You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળમાં ભારતીય મુસાફરોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 27નાં મોત, 16 ઈજાગ્રસ્ત
નેપાળમાં 40 ભારતીયોથી ભરાયેલી બસ એક નદીમાં ખાબકી છે. નેપાળના તનાહુન જિલ્લાના મુખ્ય અધિકારી જનાર્દન ગૌતમે જણાવ્યું કે આ દુર્ઘટનામાં 27 લોકોનાં મૃત્યુ થયાં છે. તેમણે કહ્યું કે 16 લોકોની સારવાર ચાલી રહી છે.
તેમના અનુસાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 12 લોકોને હેલિકૉપ્ટરથી કાઠમંડુ મોકલવામાં આવ્યા છે. તેમને ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બસમાં કંડક્ટર અને ડ્રાઇવર સહિત 43 લોકો સવાર હતા. મોટા ભાગના યાત્રીઓ મહારાષ્ટ્રના જલગાંવના હતા.
બીબીસી નેપાળી સેવાના પ્રદીપ બસ્યાલને જનાર્દન ગૌતમે જણાવ્યું હતું કે બસ અકસ્માતમાં કેટલાક લોકો લાપતા છે અને તેમને શોધવામાં આવી રહ્યા છે.
આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. હિમાલયની તળેતીમાં આવેલું પોખરા એક લોકપ્રિય પર્યટનસ્થળ છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે બસની નંબર પ્લેટ ભારતની છે. પોલીસ પ્રવક્તા શૈલેન્દ્ર થાપાએ કહ્યું છે કે વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે, નદીમાંથી અત્યાર સુધી 16 લોકોને કાઢવામાં આવ્યા છે.
પોલીસે પુષ્ટિ કરી છે કે બસમાં સવાર લોકો ભારતના મહારાષ્ટ્રના હતા. મહારાષ્ટ્રના યાત્રીઓએ ઉત્તર પ્રદેશથી બસ લઈને નેપાળમાં પ્રવેશ કર્યો હતો.
આ દુર્ઘટના રાજધાની કાઠમંડુથી 118 કિલોમીટર દૂર નેપાળના તનાહુન જિલ્લામાં બની છે. બસ રસ્તાથી લગભગ 300 મીટર નીચ પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહારાષ્ટ્રના મંત્રી અનિલ પાટિલે કહ્યું કે, "જલગાંવના જિલ્લા કલેક્ટર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, લગભગ 41 પર્યટકો ફરવા માટે નેપાળ ગયા હતા. જણાવવામાં આવ્યું છે કે તેમની બસ નદીમાં પડી ગઈ હતી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "પ્રારંભિક માહિતી અનુસાર દુર્ઘટનામાં લગભગ 15થી 16 લોકોનાં મોત થયાં છે."
કેટલાક લોકોને બચાવાયા, બચાવકાર્યમાં મુશ્કેલી
તનાહુનના મુખ્ય જિલ્લા અધિકારી જનાર્દન ગૌતમે બીબીસી નેપાળીને જણાવ્યું કે આંબુખૈરેની પાસે માર્સ્યાંગડી નદીમાં ભારતીય નંબર પ્લેટવાળી બસમાં સવાર ઓછામાં ઓછા 10 લોકો લાપતા છે અને તેમને શોધવાનું કામ ચાલુ છે.
અગાઉ ઘટનાસ્થળથી ફોન પર બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "29 લોકોને બચાવાયા છે અને તેમાંથી 15 બોલવામાં સક્ષમ છે."
અનુમાન છે કે બસમાં ડ્રાઇવર સહિત 39થી 43 લોકો સવાર હતા. તેમણે કહ્યું કે, જે લોકો બેહોશ છે તેમને હૉસ્પિટલ લઈ જવાયા છે."
સ્થાનિક પોલીસની ટીમ લોઢાની સીડીનો સહારો લઈને દુર્ધટનાસ્થળ પર પહોંચી અને લોકોને રસ્તા સુધી લઈને આવી.
દુર્ઘટનાસ્થળથી કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં બસને નદીમાં ખાબકેલી બતાવવામાં આવી છે. વીડિયોમાં રાહત અને બચાવકર્મીઓને લોકોની સાર-સંભાળ લેતા જોઈ શકાય છે.
ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે આ બસ દુર્ઘટના પછી ઇમર્જન્સી રિલીઝ હૅલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, "પોખરાથી કાઠમંડુ તરફ જઈ રહેલા ભારતીય પર્યટન બસ આજે માર્સ્યાંગડી નદીમાં 150 મીટિર નીચે જઈને પડી ગઈ છે. આમાં લગભગ 43 લોકો સવાર હતા. ભારતીય દૂતાવાસ સ્થાનિક તંત્ર સાથે મળીને રાહત અને બચાવકાર્યનું નિરીક્ષણ કરી રહ્યું છે. દૂતાવાસનો ઇમર્જન્સી રિલીફ નંબર છે: +977-9851107021."
તનાહુન જિલ્લાના પોલીસ પ્રવક્તા દીપકકુમાર રાયે સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું, "અત્યાર સુધી 31 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાં 14 હજુ બેહોશ છે. કેટલાક લોકોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પરંતુ મૃતકોની સંખ્યા વિશે કંઈ નથી કહી શકાતું."
નેપાળી સેનાના પ્રવક્તા ગૌરવકુમાર કેસીએ કહ્યું કે સેનાનું એક હેલિકૉપ્ટર રાહત અને બચાવ કાર્યમાં સામેલ કરવામાં આવ્યું છે.
દુર્ઘટનાસ્થળ પર લેવામાં આવેલા એક વીડિયો અને તસવીરોમાં માર્સ્યાંગડી નદીના કાંઠે બસનો કાટમાળ જોઈ શકાય છે.
આંબુખૈરેનીમાં સ્થાનિક પોલીસ કાર્યાલયના પ્રમુખ શિવ થાપાએ બીબીસી નેપાળીને જણાવ્યું, "બસ એક એવી જગ્યાએ પડી છે જે મુશ્કેલ છે, એટલે બચાવકાર્યમાં મુશ્કેલી આવી રહી છે."
નેપાળી ગૃહમંત્રાલયના આપદા પ્રબંધનના પ્રમુખ ભીષ્મકુમાર ભૂસાલ અનુસાર બચાવકાર્યમાં એક હેલિકૉપ્ટર પણ દુર્ઘટનાસ્થળ પર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન