પાકિસ્તાની ટીમના આ ક્રિકેટ વર્લ્ડકપમાં બૂરી રીતે કેમ હારી રહી છે? શું છે કારણો?

    • લેેખક, સંજય કિશોર
    • પદ, વરિષ્ઠ રમતગમત પત્રકાર, બીબીસી હિન્દી માટે
  • પ્રકાશિત

જે આજ સુધી નહોતું થયું, ગઈ કાલે રાત્રે એ પણ થઈ ગયું. પાકિસ્તાની ક્રિકેટ ટીમની વર્લ્ડકપમાં સતત ચોથી મૅચમાં હાર થઈ અને હવે બાબર આઝમની ટીમ માટે સેમિફાઇનલ સુધી પહોંચવાની રાહ ખૂબ જ મુશ્કેલ બની ચૂકી છે. કેશવ મહારાજના ચોગ્ગા સાથે આ દિશામાં પાકિસ્તાનની આશા લગભગ ખતમ થઈ ગઈ.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે.

ઇમરાન ખાનની કપ્તાનીમાં 1992માં પાકિસ્તાને વર્લ્ડકપ અને યૂનુસ ખાનના નેતૃત્વમાં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. હાલની ટીમ એ ટીમોના પડછાયા બરાબર પણ નથી.

પાકિસ્તાની બૉલરો જીત માટે છેલ્લી એક વિકેટ પણ ન ખેરવી શક્યા

ચેન્નાઈના એમ. એ. ચિદંબરમ સ્ટેડિયમમાં લગભગ 30 હજાર પ્રેક્ષકો સામે પાકિસ્તાનની ટીમ 46.4 ઓવરમાં ઑલઆઉટ થઈ ગઈ.

કપ્તાન બાબર આઝમના 50 રન, સઊદ શકીલના 52 રન અને ઑલરાઉન્ડર શાદાબ ખાનના 43 રનને બળે પાકિસ્તાન 270 રન જ બનાવી શક્યું.

દક્ષિણ આફ્રિકા માટે તબરેઝ શમ્સીએ ચાર વિકેટ લીધી. 271 રનનો પીછો કરી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી.

પરંતુ પાકિસ્તાનના બૉલર આ દબાણમાં વધારો કરવામાં અસફળ રહ્યા અને આવું આ ટુર્નામેન્ટમાં કાંઈ પ્રથમ વખત બન્યું હોય એવું નથી. ઍડન માર્કરમે મુશ્કેલ પરિસ્થિતિમાં 93 બૉલ પર 91 રન બનાવીને પાકિસ્તાનના હાથમાંથી મૅચ છીનવી લીધી.

દક્ષિણ આફ્રિકાને જીત માટે 11 રનની જરૂરિયાત હતી ત્યારે પાકિસ્તાનને માત્ર એક વિકેટની જરૂર હતી. એ ઓવરમાં તબરેઝ શમ્સીને અમ્પાયર્સ કૉલે બચાવી લીધા.

નવમી વિકેટ હાંસલ કર્યા બાદ પાકિસ્તાનના બૉલરોએ 13 બૉલ ફેંક્યા, પરંતુ એક વિકેટ ન મેળવી શક્યા. કેશવ મહારાજના ચોગ્ગાથી 16 બૉલ બાકી રાખીને દક્ષિણ આફ્રિકાની ટીમ એક વિકેટથી મૅચ જીત ગઈ અને ચોકર્સનો ટૅગ ઉતારી ફેંક્યો.

સતત પાંચ મૅચ જીતીને દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલની નજીક પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાન બહાર ફેંકાવાની આરે પહોંચી ગયું છે.

પાકિસ્તાની ટીમનું પતન કેવી રીતે થયું?

વર્લ્ડકપ પહેલાં પાકિસ્તાનને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યું હતું, તો પછી એ બાદ એવું શું થયું કે ટીમની હાલત કથળતી ગઈ.

જાણકારો જણાવે છે કે પાકિસ્તાની કપ્તાન બાબર આઝમે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 48મી ઓવર ઉસામા મીરને આપી હોત તો કદાચ પરિણામ કંઈક અલગ હોત. કપ્તાની ઉપરાંત પાકિસ્તાનનું સૌથી શક્તિશાળી હથિયાર મનાતી એમની બૉલિંગે તો સૌથી વધુ નિરાશ કર્યા છે, આ સિવાય પણ પાકિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન પાછળ ઘણાં પાસાં છે.

અણઘડ હીરાને ઘસવાથી જ એ ચળકી ઊઠે છે. પાકિસ્તાન વિશે હંમેશાં એવું કહેવાય છે કે એ ટીમમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ માત્ર પ્રતિભા કે 'રૉ ટૅલેન્ટ'ને ચળકાવે એવા નિષ્ણાત તેમની પાસે નથી. આ માટે યોગ્ય વ્યક્તિ મળી જાય તો પણ તેમની પાસે પ્રતિભા પર કામ કરવા માટે જરૂરી આધુનિક તકનીક અને ઉપકરણો નથી હોતાં.

આ તમામ મુશ્કેલીઓને કારણે જો કોઈ ટીમ પાસે કોઈ પ્રતિભાવાન ખેલાડી આવે તો પણ પાકિસ્તાન ક્રિકેટ તેને સાચવી નથી રાખી શકતું. એ આ હુન્નરવાળા ખેલાડીને ટકાવી રાખવા જોઈતા પ્રયાસો નથી કરી શકતું.

પાકિસ્તાની ટીમને અનપ્રેડિક્ટેબલ એટલે કે જેનો કોઈ અંદાજ ન કાઢી શકાય એવી ટીમ કહેવાય છે. અમુક દિવસે ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો બીજા જ દિવસે તેનો ધબડકો પણ જોવા મળી શકે. ટીમના પ્રદર્શનમાં સાતત્યની અછત છે. આવું જ કંઈક આ વખતે પણ થયું. પરંતુ આ વખતે પછડાટ બાદ પડતી ચાલુ જ રહી.

અફઘાનિસ્તાન સામે અણધાર્યા પરાજય સાથે જ પાકિસ્તાનની આશા ખતમ થવા લાગી હતી. નેધરલૅન્ડ્સ અને શ્રીલંકા વિરુદ્ધ બે પ્રારંભિક વિજય હાંસલ કર્યા બાદ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ભારત, ઑસ્ટ્રેલિયા અને એ બાદ અફઘાનિસ્તાન અને હવે દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું છે.

આમ વર્લ્ડકપમાં પાકિસ્તાનને અત્યાર સુધી રમેલી છ મૅચમાંથી માત્ર બેમાં જ જીત મળી છે.

પાકિસ્તાની ટીમ આ વખત રંગમાં ન દેખાઈ. ખેલાડીઓના હાવભાવમાં હકારાત્મકતાની કમી જોવા મળી.

ક્રિકેટ એ એક ટીમ ગેમ છે. જ્યાં સુધી કોઈ ટીમ એક સાથે બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગમાં સારું પ્રદર્શન નહીં કરે, ત્યાં સુધી જીત મુશ્કેલ હોય છે. પાકિસ્તાન બૉલિંગ અને ફિલ્ડિંગ બંનેમાં આશા પ્રમાણેનું પ્રદર્શન નથી કરી શક્યું.

નિરાશાજનક બેટિંગ

એક તરફ જ્યાં અન્ય ટીમો વિશ્વકપમાં મોટા સ્કોર ઊભા કરી રહી છે, ત્યાં બીજી બાજુ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માત્ર બે વખત 300 કરતાં વધુ સ્કોર કરી શકી છે. પરંતુ પરેશાનીનું કારણ આ નથી.

પાકિસ્તાનની બેટિંગ મોહમ્મદ રિઝવાન સુધી સીમિત રહી ગઈ છે. રિઝવાને છ મૅચમાં 333 રન બનાવ્યા છે. તેમનાથી વધુ રન ક્વિંટન ડી કૉક અને વિરાટ કોહલી જ કરી શક્યા છે.

પરંતુ સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅનોની આ યાદીમાં ટીમના કપ્તાન બાબર આઝમ 207 રન સાથે 19મા ક્રમે છે. બાબર કરતાં વધુ રન અબ્દુલ્લા શફીક અને સઉદ શકીલે બનાવ્યા છે.

વર્લ્ડકપમાં પાકિસ્તાની બૅટ્સમૅન આક્રમક રમત નથી બતાવી શક્યા. બૅટ્સમૅન મોટી ભાગીદારી નથી કરી શક્યા. ખેલાડીઓ વચ્ચે તાલમેલની કમી જોવા મળી રહી છે.

વિશ્વસ્તરીય બૉલિંગનું શું થયું?

પાકિસ્તાનની સફળતાની કહાણી તેના બૉલરો લખતા આવ્યા છે, પરંતુ આ વખતે બૉલિંગ અને ફિલ્ડિંગ બંનેમાં ટીમે નિરાશ કર્યા છે. એશિયા કપમાં પલ્લેકેલેમાં પાકિસ્તાની બૉલરોએ ભારતની મજબૂત ટીમને 266 રને રોકી દીધી હતી. ટીકાકારોએ કહ્યું કે વર્લ્ડકપમાં પાકિસ્તાની બૉલરો પ્રતિસ્પર્ધી બૅટ્સમૅનોને વધુ પરેશાન નથી કરી શક્યા.

પરંતુ વર્લ્ડકપનાં બે અઠવાડિયાં પહેલાં ટીમના મહત્ત્વપૂર્ણ બૉલર નસીમ શાહ ખભાની ઈજાને કારણે બહાર થઈ ગયા. ટીમને આ બાબત ભારે પડી.

