You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના 10 જિલ્લામાં પડશે વરસાદ, ક્યારે અને ક્યાં ફૂંકાશે તોફાની પવન?
ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ ઉનાળાની ભારે ગરમી પડી રહી છે પરંતુ આવનારા દિવસોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે.
અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભુજ, ડીસા, વડોદરા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં લૂની ચેતવણી આપી છે.
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત તરફ આવી રહ્યું છે અને સાથે જ બીજી કેટલીકે સિસ્ટમો બનેલી છે, આ તમામની અસર ગુજરાત સહિત દેશનાં મોટાં ભાગનાં રાજ્યોને થવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ પડશે?
ભારતમાં હવે ચોમાસું શરૂ થવાને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે, જોકે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને એક મહિના કરતાં વધારે સમય છે.
10 મે સુધી ગુજરાતમાં હવામાન સૂકું રહે તેવી સંભાવના છે અને ત્યાર બાદ રાજ્યના હવામાનમાં ફેરફાર થવાની શરૂઆત થશે. 11 મેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની શરૂઆત થશે.
જે બાદ 14 થી 15 મે સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આ દિવસોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાતની આસપાસ બનેલી સિસ્ટમો અને આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, વરસાદ ના પડે ત્યાં સુધી ગુજરાતને ઉનાળાની ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના ખૂબ ઓછી છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ક્યાં પડશે વરસાદ?
સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાશે. જે બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.
10 મેથી જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાવાની શરૂઆત થશે, જ્યારે 11 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં છૂટાછવાયો અને હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે.
12 તથા 13 મેના રોજ પૂર્વ તથા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આ દિવસે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 મેના દિવસે વધારે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે અને ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી તથા ભાવનગરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.
15 મે સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે, આ દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે.
મે મહિનામાં સામાન્ય રીતે ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ પડે છે પરંતુ ચોમાસા પહેલાંની ગતિવિધિઓની શરૂઆત થતી હોય છે. આ વખતે પણ હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે.
તોફાની વરસાદ, વીજળી પડવાથી લોકોનાં મોત
ગુજરાતમાં વરસાદ પડે તે પહેલાં જ ભારતનાં અન્ય રાજ્યમાં તોફાની વરસાદની ઘટનાઓ બની રહી છે. છેલ્લા કેટલાક દિવસથી પૂર્વોત્તરનાં રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, અરુણાચલ તથા ઓડિશામાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ વરસ્યો હતો.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્તારોમાં વીજળી પડવાને કારણે કેટલાક લોકોનાં મોત પણ થયાં છે. પવનને કારણે રેલવે તથા વાહનવ્યવહારને પણ અસર થઈ છે. પશ્ચિમ બંગાળમાં ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઇટો ડાઇવર્ટ કરવાની પણ ફરજ પડી છે.
આવનારા દિવસોમાં હજી પણ આ રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.