You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શમીની એ પાંચ વિકેટો જેના કારણે ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડેની સિરીઝમાં પ્રથમ મૅચ શુક્રવારે મોહાલીમાં રમાઈ હતી. વર્લ્ડકપ પહેલાં આ દ્વિપક્ષીય શ્રેણી બંને ટીમો માટે આત્મવિશ્વાસ મેળવવા માટે ખૂબ અગત્યની છે.
તેમ છતાં ભારતે તેના મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બૅટ્સમૅનો આ શ્રેણીમાં રમી રહ્યા નથી. કેએલ રાહુલની કૅપ્ટન્સીમાં ભારતની ટીમ ઑસ્ટ્રેલિયા સામેની આ શ્રેણી રમી રહી છે એ પરિસ્થિતિમાં યુવા ખેલાડીઓના પ્રદર્શન પર સૌ કોઈની નજર રહેશે.
શમીએ ભારતને સફળતા અપાવી
ભારતે મોહાલી વન-ડેમાં ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી.
પહેલી જ ઑવરમાં મોહમ્મદ શમીએ મિચેલ માર્શને શુભમન ગિલના હાથે કૅચઆઉટ કરાવીને ઑસ્ટ્રેલિયા પર દબાણ ઊભું કર્યું હતું. જોકે ત્યારબાદ વૉર્નર અને સ્મિથે ઑસ્ટ્રેલિયાની ઇનિંગને મક્કમતાથી આગળ ધપાવી હતી.
કાયમની જેમ વૉર્નર અને રવીન્દ્ર જાડેજાના મુકાબલામાં વૉર્નરની ફરીથી હાર થઈ હતી અને જાડેજાએ તેમને આઉટ કર્યા હતા. પછી તરત જ શમીએ સ્ટીવન સ્મિથને બૉલ્ડ કરતાં ઑસ્ટ્રેલિયા મુશ્કેલીમાં મુકાયું હતું.
ત્યારબાદ ઑસ્ટ્રેલિયાના મિડલ ઑર્ડરના બૅટ્સમૅનોએ ઇનિંગને આગળ ધપાવી હતી અને સ્કોરને 200 રનને પાર પહોંચાડ્યો હતો. પછી ફરીથી ડૅથ ઑવર્સમાં શમી ત્રાટક્યા હતા અને તેમણે સ્ટોઇનિસ સહિત ત્રણ બૅટ્સમૅનોને પેવેલિયન ભેગા કર્યા હતા.
જેને કારણે ઑસ્ટ્રેલિયા 276 રને અટકી ગયું હતું. ઇનિંગમાં સૌથી વધુ 52 રન વૉર્નરે બનાવ્યા હતા. શમીએ દસ ઑવરમાં 51 રન આપીને પાંચ વિકેટો ઝડપી હતી.
ભારતની ઓપનિંગ જોડીએ જીત નિશ્ચિત કરી
277 રનનો પીછો કરતા સમયે જોરદાર ફૉર્મમાં ચાલી રહેલા ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલે ભારતીય ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી. ઓપનિંગ જોડીએ માત્ર 21.4 ઓવરમાં જ પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરીને ભારતની જીત લગભગ ત્યારે જ નિશ્ચિત કરી દીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઋતુરાજ ગાયકવાડે 71 રન અને શુભમન ગિલે 74 રન બનાવ્યા હતા.
ત્યારબાદ મેદાન પર ઉતરેલા શ્રેયસ અય્યર સસ્તામાં આઉટ થયા હતા પરંતુ કેએલ રાહુલ અને ઈશાન કિશને ભારતીય ઇનિંગને સંભાળી હતી. કેએલ રાહુલ અને ઇશાન કિશને પણ અડધી સદી ફટકારી હતી.
આમ, ભારતની જીતમાં તમામ બૅટ્સમૅનોનો ફાળો રહ્યો હતો અને ટીમે 48.4 ઓવરોમાં જ આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
મૅચ બાદ શમીએ શું કહ્યું?
