You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહ વિશે કૅનેડાના મંત્રીએ કરેલા દાવા પર અમેરિકાનું નિવેદન, અજિત ડોભાલ સાથે વાતચીત
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૅથ્યૂ મિલરે કહ્યું છે કે, “કૅનેડા સરકાર દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો ચિંતાજનક છે.”
મિલરે મંત્રાલયની દૈનિક પ્રેસ બ્રીફિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકા આ મુદ્દે કૅનેડાની સરકાર સાથે પરામર્શ કરવાનું ચાલુ રાખશે.
મંગળવારે કૅનેડામાં નાગરિક સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની સુનાવણી ચાલી રહી હતી. આ સુનાવણીમાં કૅનેડાના નાયબ વિદેશમંત્રી ડેવિડ મૉરિસને સ્વીકાર્યું હતું કે તેમણે અમેરિકન અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટ'ને ભારતના ગૃહ મંત્રી અમિત શાહનું નામ લીક કર્યું હતું.
ડેવિડ મૉરિસને દેશની નાગરિક સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને જણાવ્યું હતું કે ભારત સરકારના એક વરિષ્ઠ મંત્રીએ કૅનેડિયન નાગરિકોને ધમકી આપવા અથવા તો તેમને મારી નાખવાના અભિયાનને મંજૂરી આપી હતી.
જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે આ મુદ્દે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી. ભારતે સતત કૅનેડાના આરોપોને નકારી કાઢ્યા છે કે કૅનેડામાં કોઈપણ પ્રકારની ગુનાઇત ઘટનામાં તેની કોઈ ભૂમિકા છે.
ભારતનું કહેવું છે કે કૅનેડા આ મુદ્દે કોઈ પુરાવા આપ્યા વિના માત્ર આરોપો લગાવી રહ્યું છે. આ મુદ્દાને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઘણી તંગદિલી આવી છે, જે રાજદ્વારી સ્તરે પણ જોવા મળી રહી છે.
ભારત કૅનેડાના આરોપોને સતત નકારે છે
કૅનેડિયન સિવિલ ડિફેન્સ અને નેશનલ સિક્યુરિટી કમિટીના ઉપાધ્યક્ષે મંગળવારે કન્ઝર્વેટિવ સાંસદ રેક્વલ ડૅન્ચો, , નેશનલ સિક્યુરિટી ઍડવાઈઝર નથાલી ડ્રૂઇનને પૂછ્યું હતું કે કૅનેડામાં થઈ રહેલા ગુનાઓમાં ભારતના ગૃહ મંત્રીની સંડોવણી વિશે વૉશિંગ્ટન પોસ્ટને કોણે જાણ કરી હતી?
આ અંગે નથાલી ડ્રુઇને કહ્યું કે સરકારે આવી માહિતી પત્રકાર સાથે શૅર કરી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડાન્ચોએ પછી ડેવિડ મૉરિસનને પૂછ્યું, "મિસ્ટર મૉરિસન તમે ટિપ્પણી કરી શકો છો? શું તમે આ માહિતી આપી?"
જવાબમાં ડેવિડ મૉરિસને સમિતિને કહ્યું, "ચોક્કસ, પત્રકારે મને ફોન કર્યો અને આ વિશે પૂછ્યું. મેં તેમને તે વ્યક્તિ વિશે માહિતી આપી."
"તે એ જ પત્રકાર હતો જેણે આ વિશે ઘણું લખ્યું હતું. પત્રકારો ઘણા સ્રોતોમાંથી માહિતી લે છે. તેમણે મને તે વ્યક્તિ વિશે પુષ્ટિ કરવા કહ્યું અને મેં તેની પુષ્ટિ કરી."
જ્યારે નિજ્જરની હત્યાના સમાચાર પહેલીવાર વૉશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત થયા ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
વિદેશ મંત્રાલયે અખબારના અહેવાલ પર નિવેદન જારી કરીને કહ્યું હતું કે, "અહેવાલ ગંભીર બાબત પર અયોગ્ય અને પાયાવિહોણા આરોપો લગાવી રહ્યો છે."
કૅનેડા સરકારે કહ્યું હતું કે ભારતીય એજન્ટો તેમના દેશમાં થતા ગુનાઓમાં સામેલ છે.
ગયા વર્ષે જૂનમાં ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની કૅનેડાના વેનકુંવર નજીક બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કૅનેડાના વડા પ્રધાને આ હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.
અજિત ડોભાલ અને અમેરિકન NSA વચ્ચે વાત થઈ
આ દરમિયાન ગુરુવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને ફોન પર વાત કરી હતી.
