ગુજરાતમાં આજથી છ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં પડશે વધુ વરસાદ?

પ્રકાશિત

ગુજરાતમાં આજથી છ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે અને તેની વચ્ચે ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા પહેલાં બહુ વધારે વરસાદી ગતિવિધિ જોવા મળતી નથી.

જોકે, આ વખતે બેથી ત્રણ સિસ્ટમ એક સાથે બનતાં ગુજરાતમાં તેની અસર થશે અને તેના કારણે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત સુધી વરસાદી માહોલ જોવા મળશે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગાજવીજ સાથે વરસાદ પડશે, ઉપરાંત વરસાદ પહેલાં કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન પણ જોવા મળી શકે છે.

આજથી જ રાજ્યમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે, હાલ થનારા વરસાદને ચોમાસા પહેલાંનો વરસાદ ગણવામાં આવે છે. જૂન મહિનાની પ્રથમ તારીખ બાદ થતાં વરસાદને ચોમાસાનો વરસાદ ગણવામાં આવે છે.

ગુજરાતમાં કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?

ગુજરાતમાં આજથી પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ શરૂ થશે. જે બાદ વરસાદ વધારે વિસ્તારોને આવરી લેશે અને તેની અસર સૌરાષ્ટ્ર સુધી થવાની શક્યતા છે.

11 અને 12 મેના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી તથા વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગ મુજબ 13 મેના રોજ ઉપરોક્ત જિલ્લાઓની સાથે સુરત, ભરૂચ, વડોદરા તથા સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પણ હવામાન પલટાશે અને વરસાદ પડશે.

14 અને 15મેના રોજ રાજ્યમાં સૌથી વધારે વરસાદી ગતિવિધિઓ જોવા મળશે અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે તથા વરસાદ પડશે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં આ બે દિવસમાં વરસાદી ગતિવિધિઓ પહોંચશે.

જે બાદ 16મેથી રાજ્યમાં વરસાદ ઘટશે અને માત્ર કેટલાક વિસ્તારો પૂરતું હવામાન બદલાયેલું રહેશે, બાકીના વિસ્તારોમાં ફરીથી આકાશ સ્વચ્છ જોવા મળશે.

વરસાદ સાથે પવન અને ગાજવીજ હશે?

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

સ્કાયમેટ અનુસાર દરરોજ બપોર બાદ વરસાદ પડશે, એટલે કે અડધો દિવસ તડકો પડશે અને રાજ્યના કેટલાક વિસ્તારોને ગરમીમાંથી બહુ રાહત મળવાની સંભાવના ખૂબ ઓછી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે વરસાદની સાથેસાથે ગાજવીજ પણ જોવા મળશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે જે આગાહી કરી છે તે પ્રમાણે તેમણે જે જિલ્લામાં વરસાદની શક્યતા છે ત્યાં હળવી ગર્જનાની સંભાવના દર્શાવી છે.

સામાન્ય રીતે ચોમાસા પહેલાં અને ચોમાસાની શરૂઆતમાં જે વરસાદ આવે તેમાં ગાજવીજ જોવા મળે છે અને કેટલીક જગ્યાએ વીજળી પણ પડતી હોય છે.

ગુજરાતમાં હાલ વરસાદ કેમ પડશે?

દક્ષિણ ભારતમાં હાલ ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિ જોર પકડી રહી છે અને તેની અસર મહારાષ્ટ્ર સુધી જોવા મળશે તથા કોંકણ વિસ્તારોમાં તેની વધારે અસર થશે.

આ ઉપરાંત ઉત્તર ભારત પર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચાલી રહી છે અને આ સિસ્ટમને કારણે સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેની અસર ગુજરાત સુધી થવાની શક્યતા છે.

કર્ણાટકથી કોંકણ સુધી એક ટ્રફ રેખા બનશે અને આ બંને તરફથી થઈ રહેલી ઍક્ટિવિટી વચ્ચે ચોમાસું ગુજરાત આવી રહ્યું છે. જેથી 11થી 16 મે સુધી રાજ્યમાં વરસાદ પડશે.

13મેની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થઈ જશે પરંતુ મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ સહિતમાં ચાલી રહેલી પ્રિ-મૉન્સુન એક્ટિવિટીની અસર ચાલુ રહેશે અને તે ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે રાજ્યમાં પાંચથી છ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.