પોતાના પ્રદર્શન વિશે શમીએ કહ્યું હતું કે આ પરિણામ એ વર્ષોથી ગાઢ થઈ ચૂકેલા ટીમ બૉન્ડિંગનું પરિણામ છે. તેમણે કહ્યું હતું કે, "અમે એકબીજાની સફળતાનો ખૂબ આનંદ માણીએ છીએ. અમે છેલ્લાં ઘણાં વર્ષો સાથે વિતાવ્યાં છે અને આ તેનું પરિણામ છે. જ્યારે તમે નવા બૉલથી રમો છો, ત્યારે તમારા પર યોગ્ય લાઇન અને લૅન્થ શોધવાની જવાબદારી હોય છે. એક ટેમ્પો સેટ કરવાનો હોય છે અને હું આજે એ જ કરવા માંગતો હતો."
ઑસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટો ખેરવ્યા પછી શમીએ એક નવો રેકૉર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ઑસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વિકેટ લેનાર બૉલરોમાં તેઓ બીજા નંબરે પહોંચી ગયા છે. હવે તેમની આગળ માત્ર કપિલ દેવ જ છે.
ભારત હવે ત્રણેય ફોર્મેટમાં નંબર વન
વર્લ્ડકપ 2023 પહેલા ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી વન-ડે રેન્કિંગમાં નંબર વન ટીમ બની ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમે મોહાલી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવીને આ મુકામ હાંસલ કર્યો છે. આ સાથે જ ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો છે.
હવે ભારતીય ટીમે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વન-ડે અને ટી-20માં એક સાથે નંબર-1 રેન્કિંગ પર કબજો જમાવ્યો છે. આ ઘટના પહેલીવાર બની છે. ભારતને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર વન ટીમ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
ભારતીય ટીમ આ સિદ્ધિ મેળવનાર વિશ્વની બીજી ટીમ છે. આ પહેલાં ઑગસ્ટ 2012માં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમે આ સિદ્ધિ મેળવી હતી.
પાકિસ્તાનને ભારતે પાછળ છોડ્યું પણ...
એશિયા કપ જીતવા છતાં ભારત આઇસીસી વન-ડે રેન્કિંગમાં બીજા સ્થાને હતું, જ્યારે પાકિસ્તાન ફાઇનલમાં ન પહોંચવા છતાં પ્રથમ સ્થાને હતું. બીજી તરફ ભારત અને ઑસ્ટ્રેલિયા બંને પાસે નંબર વન ટીમ બનવાની તક હતી.
આ મૅચ જીતીને ભારતે તેના રેન્કિંગ પોઈન્ટ્સ વધારીને 116 કર્યા અને પાકિસ્તાન (115)ને પાછળ છોડીને નંબર 1 ટીમ બની ગઈ. ઑસ્ટ્રેલિયા 111 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. હવે ઑસ્ટ્રેલિયા વર્લ્ડકપ પહેલાં આઇસીસી રેન્કિંગમાં નંબર-1 ટીમ બની શકશે નહીં. તે આ શ્રેણીની આગામી બે મૅચ જીતી જાય તો પણ એ શક્ય બનશે નહીં.
બીજી તરફ જો ઑસ્ટ્રેલિયા આગામી બે મૅચ જીતી જશે તો પાકિસ્તાન અને ભારતના સમાન પૉઇન્ટ થશે તેથી પાકિસ્તાનની ટીમ ફરીથી આઇસીસી વન-ડે રેન્કિંગમાં નંબર-1 નો તાજ મેળવી લેશે.
જો ભારત આ શ્રેણી 2-1થી જીતશે તો તેને રેન્કિંગમાં 116 પૉઇન્ટ્સ થશે અને જો તે 3-0થી જીતશે તો તેના 118 પૉઇન્ટ્સ થશે. ત્રણ વન-ડેની સિરીઝની હવે પછીની મૅચ રાજકોટમાં રમાશે.