ગુજરાતમાં તાવ, શરદી, ઉધરસના કેસ કેમ વધ્યા, શું સાવધાની રાખવી?

પ્રકાશિત

ગુજરાતમાં બદલાતી ઋતુમાં અમદાવાદ સહિત કેટલાંક શહેરોમાં ફ્લૂના કેસમાં વધારો થયો છે. લોકો હાલ શરદી, ઉધરસ, તાવ વગેરેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર, ફ્લૂના કેસમાં થયેલો આ વધારો મોટો માનવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કેસમાં વધારો થયો છે.

ડૉક્ટરો પાસે જે દર્દીઓ આવે છે તેમને શરદી, તાવ, સતત વહેતું નાક, શરીરમાં દુખાવો વગેરે ફરિયાદો હોય છે.

તબીબોના જણાવ્યા અનુસાર, આમ તો આ સિઝનલ વાઇરસ છે અને મોટા ભાગે બદલાતી ઋતુમાં આ પ્રકારના કેસમાં વધારો થતો હોય છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઠંડી નહોતી અને જાન્યુઆરી મહિનાની શરૂઆતથી તાપમાનમાં ઘટાડો થયો છે અને તેને પણ ફ્લૂનું વધવાનું કારણ તબીબો માની રહ્યા છે.

હાલ ઉત્તર ભારતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને તાપમાનમાં ઘટાડો થયો છે. એવામાં જાણીએ કે આવી સ્થિતિમાંથી બચવા માટે શું કરવું જોઈએ.

અમદાવાદ સહિત ગુજરાતમાં કૉમન ફ્લૂના કેસમાં કેમ વધારો થયો?

મીડિયો અહેવાલો અનુસાર, અમદાવાદ સિવિલ સહિતની હૉસ્પિટલોમાં ઓપીડીમાં દર્દીઓનો વધારો થયો છે.

નિષ્ણાતો અનુસાર, શિયાળો આવે અને શીતલહેર તીવ્ર બને છે ત્યારે વાઇરલ ચેપ, ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ-19 કેસોમાં વધારો થાય છે.

ડૉક્ટરોનું કહેવું છે કે બદલાતી ઋતુ પ્રમાણે ઘણી વાર શરીરને અનુકૂલન સાધવામાં મુશ્કેલી પડતી હોય છે. આથી વાતાવરણમાં રહેલાં ચેપનાં તત્ત્વો શરીર પર હુમલો કરી દેતાં હોય છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો આ ફેરફારની સિઝનમાં વધારે ચેપનો ભોગ બનતા હોય છે.

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ અને હાલમાં મીડિયા કૉ-કન્વીનર ડૉ. મુકેશ મહેશ્વરી કહે છે કે આ સિઝનમાં સામાન્ય ફૂલથી બચવા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે ઇન્ફ્લુએન્ઝાના કેસ આ સિઝનમાં સામાન્ય રીતે વધતા હોય છે. બદલાતી ઋતુમાં લોકોને તાવ, શરદી, ઉધરસ વગેરે હંમેશાં વધે છે.

તેમનું એમ પણ કહેવું છે કે કોવિડના લીધે પણ હાલમાં આ વાઇરસમાં વધારો થયો છે. કેટલીક હૉસ્પિટલોમાં ધાર્યા કરતાં વધુ પ્રમાણમાં કેસ આવી રહ્યા છે.

તો ગુજરાતના જાણીતા ફિઝિશયન અને એમડી ડૉ. રાકેશ પટેલનું પણ કહેવું છે કે આ સિઝન (ખાસ કરીને શિયાળો)માં આ પ્રકારના ફ્લૂના કેસમાં વધારો થતો હોય છે. કેટલીક સાવધાની રાખવાથી આ વાઇરસને ટાળી શકાય.

દર્દીઓમાં કેવાં લક્ષણો જોવાં મળી રહ્યાં છે?

હાલમાં કોરોનાના નવા વૅરિયન્ટના કેસમાં પણ કેટલોક વધારો થયો છે અને એમાં સામાન્ય ફ્લૂનાં લક્ષણો દેખાતાં દર્દીઓ માટે વાઇરસને ઓળખવો મુશ્કેલ બની ગયું છે. ડૉક્ટરોના મતે હાલના સમયમાં દર્દીઓને આવાં સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે.

  • ઉધરસ, શરદી
  • તાવ, શરીરમાં દુખાવો
  • માથામાં દુખાવો વગેરે

તબીબોનું કહેવું છે દર્દીઓમાં આવાં લક્ષણો જણાય તો એને અવગણવાં ન જોઈએ અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.

શિયાળામાં વાઇરલ ચેપથી બચવા શું કરવું જોઈએ?

આ સિઝનમાં તબીબોએ બને ત્યાં સુધી ઘરની અંદર રહેવાની ભલામણ કરી છે. ઠંડા હવામાનમાં શરીરને પૂરતા પ્રમાણમાં ઢાંકવું જોઈએ. પૌષ્ટિક, ગરમ ખોરાક લેવો, સ્વચ્છતા જાળવવી અને બહાર જતી વખતે માસ્ક પહેરવું જોઈએ.

ડૉ. મુકેશ મહેશ્વરી કહે છે કે કેટલીક બાબતોમાં સાવધાની રાખવામાં આ ફ્લૂથી બચી શકાય છે. ખાસ કરીને બહાર નીકળતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઈએ.

  • જેમ કે બહાર નીકળીએ ત્યારે નાક, મોં ઢંકાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
  • ભીડવાળા વિસ્તારોમાં બને ત્યાં સુધી ટાળવું જોઈએ, કેમ કે ભીડમાં જો કોઈ વ્યક્તિને ફ્લૂ હોય તો એ છીંક ખાય કે ઉધરસ લે તો અન્ય લોકોમાં ચેપ થવાની શક્યતા વધી જાય છે.
  • ખાસ કરીને મોટી ઉંમરના લોકો ખાસ ધ્યાન રાખવું જોઈએ.

એમડી ડૉ. રાકેશ પટેલનું માનવું છે કે આ સિઝનમાં હંમેશાં માસ્ક પહેરી રાખવું જોઈએ. આમ તો સામાન્ય ફ્લૂ છે, પણ કેટલાક કિસ્સામાં ટેસ્ટ કરાવવાથી એ કયા પ્રકારનો વાઇરસ છે એ જાણી શકાય છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોવિડના નવા વૅરિયન્ટના કેસમાં કેટલોક વધારો જોવા મળ્યો છે. આવા કિસ્સામાં કોવિડ છે કે સામાન્ય તાવ એ કેવી રીતે ખબર પડે?

ડૉ. રાકેશ પટેલનું કહેવું છે કે આમ તો આ ફ્લૂનાં લક્ષણો અને કોવિડનાં લક્ષણો એક જેવાં જ હોય છે એટલે ખબર ન પડે, પણ જો વધારે સમસ્યા જેવું લાગે તો અન્ય ટેસ્ટ કરાવવા જોઈએ, જેથી કયા વાઇરસનો ચેપ લાગ્યો છે એ જાણી શકાય અને એ રીતે તેની સારવાર કરી શકાય.