You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરામાં જાહેરમાં ચાર મહિલાઓનો નગ્ન થવાનો સમગ્ર મામલો શું છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
"10થી 15 લોકોનું ટોળું છે અને એક આધેડ ઉંમરની વ્યક્તિ જેમણે અડધી બાયનું સફેદ શર્ટ અને મિલટરી કલરનું પેન્ટ પહેર્યું છે. તેમણે એક મહિલાને તેમનાં શર્ટના કોલરથી પકડી રાખી છે. મહિલાએ શરીરના ઉપરના ભાગમાં શર્ટ પહેરેલું છે. જ્યારે અન્ય એક મહિલા તેમનાં પાછળના ભાગમાં આંતરવસ્ત્રો પહેરેલાં નજરે પડે છે. અમુક સેકન્ડમાં આ આધેડ દ્વારા કોલરથી પકડેલી મહિલાને જોરદાર થપ્પડ મારે છે. આ બે મહિલાની ચોતરફ લોકો આવી રહ્યાં છે અને ટોળે વળી રહ્યાં છે."
આ ઉપરોક્ત વર્ણન આ દૃશ્યો ધરાવતી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયાનાં પ્લૅટફૉર્મ ઉપર વાઇરલ થઈ રહી છે. આ વાઇરલ થયેલી વીડિયો ક્લિપની ઘટના તા. 28 જાન્યુઆરી, 2024ને રવિવારના દિવસે ગુજરાતની સંસ્કારીનગરી ગણાતા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની છે.
ઘટનાની જાણ થતાં પોલીસે ચારેય મહિલાઓની રેસ્ક્યૂ કર્યું હતું. હાલ તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર મામલો શું છે?
રવિવારે 28 જાન્યુઆરીની બપોરે 12.30ની આસપાસ વડોદરા વિસ્તારના કારેલીબાગ વિસ્તારના અંબાલાલ કૉમ્પ્લેક્સ રોડ ઉપર ચોરીના આરોપસર ચાર મહિલાઓની 10-15 લોકોનું ટોળું ખરાબ રીતે વર્તન કરી રહ્યું હતું.
ટોળામાં સામેલ લોકોનો આરોપ હતો કે ચારેય મહિલાઓ અંબાલાલ કૉમ્પ્લેક્સ રોડ સ્થિત ઇંગ્લૅન્ડ ડ્રાય કલીનિંગ નામની દુકાનમાં ઘૂસીને કથિત રીતે ચાર મહિલાઓએ ચોરી કરી હતી. જ્યારે તેઓ ચોરી કરીને ભાગી રહ્યાં હતા ત્યારે લોકોએ તેમને પકડી પાડ્યાં હતાં.
પકડાઈ જતાં મહિલાઓએ ટોળાથી બચવા માટે જાતે જ પોતાનાં કપડાં કાઢી નાંખ્યાં હોવાનો દાવો થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો જેની ક્લિપ બાદમાં વાઇરલ થઈ ગઈ.
જે વીડિયો વાઇરલ થયો તેમાં ટોળામાંથી આધેડ ઉંમરની વ્યક્તિ એક મહિલાને થપ્પડ મારતા જોઈ શકાય છે. અન્ય લોકોએ પણ હાથચાલાકી કર્યાના આરોપ લાગી રહ્યાં છે.
આ સમગ્ર ઘટનામાં વડોદરા પોલીસે મહિલાઓ સામે ચોરીની પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, બીજી તરફ મહિલાઓ સાથે અસભ્ય વર્તન અને તેમની ઉપર હાથ ઉપાડવાના મામલે પણ ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડોદરા પોલીસ અનુસાર બપોરે 12.30 વાગે ચાર મહિલાઓ દુકાનની અંદર જાય છે. દુકાનના માલિક ઘરે ટિફિન લેવા ગયા હતા. કારીગર ઇકબાલ રફિક ધોબી દુકાનમાં ઇસ્ત્રી કરી રહ્યા હતા. બે મહિલાઓ કારીગર પાસે જઈને ઊભી રહી ગઈ હતી અને બીજી બે મહિલાઓ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ હતી.
કારીગર રફીકને ગલ્લો ન દેખાય તે રીતે આડસ કરી ને બે મહિલાઓ ઊભી રહી ગઈ હતી. કારીગર રફીકે મહિલાઓને ત્યાંથી નીકળી જવા માટે કહ્યું હતું. મહિલાઓના નીકળ્યા બાદ રફીક જુએ છે, તો તેના ગલ્લામાંથી 25 હજાર રૂપિયા ગાયબ હોય છે. જેથી તે મહિલાઓની પાછળ પાછળ દોડે છે અને બૂમો પાડે છે કે તેમજ રોડ ઉપર પણ બધાંને કહે છે કે, આ મહિલાઓ પાસેથી મારા પૈસા પાછા અપાવો. આ મહિલાઓએ ચોરી કરી છે.
