એક વિસ્તારમાં એક યુવાને સગીર વયની એક છોકરીની હત્યા કરી હતી. એ હત્યા સીસીટીવી કૅમેરામાં કેદ થયેલી છે. એ યુવાન કેટલો બેખૌફ છે અને કઈ રીતે છોકરીને ઘા મારી રહ્યો છે, તે એમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
એક તરફ આ થઈ રહ્યું છે અને બીજી તરફ લોકો આરામથી આવ-જા કરી રહ્યા છે. કોઈ રોકતું નથી. કોઈ પોલીસને જાણ કરતું નથી. પોલીસને ઘણા સમય પછી ખબર પડે છે. પેલી છોકરી મૃત્યુ પામી છે.
યુવાન અને છોકરી વચ્ચે ‘પ્રેમસંબંધ’ હતો એવું કહેવામાં આવી રહ્યું છે. યુવાને ‘ઝનૂન’માં છોકરીની હત્યા કરી હતી. સવાલ એ છે કે ‘પ્રેમસંબંધ’માં આવી બર્બરતા હોઈ શકે? પ્રેમનું ઝનૂન હિંસક હોઈ શકે?
આ બધાની વચ્ચે આપણે શેની ચર્ચા કરી રહ્યા છીએ? આપણા હત્યાની બર્બર રીત અને મારનારના ધર્મ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ છોકરાઓની આવી વર્તણૂકની તદ્દન અવગણના કરવામાં આવી રહી છે.
કોઈ ચોક્કસ ધર્મને અનુસરતા યુવાનો આવું ક્રૂર વર્તન નથી કરતા એવું કોઈ દિલ પર હાથ રાખીને કહી શકે તેમ છે? આ સવાલ છોકરાઓને નહીં, પરંતુ છોકરીઓ અને સ્ત્રીઓને પૂછવો જોઈએ.
તેથી બહેતર એ છે કે આપણે હિંસાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરે તેવી વાતો કરવી જોઈએ.
આ મહોબ્બત છે કે દબંગ મર્દાનગી?
પોતે આજે જેને ચાહતા હોવાની વાતો કરે છે કે દિવસ-રાત સાથે રહેવાના સોગંદ ખાય છે તેની હત્યા કરવાની હિંમત છોકરાઓ કે પુરુષોમાં ક્યાંથી આવે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ હિંમતનો એક સ્રોત ધાકયુક્ત દબંગ ઝેરીલી મર્દાનગી. એ મર્દાનગી દરેક બાબત પર કાબૂ મેળવવા ઇચ્છે છે. માણસ અને માણસની જિંદગી પર પણ નિયંત્રણ ઇચ્છે છે.
તે છોકરીઓને પોતાની સંપત્તિની જેમ પોતાના કાબૂમાં રાખવા ઇચ્છે છે. તેઓ તેમને પોતાના ઇશારા પર નચાવવા ઇચ્છે છે. આવી મર્દાનગી માટે અન્ય કોઈની ઇચ્છા કે છોકરીના સ્વતંત્ર વ્યક્તિત્વનું કોઈ મહત્ત્વ હોતું નથી.
તેઓ ઝનૂની દેખાય છે, પરંતુ શીરીંના ફરહાદ અને લૈલાના મજનૂ બની શકતા નથી. માત્ર ‘કબીરસિંહ’ બની જાય છે.
તેથી આવા હિંસક, ઝનૂની છોકરાઓને મજનૂ કે રોમિયો કહેવા તે બન્ને પ્રેમીઓનું અપમાન છે. કંઈ કહેવું જ હોય તો આવા હિંસક, ઝનૂની છોકરાઓને કબીરસિંહ કહી શકાય.
શાહબાદ ડેરીમાં શું થયું હતું?
- દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ગયા રવિવારે રાતે 20 વર્ષના એક યુવાન સાહીલે 16 વર્ષની છોકરીની ચાકુના સંખ્યાબંધ ઘા મારીને હત્યા કરી હતી.
- આરોપીએ પીડિતા પર ચાકુના 16 ઘા કર્યા હતા અને પછી પથ્થર વડે તેના મસ્તકને પાંચ વાર કચડ્યું હતું.
- દિલ્હી પોલીસે આરોપીની ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી સોમવારે ધરપકડ કરી હતી.
- સાહિલને છોકરીનો બૉયફ્રેન્ડ ગણાવાઈ રહ્યો છે, પરંતુ પીડિતાના પરિવારજનો તેનો ઇનકાર કરે છે.
