ગુજરાત : '10 મિનિટમાં તો ખભા સુધી પાણી આવી ગયું', જૂનાગઢમાં અનરાધાર વરસાદ બાદ અચાનક પાણી આવ્યું ત્યારે શું થયું હતું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

"દસ મિનિટમાં ખભા સુધી પાણી આવી ગયું, અમે વસ્તુઓ બચાવીએ કે જીવ બચાવીએ?"

"સૂઈ શકીએ એવી કોઈ સ્થિતિ જ ન હતી. આખી રાત ખુરશી પર બેઠા બેઠા વિતાવી. મારી બીપીની દવાની થેલી પણ તણાઈ ગઈ."

આ શબ્દો છે જૂનાગઢના ગોકુળનગરમાં રહેતા 82 વર્ષના અમરીશ ભાઈના. શનિવારે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ભારે વરસાદ ખાબક્યો હતો. પરંતુ જૂનાગઢમાં થોડા જ કલાકોમાં અનરાધાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઈ હતી. શહેરમાં જ્યારે પાણી આવ્યું તો કોઈ સમજી ન શક્યું કે અચાનક આટલું પાણી ક્યાંથી આવ્યું.

રવિવારે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય જૂનાગઢના ગોકુલનગરમાં પહોંચ્યા.

સ્થાનિકોએ તેમને જણાવ્યું કે "અચાનક વરસાદ તૂટી પડ્યો અને ગણતરીના કલાકોમાં રસ્તાઓ જાણે નદી બની ગયા."

એક સ્થાનિક મહિલાઓ તેમના ઘરની સ્થિતિ બતાવી હતી. ગઈ કાલે ભારે વરસાદ આવ્યા બાદ કમર સુધી પાણી ભરાઈ ગયાં હતાં. જોકે હવે પાણી ઓસરી રહ્યાં છે.

પણ પાણીને લીધે ઘરવખરી બગડી ગઈ છે, કેટલીક તણાઈ ગઈ છે.

તેમના ઘરમાં કાદવ જ કાદવ હતો. ઘરનો સામાન પાણીથી બચાવવા ખુરશી કે ટેબલ પર મૂકવાની ફરજ પડી હતી. ઘરની સ્થિતિ ગોડાઉન જેવી થઈ ગઈ હતી.

શહેરના ગોકુળનગરના વૉર્ડ નંબર 11નાં રહેવાસી હિના જાનીએ બીબીસીને જણાવ્યું, "શનિવારે બપોરે બે અઢી વાગ્યે અચાનક જોરથી પાણી આવી ગયું. અમે સમજી જ ન શક્યાં કે શું કરીએ.

દસ મિનિટમાં તો ખભા સુધી પાણી ભરાઈ ગયાં. અમને વિચાર આવ્યો કે અમે શું કરીએ, જીવ બચાવીએ કે વસ્તુ બચાવીએ. અમારું અનાજ, કરિયાણું ગેસના બાટલા બધું જ તણાઈ ગયું.

આટલું જ બોલતાં હિનાબહેન રડવાં જેવાં થઈ ગયાં.

'આખી રાત જાગીને કાઢી'

જૂનાગઢમાં જાણે આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. શહેરના અનેક વિસ્તારો, સોસાયટી, રસ્તાઓ બધે પાણી જ પાણી પહોંચી ગયું હતું. લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

હિનાબેને ઊમેર્યું "વૉશિંગ મશીન, ફ્રીઝ બધું જ ઊંધું પડી ગયું અને ઘરમાં તરતું હતું. આટલી ખરાબ સ્થિતિ છતાં કોઈ પ્રશાસન જોવા નથી આવ્યું."

"અમારી શેરીમાં તો નાનાં નાનાં બાળકો પણ ઘણાં છે. તેમના ખાવા માટે પણ કંઈ નહોતું. અમે આખી રાત જાગીને કાઢી છે. બધા જમવાનું લાવ્યા, પણ અમે બેસીને ખાઈ શકીએ એવી પરિસ્થિતિ ન હતી."

આ જ ગોકુળનગરમાં 82 વર્ષીય અમરીશ જાની રહે છે. તેમણે ખુરશી પર બેઠા બેઠા આખી રાત પસાર કરવી પડી.

તેમણે બીબીસીને ધ્રૂજતા અવાજમાં જણાવ્યું, "સૂઈ શકાય એવી કોઈ સ્થિતિ જ નહોતી. નીચે પલળી જાય એવો સામાન ઉપર ચઢાવ્યો હતો. અમે ઉપર ગયા પણ સામાનના કારણે ઉપર બેસાય તેવી પણ સ્થિતિ નહોતી."

"મારી એક મહિનાની બીપીને લગતી દવા હતી તે પાણીમાં તણાઈ ગઈ. ગઈકાલે રાત્રે ઇમરજન્સીમાં પાંચ દિવસની દવા મગાવી."

જૂનાગઢના ગોકુળનગરમાં ઘરમાં કાદવ અને ઘરકરી બહાર, એવાં દૃશ્યો જોવાં મળતાં હતાં. લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. ઘરેઘરે લોકોએ દીવાલો પર પોતાનાં ગોદલાં સૂકવ્યાં હતાં.

બીનાબહેન કહે છે, "અમે જીવનમાં આવો દિવસ જોયો નથી. મારાં સાસુસસરા ચાલી શકે તેમ નહોતાં, તેમને મેં બાથમાં પકડી રાખ્યાં હતાં. મારો છોકરો પાણીમાં ફસાઈ ગયો હતો."

"મારી પુત્રવધૂ તેનાં બે બાળકને લઈને ઉપરના રૂમમાં જતી રહી. બીજી બધી જ વસ્તુ મેં જવા દીધી, મારાં સાસુસસરાને બચાવ્યાં છે."

"ઘરમાં જે પણ વસ્તુ હતી તે બધી જ જતી રહી. એક પણ કપડું નથી બચ્યું કે અમે આજે કપડાં બદલી શકીએ. બીજી વસ્તુ તો ઠીક રસોડામાં ગૅસ પણ ચાલુ નથી થતો."

રમકડાંની જેમ કાર તણાઈ

જૂનાગઢ ગિરનાર પર્વતની ગોદમાં વસેલું છે. ગઈ કાલે શહેર કરતાં પણ વધારે વરસાદ પર્વતીય વિસ્તારોમાં પડ્યો હતો અને તે વરસાદનું પાણી ધસમસતું શહેરમાં ઘૂસી ગયું. પાણી આવવાને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

ભવનાથ મંદિર જૂનાગઢમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.

શહેરના ભવનાથ મહાદેવના મંદિર પાસે પ્રવાસીઓની કાર પાર્ક કરાયેલી હોય છે. પાણીનો ભરાવો થવાના કારણે આ ગાડીઓ રમકડાંની જેમ પાણીમાં તણાઈ ગઈ હતી.

સોશિયલ મીડિયામાં પાણીના ધસમસતા પ્રવાહમાં પશુઓ તણાઈ જવાના વીડિયો પણ શૅર થઈ રહ્યા હતા.

જૂનાગઢમાં સ્થાનિક પત્રકાર અને બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર હનીફ ખોખર અનુસાર શનિવારે ભવનાથ મંદિર પાસે અનરાધાર વરસાદ વરસવાનો શરૂ થયો અને પાણી ભરાવાનું શરૂ થયું ત્યારે એ વિસ્તારમાં લોકો ફસાયા હતા, જેમને બચાવી લેવાયા હતા.

શહેરના ભવનાથથી મજેવડી દરવાજા તરફ જતા રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.

પાણીમાં ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. શહેરના મોતીબાગ પાસે પણ પાણી ભરાયાં હતાં.

જૂનાગઢના દામોદર કુંડ ઉપરથી પાણી વહ્યાં હતાં. જૂનાગઢની કાળવા નદી, સોનારખ નદીમાં ‘પૂર જેવી સ્થિતિ’ સર્જાઈ હતી.

જૂનાગઢમાં આવી તારાજી કેમ સર્જાઈ

જૂનાગઢમાં શનિવારે ગિરનાર પર અચાનક ભારે વરસાદ થતાં કાળવા નદીનાં બંને કાઠે આવેલી સોસાયટીઓમાં પાણીના પ્રચંડ પ્રવાહને કારણે તારાજી સર્જાઈ હતી. પાણી શહેરમાં ઘૂસી ગયાં હતાં અને ભારે નુકસાન થયું હતું.

