You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ત્રીજો રાઉન્ડ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ હોવા છતાં 25થી વધુ જિલ્લામાં હાલ વરસાદની ઘટ વર્તાઈ રહી છે, એટલે કે અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ પડ્યો નથી.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે પરંતુ રાજ્યના હજી ઘણા વિસ્તારો છે જે પૂરતા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં હાલ કચ્છ પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું હતું પરંતુ હવે તે નબળું પડી જશે જેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર ઘટવાની શક્યતા દેખાઈ રહી છે.
હવે મૉન્સૂન ટ્રફ હિમાલયની તળેટીઓના વિસ્તાર તરફ ઉત્તરમાં ઉપર જતી રહેશે અને રાજ્ય પર બીજી કોઈ નવી સિસ્ટમ નહીં હોવાને કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થવાની સંભાવના દેખાઈ રહી છે.
ગુજરાતમાં 11 જુલાઈ સુધી સરેરાશ કરતાં 3 ટકા ઓછો વરસાદ થયો છે અને કેટલાક જિલ્લાઓમાં સરેરાશથી 45થી 50 ટકા જેટલો ઓછો વરસાદ થયો છે.
સામાન્ય રીતે ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે, ચોમાસાના ચાર મહિનામાં આ બે મહિના સૌથી વધારે વરસાદ આપે છે. હાલ વરસાદ ધીમો પડશે પરંતુ તે બાદ રાજ્યમાં ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે નવો વરસાદી રાઉન્ડ?
ગુજરાતમાં જુલાઈ મહિનાના આગામી દિવસો ખેડૂતો માટે સારા રહે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે, રાજ્યમાં હાલ વરસાદ ભલે ધીમો પડે પરંતુ તે બાદ ફરીથી એક સારો વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા હવામાનનાં મૉડલો દર્શાવી રહ્યાં છે.
હવામાન વિભાગ પ્રમાણે 16 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદનું જોર ઓછું રહેશે, માત્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ રહેવાની સંભાવના છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના ભાગોમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 16 જુલાઈ સુધી સાર્વત્રિક અને વધારે સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. એટલે આ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે પરંતુ વરસાદનું જોર ઘટી જશે.
ગુજરાતમાં 17 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે એટલે કે આ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધવાનું શરૂ થશે. જે બાદ લગભગ 20થી 21 જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.
જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો એ પ્રકારની સ્થિતિ આ વર્ષે થઈ રહી છે.
ગુજરાતમાં 22 જૂન બાદ જે ચોમાસું આગળ વધ્યું છે તેમાં માત્ર ખંડ વર્ષા જોવા મળી છે, એટલે ક્યાં વરસાદ અને ક્યાંક વરસાદ નહીંની સ્થિતિ દેખાઈ રહી છે.
નવા રાઉન્ડમાં ભારેથી અતિભારે વરસાદ થશે?
હાલ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન ઓડિશા પર બનેલું છે અને એક સાયક્લૉનિક સર્ક્યુલેશન મધ્ય મહારાષ્ટ્ર પર બનેલું છે, આ સિસ્ટમોની આગામી દિવસોમાં આપણે ત્યાં અસર વર્તાવાની શક્યતા દેખાઈ રહી છે.
આ સિવાય અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બની રહેલી સિસ્ટમોને ભેજ પૂરો પાડી રહી છે, જેને કારણે ફરીથી કેટલાક વિસ્તારોમાં વરસાદ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.
હવામાનનાં વિવિધ મૉડલો અને હાલની સ્થિતિને જોતાં લાગી રહ્યું છે કે 17થી 21 તારીખની વચ્ચે ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી વરસાદનું જોર વધશે, જે ધીમેધીમે રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે આ મહિનાની શરૂઆતમાં જારી કરેલા પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં જુલાઈ મહિનામાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં હજી ઘણા વિસ્તારોમાં પૂરતો વરસાદ નથી.
હાલ મૉન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી જતાં પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી જશે અને ત્રણથી ચાર દિવસ આ વિસ્તારોમાં વરસાદ વધારે રહેશે.
જે બાદ મૉન્સૂન ટ્રફ ફરીથી રાજસ્થાન અને ગુજરાત તરફ ખસે તેવી સંભાવના છે, ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઑફ શૉર ટ્રફ રેખા પણ સક્રિય છે, જેનો લાભ આગામી દિવસોમાં ગુજરાતને મળશે.
ટ્રફ રેખા એ હવાનો હળવા દબાણનો પટ્ટો છે અને તે જે તરફ ખસે તેની નજીકના વિસ્તારોમાં વધારે વરસાદ થતો હોય છે.