રોડ ઉપર પણ લોકો ટોળે વળી મહિલાઓની પાછળ દોડે છે. તે દરમિયાન ફરિયાદી રફીકના કહેવા અનુસાર, તે મહિલાઓ જાતે જ નિર્વસ્ત્ર થઈ જાય છે. કોઈ તેમને પકડી ન શકે તે માટે તે મહિલાઓ આ કૃત્ય કરે છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસને બપોરે 12.50 વાગે કોલ મળે છે. પોલીસની પીસીઆર વાને તાત્કાલિક મહિલાઓને રેસ્ક્યૂ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. મહિલાઓએ રોડ ઉપર પૈસા ફેંકી દીધા હતા. જેમાંથી 9,300 રૂપિયા પરત મળ્યા છે. બાકીના રોડ પર ફેંકેલા પૈસા ભેગા કર્યા છે.
પોલીસનું શું કહેવું છે?
આ સમગ્ર ઘટનામાં પોલીસે બંને તરફનાં નિવેદનો લઈ રહી છે.
વડોદરા શહેરનાં ડીસીપી પન્ના મોમાયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, ‘‘વડોદરા શહેરમાં જાહેરમાં મહિલાઓએ કપડાં ઉતાર્યાં હોવાની ઘટના મહિલાઓ અને સમાજ માટે પણ ખૂબ જ ડિસ્ટર્બ કરનારી ઘટના છે. આ મહિલાઓ કાંતો માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે અથવા તો પબ્લિકના મારથી બચવા માટેની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હોઈ શકે છે.’’
‘‘આ બંને બાબતમાં મહિલાઓનું કાઉન્સેલિંગ કરાવવું ખૂબ જરૂરી છે. હાલ અમે મહિલાઓનું કાઉન્સેલિંગ કરાવી રહ્યા છીએ. મહિલાઓએ ચાર કલાક કરતાં વધારે સમય તો અમને અલગ-અલગ ઓળખ આપી ગોળગોળ ફેરવી રહી હતી. દરેક સમયે અલગ-અલગ નામ આપતી હતી. કાઉન્સેલિંગ કરાવ્યા બાદ મહિલાઓએ પોતાની ઓળખ આપી હતી જોકે, હજુ સુધી મહિલાઓએ તેમના પરિવારના લોકોનો સંપર્ક અમને આપેલો નથી."
પોલીસ અનુસાર આ ચારેય મહિલાઓ એક દિવસ પહેલાં દાદરથી વડોદરા સ્ટેશન ઉપર ઊતરી હતી. ત્યાર બાદ આખી રાત સ્ટેશન પર જ ઊંઘી હતી. ઘટના બની તે દિવસે સવારે 4 વાગે મહિલાએ એક ફર્નિચરની દુકાનમાં પણ ચોરી કરવાની કોશિશ કરી હતી. જે સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યાં છે.
ડીસીપી પન્ના મોમાયા કહે છે કે, ‘‘મહિલાઓએ પૂછપરછમાં જણાવ્યું છે કે, ત્રણ સગી બહેનો છે. જ્યારે એક તેમની માસીની દીકરી છે. હાલ ચારેય મહિલાઓને વન સ્ટેપ સખી મંડળમાં રાખવામાં આવી રહી છે, તેમજ તેઓનું કાઉન્સેલિંગ પણ કરાવવામાં આવી રહ્યું છે. આ ચારેય મહિલાઓ સામે લોન્ડ્રીના દુકાનદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જોકે, હાલ મહિલાઓનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. જેથી તેમની અટકાયત કરવામાં આવી નથી.’’
તેઓએ વધુમાં જણાવ્યું, "આ ઉપરાંત મહિલાઓને જાહેરમાં બોલચાલ કરવા તેમજ થપ્પડ મારવા અંગે અમે મહિલાઓની ફરિયાદ લીધી છે. જેમાં લોન્ડ્રીના દુકાનદાર, કારીગર તેમજ ફૂટેજમાં દેખાનારી એક વ્યક્તિ જે મહિલાઓને થપ્પડ મારે છે. આ ત્રણ લોકો વિરૂદ્ધ આઈપીસીની કલમ 294(ખ), 114, 354, 323 મુજબ ફરિયાદ નોંધી છે. આ કેસમાં દુકાનદાર તેમજ તેના કારીગરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે થપ્પડ મરનાર વ્યક્તિને પોલીસ શોધી રહી છે. દુકાનદાર અને તેના કારીગર જામીન મળી ગયા છે."