પાકિસ્તાન અને ભારતમાં પીચ અને પરિસ્થિતિઓમાં વધુ ફરક નથી હોતો. પરંતુ પાકિસ્તાની બૉલરો સ્થિતિને અનુરૂપ બૉલિંગ ન કરી શક્યા. ફિલ્ડરોએ પણ બૉલરોનો સાથ ન આપ્યો.

શાહીન શાહ આફ્રીદી પાસેથી ટીમને ઘણી આશા હતી, પરંતુ છ મૅચમાં તેઓ 13 વિકેટ જ લઈ શક્યા.

હારિસ રાઊફે છ મૅચમાં દસ વિકેટ ખેરવી, પરંતુ 348 રને પણ આપી દીધા. સૌથી વધુ નિરાશા સ્પિન બૉલર શાદાબ ખાન, ઉસામા મીર, મોહમ્મદ નવાઝ અને ઇફ્તિખાર અહમદે કુલ્લે છ મૅચમાં 710 રન આપીને માત્ર આઠ જ વિકેટ લીધી છે.

તમે આ આંકડાના આધારે જ એ વાતનો અંદાજ મેળવી શકો કે પાકિસ્તાની ટીમનું બૉલિંગ પ્રદર્શન કેટલું અનુશાસનહીન રહ્યું છે. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાની બૉલરોએ 152 ડૉટ બૉલ ફેંક્યા છતાં ટીમ 367 રન બનાવી ગઈ.

બાબર આઝમની કપ્તાનીમાં આક્રમતાની ઊણપ

કહેવાય છે કે જો ટીમ સારું પ્રદર્શન કરે તો કપ્તાનની અડધી મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે, પરંતુ સામેની બાજુએ કપ્તાનેય ઉદાહરણરૂપ પ્રદર્શન કરવું પડે.

છ મૅચોમાં બાબર 34.50ની સરેરાશથી 207 રન બનાવી શક્યા, આના કારણે નાકામ કપ્તાન અને આઉટ ઑફ ફૉર્મ બૅટ્સમૅન એવા આઝમ પર સવાલ તો ઊઠવાના જ હતા. બાબર મેદાનમાં વ્યૂહરચના ઘડવામાં નિષ્ફળ નીવડ્યા છે. તેમની કપ્તાનીમાં આક્રમતાની ઊણપ દેખાઈ આવે છે.

પાકિસ્તાન મીડિયાએ આરોપ લગાવ્યો છે કે પ્લેઇંગ ઇલેવનમાં બાબર પોતાના મનપસંદ ખેલાડીઓને તક આપે છે.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેઓ પોતાની ટીમને સાથે રાખીને આગળ નથી વધી શકી રહ્યા. ટીમમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. બાબર અને શાહીન શાહ વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધ નથી રહ્યા.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ઘમસાણ ચાલી રહ્યું છે

પ્રારંભે વાત કરી એમ પાકિસ્તાનમાં પ્રતિભાવંત ખેલાડીઓની કોઈ કમી નથી. ખાસ કરીને ફાસ્ટ બૉલરની બાબતે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ચાલી રહેલ ઘમસાણ અને રાજકીય દખલને કારણે પણ વર્લ્ડકપમાં લાંબા સમય સુધી સારું પ્રદર્શન કરનાર ટીમ ન તૈયાર થઈ શકી.

પાછલા એક વર્ષમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ત્રણ અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે. ભૂતપૂર્વ અધ્યક્ષ નજમ સેઠીએ દક્ષિણ આફ્રિકાના મિકી આર્થરને ટીમ ડાયરેક્ટર બનાવ્યા, પરંતુ આર્થર ડર્બીશર કાઉન્ટી સાથે પણ જોડાયેલા રહ્યા. તેમને પાકિસ્તાની મીડિયાએ ‘ઝૂમ કોચ’ની ઉપાધિ આપી હતી.

પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ફાસ્ટ બૉલરોને રૉટેટ નથી કરી શક્યું. શાહીન શાહ આફરિદી અને નસીમ શાહને ત્રણેય ફૉર્મેટમાં રમાડાયા. નસીમના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા ઇશાનુલ્લાહ અને મોહમ્મદ હસનૈને પણ અનફિટ થયા તો હસન અલીને બોલાવવા પડ્યા.

દક્ષિણ આફ્રિકા સામે થયેલી હાર બાદ રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તર પીસીબી પર ભડક્યા હતા. તેમણે યૂટ્યૂબ ચેનલ પર વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેમણે કહ્યું કે, “પાકિસ્તાન ક્રિકેટ આજે જે સ્થિતિમાં પહોંચી ગઈ છે, તેનું કારણ ગત 20-30 વર્ષોમાં લેવાયેલા ખોટા નિર્ણયો છે. એ જ લોકો લાવતા રહો, એ જ ભૂલો કરતા રહો અને તમને આ જ પ્રકારનાં પરિણામ મળતાં રહેશે.”