- આ ઘટના પાછળ કોઈ ધાર્મિક એંગલ હોવાની વાતને દિલ્હી પોલીસે ફગાવી દીધી છે.
હિંસક છોકરાઓ વચ્ચે ઘેરાયેલો સમાજ
છોકરાઓ કે પુરુષો કરે તો શું કરે? તેમની પરેશાની સમજવાની પણ જરૂર છે. છોકરાઓ પાસે કોઈ પરેશાની કે સમસ્યાના નિવારણનો કોઈ અહિંસક માર્ગ નથી. દબંગ મર્દાનગીએ તેમને અહિંસક વર્તન શીખવાડ્યું જ નથી.
તેમના માટે સંવાદની એકમાત્ર રીત છે હિંસા. હિંસા વાતચીત વડે કે શારીરિક હુમલા વડે. દબંગ મર્દાનગીએ તેમને માત્ર હિંસા કરતા જ શીખવાડ્યું છે, એમ કહેવું બહેતર છે. તેઓ ‘ના’ સાંભળવા જ ઇચ્છતા નથી.
પોતાના મનમાં હોય તેનાથી વિપરીત કોઈ વાત તેમને સ્વીકાર્ય નથી. જવાબ હિંસા વડે આપવાનો છે. તેના પરિણામે તેઓ પોતે હિંસક થઈ રહ્યા છે, અમાનવીય થઈ રહ્યા. તેની અસર તેમના ઉપરાંત તેમની સાથે રહેતા લોકોને પણ થઈ રહી છે, પરંતુ કોઈની હત્યા કરવી એ મર્દાનગી છે?
ઝેરીલા પુરુષોની ઓળખ
આવા ઝેરીલા છોકરાઓ કે પુરુષોને કેટલાંક લક્ષણ છે. તેઓ વારંવાર પ્રેમની દુહાઈ દે છે, પરંતુ તેમનો પ્રેમ કોઈને આઝાદ નથી કરતો, બલકે ગુલામ બનાવે છે. ઇનકાર તેમને સ્વીકાર્ય જ નથી.
છોકરી કોઈ અન્ય સાથે વાત કરે કે નજીક જાય એ તેમને પસંદ નથી. તેઓ પ્રેમનો દેખાડો કરીને છોકરીની હિલચાલ, વાતચીત, ફોન, સોશિયલ મીડિયા બધા પર નિયંત્રણ મેળવવા ઇચ્છે છે. તેઓ આક્રમક હોય છે. ગુસ્સા પર કાબૂ રાખી શકતા નથી. તેઓ પ્રેમનો દેખાડો પણ કરે છે અને ડરાવે પણ છે.
પોતાની જીદમાં તેઓ કોઈનું સાંભળતા નથી. બીજાની લાગણીની કદર કરતા નથી. તેમના માટે સ્ત્રીના શરીરનો ઉપયોગ વધારે જરૂરી હોય છે. તેઓ શરીરને પ્રેમ કરે છે. તેના પર વિજય મેળવવા ઇચ્છે છે.
ઇનકારનો આદર કરતાં શીખવું પડશે.
પ્રેમ બે કે બેથી વધુ લોકોની સહમતિનું નામ છે. ચાહત એકતરફી હોઈ શકે છે. જેવી રીતે આપણને કોઈને ચાહવાની ઇચ્છા થાય તેવી રીતે ન ચાહવાની ઇચ્છા પણ થઈ શકે.
એકતરફી ચાહતને પ્રેમ કે મહોબ્બત કહી શકાય નહીં. આટલી સાદી વાત આપણને કેમ સમજાતી નથી? કોઈના ઇનકારનો આદર કરવો તે પ્રેમનું પહેલું પગથિયું છે. પ્રેમમાં સમ-ભાવ હોય છે. એકતરફી ચાહતમાં સમ-ભાવ હોતો નથી.
હિંસાનો વધતો વ્યાપ
આટલું જ નહીં, છોકરાઓમાં હિંસાની કલ્પના એટલી ભયાનક અને ખતરનાક છે કે તે સમગ્ર સમાજ માટે મોટું જોખમ બની ગયા છે. છોકરીઓની જિંદગી માટે તે જોખમી છે જ.