અહેવાલો અનુસાર, સરહદ વિવાદ પર ચીન સાથે ભારતની ચાલી રહેલી વાતચીત પૂર્ણ થઈ ગઈ છે અને તેના એક દિવસ પછી જ ડોભાલ અને સુલિવાન વચ્ચે વાતચીત થઈ.
વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વૈશ્વિક સ્તરે સ્થિરતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત વિશે વાત કરી અને આ ક્ષેત્રમાં સુરક્ષા વિકાસ અંગે ચર્ચા કરી.
તેઓએ દ્વિપક્ષીય ભાગીદારીમાં થઈ રહેલી પ્રગતિનું સ્વાગત કર્યું, જેમાં ઇનિશિયેટિવ ઑન ક્રિટીકલ ઍન્ડ ઇમર્જિંગ ટૅક્નૉલૉજી (ICET) ઇન્ટરનેશનલ અને હિંદ મહાસાગર સંવાદનો સમાવેશ થાય છે.
તાજેતરમાં, પીએમ મોદીની મુલાકાત પહેલાં અમેરિકાના ટોચના અધિકારીઓએ ખાલિસ્તાન તરફી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. સપ્ટેમ્બરમાં પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પહેલાં અમેરિકાના આ વલણની ટીકા થઈ હતી.
ન્યૂઝ એજન્સી રૉયટર્સના રિપોર્ટ અનુસાર, 19 સપ્ટેમ્બરે અમેરિકાના ટોચના અધિકારીઓ વ્હાઇટ હાઉસમાં શીખ કાર્યકર્તાઓને મળ્યા હતા.
આ પછી એવું બન્યું હતું કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વડા પ્રધાન મોદીના યુએસ પ્રવાસમાં તેમની સાથે ગયા ન હતા. સામાન્ય રીતે તેઓ સાથે રહેતા હોય છે. ત્યારે પણ આ મુદ્દો ખૂબ ચર્ચામાં હતો.
વર્ષ 2023માં શીખ અલગતાવાદી નેતા ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારત સરકાર પર પણ સવાલો ઉઠ્યા હતા.
અમેરિકાએ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
પન્નુએ તેની હત્યાના કાવતરાને લઈને ન્યૂ યૉર્કની કોર્ટમાં અરજી દાખલ કરી છે. તાજેતરમાં જ ન્યૂ યૉર્કની એક કોર્ટે આ મામલે ભારતમાંથી ઘણા લોકોને સમન્સ પાઠવ્યા હતા.
આ સમન્સમાં અજીત ડોભાલ, નિખિલ ગુપ્તા અને પૂર્વ RAW ચીફ સામંત ગોયલ જેવા ટોચના અધિકારીઓના નામ છે. આ સમન્સનો જવાબ 21 દિવસમાં આપવાનો હતો.
ભારતના વિદેશ મંત્રાલયે આ સમન્સને બિનજરૂરી ગણાવ્યું હતું. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ મીડિયાને કહ્યું, "જ્યારે આ મામલો અમારા ધ્યાને આવ્યો ત્યારે અમે પગલાં લીધાં અને એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી."
અધિકારીઓએ અંગ્રેજી અખબાર ધી હિન્દુને એ દાવાને નકારી કાઢ્યો હતો કે આ કેસના કારણે ડોભાલ અમેરિકા ગયા ન હતા.
જોકે, વર્તમાન સમયમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા રહ્યા છે. જોકે, કેટલાક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે મતભેદ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.
ખાસ કરીને જો રશિયા-યુક્રેન યુદ્ધની વાત કરીએ તો અમેરિકા સહિત મોટા ભાગના મોટા પશ્ચિમી દેશો આ મામલે રશિયાની વિરુદ્ધ છે અને અમેરિકા ભારત પાસેથી એવી જ અપેક્ષા રાખી રહ્યું છે.
જ્યારે ભારત પોતે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પક્ષમાં રહ્યું છે. જોકે, આ સમયગાળા દરમિયાન તેનો રશિયા સાથેનો વેપાર પણ સતત ચાલુ રહ્યો છે. ખાસ કરીને ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઑઈલ ખરીદવાનું બંધ કરવા માટે ઘણું દબાણ કરવામાં આવ્યું છે.
દરમિયાન, અમેરિકાએ બુધવારે લગભગ એવી 400 સંસ્થાઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધો લાદ્યા છે જેણે રશિયાને સામાન સપ્લાય કર્યો હતો અથવા યુક્રેન-રશિયા યુદ્ધમાં અન્ય કોઈપણ રીતે મદદ કરી હતી. આમાં ચાર ભારતીય કંપનીઓ પણ સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન