You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચાર દિવસ સુધી પડશે કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં હાલમાં શિયાળુ પાકની વાવણીનો સમય ચાલી રહ્યો છે અને એવામાં કમોસમી વરસાદની આગાહી થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલાં જ ફરી ચોમાસા જેવો માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે આવનારા ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. જ્યારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારત પર આવશે. 25 નવેમ્બરની આસપાસ આ સિસ્ટમની ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા બીજા કેટલાક વિસ્તારોમાં અસર શરૂ થાય તેવી શક્યતા છે.
ગુજરાતના કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ?
હાલ રાજ્યમાં શિયાળુ પાકના વાવેતરનો સમય ચાલી રહ્યો છે જ્યારે બીજી તરફ મગફળી જેવા પાકોની સિઝન ચાલી રહી છે. આ સમયે પડનારો કમોસમી વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં નુકસાન કરે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ સંભાવના છે.
25 નવેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી સહિતના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
જ્યારે 26 નવેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં સિસ્ટમની અસર ક્યારથી થશે?
હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે 24 નવેમ્બરની આસપાસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે. જ્યારે આ સિસ્ટમની વધારે અસર 25 નવેમ્બરના રોજ થવાની શક્યતા છે.
26 નવેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. કચ્છ જિલ્લામાં કદાચ આ સિસ્ટમની સૌથી ઓછી અસર જોવા મળે તેવી શક્યતા છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં એકાદ ઇંચ જેટલો વરસાદ પડે તેવી પણ સંભાવના છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે જોવા મળી રહી છે.
ગુજરાતમાં શિયાળા પહેલાં કમોસમી વરસાદ કેમ પડશે?
રાજ્યમાં હાલ ધીરે ધીરે તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે અને પવનની દિશા બદલી રહી છે આવનારા કેટલાક દિવસોમાં ગુજરાતમાં શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે. એ સમયે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત પર આવશે. આ સિસ્ટમ ગુજરાત સહિત, અરબી સમુદ્ર તથા મહારાષ્ટ્ર અને બીજા વિસ્તારો સુધી અસર કરશે.
બીજી તરફ પૂર્વથી આવતા પવનો આ સિસ્ટમને મળશે અને આ બંનેની અસરને કારણે રાજ્યમાં ફરી ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતા છે અને ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું અને તે ગુજરાતને શું અસર કરે છે?
ભૂમધ્ય સમુદ્ર કે કાસ્પિયન સમુદ્રમાંથી ઊઠતાં તોફાનોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે અને ત્યાંથી તે ભારત સુધી આવે છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શિયાળામાં વરસાદ લાવે છે.
આ એક પ્રકારના લૉ પ્રેશર છે અને તે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ આવતા હોવાને કારણે તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે પશ્ચિમ વિક્ષોભ કહેવામાં આવે છે. ભૂમધ્ય સાગર ભારતની પશ્ચિમમાં આવેલો છે અને તે તરફથી આ સિસ્ટમો ભારત પર આવે છે. જ્યારે આ સિસ્ટમ ભારત પર પહોંચે છે ત્યારે તેની સાથે તે ભેજ લાવે છે અને તેના કારણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં બરફવર્ષા અને વરસાદ પડે છે. જ્યારે આ સિસ્ટમ મજબૂત હોય ત્યારે તેની અસર ગુજરાત સુધી થાય છે અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તેના કારણે ભારે વરસાદ પણ થઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખાસ અસર ઉત્તર ભારતમાં થતી હોવાને કારણે તે રવી પાક માટે ખૂબ મહત્ત્વના બની રહે છે. તેના કારણે શિયાળામાં અને ચોમાસા પહેલાં વરસાદ પડે છે. ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બરફ પડે છે, જેને કારણે ઠંડા થતા પવનો ગુજરાત તરફ આવે છે અને તે ગુજરાતમાં ઠંડી લાવે છે.