છોકરાઓ જે હિંમતથી છોકરી સાથે હિંસા કરી રહ્યા છે તે સમાજમાં વધતી બીજા પ્રકારની હિંસાથી અલગ નથી. બીજા પ્રકારની હિંસામાં પણ છોકરાઓ અને મર્દોનું જ ‘યોગદાન’ છે. છોકરાઓ એવું માને છે કે તેમને હિંસા કરવાની છૂટ છે.
હિંસા તેમના મર્દ હોવાનો પુરાવો છે, એમ કરવું વાજબી છે. તેઓ એવું પણ માને છે કે તેઓ કોઈની હત્યા કરીને કે માર મારીને આરામથી રહી શકે છે. તેમને કોઈ સજા કરી શકે નહીં. તેથી, ખાસ કરીને અત્યંત અંગત સંબંધમાં તેઓ બેફામ બનીને જોરદાર હિંસા કરી રહ્યા છે.
મહોબ્બત હૈ ક્યા ચીજ?
પ્રેમમાં તો બધું ન્યોચ્છાવર કરવાનું હોય. ન્યોચ્છાવર કરવાના બદલામાં બીજી ચીજ મેળવવાની ઇચ્છાને સોદો કરી શકાય, મહોબ્બત નહીં.
આપણે જેને ચાહતા હોઈએ તેને નુકસાન કેવી રીતે પહોંચાડી શકીએ? તેની હત્યા કરીએ? હત્યામાં બર્બરતાની તમામ હદ પાર કરી દઈએ?
પ્રેમ ખોટા વાયદાનું નામ પણ નથી. તેમાં છળ-કપટ-પ્રપંચને પણ કોઈ સ્થાન નથી. પ્રેમ કોઈ લોભમાં, આ દુનિયા કે પેલી દુનિયામાં સ્થાન બનાવવાનું નામ પણ નથી. પ્રેમમાં જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગની દીવાલ પણ ન હોઈ શકે. તેથી પ્રેમમાં એકતરફી ધર્મપરિવર્તનને પણ કોઈ સ્થાન ન હોવું જોઈએ.
પ્રેમમાં બર્બરતા હોઈ જ ન શકે. સ્ત્રીને સંપત્તિ માનવાની, બદલાની અને નફરતની લાગણીમાંથી તે બર્બરતા ઊપજે છે. આ ઝેરીલી મર્દાનગી છે.
નવી મર્દાનગી શીખવી પડશે
પ્રેમમાં હત્યા કરવી, એસીડ ફેંકીને છોકરીને ચહેરો વિકૃત કરવો, આવાં કૃત્યો દર્શાવે છે કે છોકરાઓના ઉછેરમાં સમાજે કેટલો તેજાબ નાખ્યો છે.
સમાજે હિંસાની અવગણના કરીને તેની સાથે જીવવાની આદત પાડી લીધી છે. તેને જાતે જ પોતાના જીવનમાં સ્થાન આપ્યું છે. આ વલણ છોકરાઓ કે મર્દોને ખાસ પ્રકારની તાકાત આપે છે.
તેથી છોકરાઓએ સૌથી પહેલાં એ બધું તેમના જીવનમાંથી કાઢવું પડશે, જે તેઓ મર્દાનગીના નામે શીખ્યા છે. તેમણે નવા પ્રકારની મર્દાનગી અપનાવવી પડશે. તે હકારાત્મક મર્દાનગી હશે. એ મર્દાનગીની પહેલી અને જરૂરી શરત અહિંસા અને બંધુત્વ છે.
તે પ્રેમ, સહઅસ્તિત્વ, એકમેક પર ભરોસો. એકમેક માટેની તડપ, સંવેદનશીલતા, સૌના આદર, સહાનુભૂતિ, ઈમાનદારી અને સચ્ચાઈ પર આધારિત હશે.
લોકતાંત્રિક બનવાનું શીખવું પડશે. લોકતાંત્રિક થવાનો અર્થ એ છે કે તેમણે ભિન્નમતનો આદર કરવાનું શીખવું પડશે. પોતાના મન વિરુદ્ધની વાત સાંભળવાની આદત પાડવી પડશે.
પોતાનું જ ધાર્યું કરવાની જીદ છોડવી પડશે. બીજાના અને ખાસ કરીને છોકરીઓના દૃષ્ટિકોણને મહત્ત્વ આપવું પડશે. આવું થશે ત્યારે જ ‘પ્રેમસંબંધ’માં હિંસાની વાત સંભળાતી બંધ થશે.