રાજ્યના મંત્રી રાઘવજી પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, "શનિવારે બપોરે એક વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેરમાં સાડા નવ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર્વત ઉપર તો શહેર કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો."

"શહેરની આસપાસના છ જેટલા તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સતત ચોથા કે પાંચમા દિવસે અતિ ભારે વરસાદના કારણે જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં."

ભારે વરસાદ બાદ તંત્રની કામગીરી

શનિવારે પૂર જેવી પરિસ્થિતિ બાદ હવે શહેરાવાસીઓ સહિત પ્રશાસન સામે સાફસફાઈ એક મોટો પડકાર છે.

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર હનીફ ખોખર અનુસાર સ્થાનિકતંત્રે માહિતી આપી છે કે શહેરમાં શનિવારની તારાજી બાદ સાફસફાઈ માટે રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાંથી ટીમો જૂનાગઢ પહોંચી ગઈ છે.

શનિવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના પ્રવાસે હતા. ભારે વરસાદના સમાચાર મળતા જ તેમણે પોતાનો પ્રવાસ પણ ટૂંકાવ્યો હતો.

રાજ્યના મંત્રી રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "રાજકોટની કલેક્ટર કચેરીએ જૂનાગઢના કલેક્ટર અને જવાબદાર અધિકારીઓ પાસેથી સ્થિતિની માહિતી મેળવી ચર્ચા કરી. વલાડનો રસ્તો બંધ હતો અને વિઝિબલિટીના કારણે હેલિકૉપ્ટર પણ જઈ શકે તેમ ન હોવાના કારણે મુખ્ય મંત્રી ગાંધીનગર રવાના થયા હતા."

રાઘવજી પટેલે કહ્યું કે સરકારી તંત્ર કામે લાગ્યું છે. અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર 250થી વધુ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. NDRFની બે ટીમો તહેનાત હતી અને ત્રીજી ટીમ પણ ફાળવાઈ છે.

તો ભારે વરસાદના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પ્રશાસને 24 તારીખ રાત્રે બાર વાગ્યા સુધી શહેર અને જિલ્લામાં કલમ 144 લગાવી દીધી છે. જૂનાગઢનાં પ્રવાસન સ્થળોએ પણ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે, કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આ જાણકારી આપી હતી. 

વરસાદના કારણે જળાશયો છલકાયાં

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અલગઅલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી ગુજરાતમાં આવેલા અનેક ડૅમમાં નવાં નીરની આવક થઈ છે.

તો કેટલાક ડૅમો ઓવરફ્લો પણ થયા છે.

ઉકાઈ ડૅમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના પ્રકાશા અને હથનુર ડૅમમાં પાણીની આવક થઈ છે.

રાજકોટની ‘જીવાદોરી સમાન’ આજી ડૅમ છલકાઈ ગયો છે. આજી ડૅમમાં વર્ષ દરમિયાન સમગ્ર રાજકોટને પાણી પૂરું પાડવામાં આવે છે. આથી શહેરીજનોને રાહત થઈ છે.

આ સિવાય અન્ય ડેમોની વાત કરીએ તો જસદણ પાસે આવેલો કર્ણકી ડેમ સો ટકા ભરાઈ ગયો છે. સુરેન્દ્રનગર પાસે આવેલો ધોળીધજા ડેમ 90 ટકા ભરાઈ ગયો છે.

ગુજરાતમાં ક્યારે ઓછો થશે વરસાદ?

હવામાન વિભાગે તારીખ 23 અને 24 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, નવસારી, ડાંગ અને તાપીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

તો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદને લઈને રૅડ ઍલર્ટ આપ્યું છે.

વલસાડ, નવસારી, સુરતમાં પણ હવામાન વિભાગે રેડ ઍલર્ટ આપ્યું છે.

મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. અગાઉ જે લો પ્રેશર એરિયા સર્જાયો હતો તે આગળ વધીને ગુજરાત પર આવ્યો છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં અત્યંત ભારે નહીં પણ પ્રમાણમાં સારો વરસાદ વરસી શકે છે. હાલ સર્જાયેલી સિસ્ટમ અનુસાર 25 તારીખ બાદ વરસાદ ઘટી શકે છે.