You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ક્યારથી ફરી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, કયા જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસો સુધી હજી પણ છુટોછવાયો, હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત કોઈ એકાદ સ્થળોએ મધ્ય કરતાં વધારે અને ભારે વરસાદ થઈ શકે છે.
હાલ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્ણાટક અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
હાલ ચોમાસાના બે મહિના પૂરા થઈ ગયા છે, એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. જોકે, આ વર્ષે કેટલાક વિસ્તારોમાં ચોમાસું શરૂ થયા બાદ પણ ઘણા દિવસો સુધી સારો વરસાદ જોવા મળ્યો ન હતો.
ગુજરાતમાં 1 જૂનથી 1 ઑગસ્ટ સુધી સરેરાશ કરતાં 20 ટકા વધારે વરસાદ થયો છે, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં 48 ટકા વધારે અને ગુજરાત રીજનમાં હાલની સરેરાશ જેટલો જ વરસાદ થયો છે.
ગુજરાતમાં ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, પરંતુ બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.
હાલ મૉન્સુન ટ્રફ રાજસ્થાન પરથી ખસીને ઉત્તર ભારત પર જતી રહી છે અને તેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે. ઉત્તર ભારતમાં વરસાદનું જોર વધ્યું છે.
હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે ગુજરાતમાં 3 ઑગસ્ટથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે અને લગભગ આ ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્ય પ્રદેશ પરથી એક સિસ્ટમ આગળ વધીને ગુજરાત પાસેથી પસાર થવાની શક્યતા છે અને તેના કારણે રાજ્યમાં 3થી 5 ઑગસ્ટ સુધી ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.
આ સિસ્ટમને કારણે રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે, કેમ કે હાલની સ્થિતિ પ્રમાણે જો કોઈ ફેરફાર ના થાય તો આ સિસ્ટમ રાજસ્થાન પર જશે અને તેની અસર બંને રાજ્યોને થવાની શક્યતા છે.
ગુજરાતમાં જુલાઈ મહિનામાં દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી. તેમ છતાં પણ રાજ્યના 15થી વધુ જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.
નવા રાઉન્ડમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે?
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 2થી 5 ઑગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા દેખાઈ રહી છે.
જ્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે તથા કોઈ વિસ્તારમાં અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ 3 ઑગસ્ટથી જ વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને તેમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 3 ઑગસ્ટથી વરસાદનું જોર વધવાની શરૂઆત થશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જે બાદ વરસાદનું જોર ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ વધવાની શરૂઆત થઈ જશે.
3 અને 4 તારીખના રોજ હવામાન વિભાગ પ્રમાણે વરસાદનું વધારે જોર દક્ષિણ, પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. જે બાદ 5 ઑગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર આ તારીખોમાં વધારે રહેશે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નથી પરંતુ મધ્યમ પ્રકારનો સારો વરસાદ થઈ શકે છે.
કચ્છના કેટલા વિસ્તારોમાં આ ત્રણ દિવસો દરમિયાન વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં આ વર્ષે સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય અને નુકસાન થાય એટલો વરસાદ પડ્યો છે.
1 જૂનથી 1 ઑગસ્ટ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં તેની સરેરાશ કરતાં 216 ટકા વધારે વરસાદ થયો છે, જ્યારે સુરેન્દ્રનગરમાં તેની સરેરાશ કરતાં 36 ટકા સૌથી ઓછો વરસાદ થયો છે.
છેલ્લા કેટલાક દિવસો પહેલાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં ખૂબ ઓછો વરસાદ થયો હતો પરંતુ તે બાદ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં વરસાદની ઘટ પૂરાઈ છે.