You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે માન્યું કે 'સુરક્ષા પરિષદ તદ્દન નિષ્ફળ રહી'
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસે યુક્રેનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, "યુએન સુરક્ષા પરિષદ યુક્રેનમાં યુદ્ધને ટાળવા અથવા ખતમ કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે."
તેમણે કહ્યું કે "આ ઘણી હતાશા, નિષ્ફળતા અને ગુસ્સાનું કારણ છે. હું સ્પષ્ટ કહેવા માગું છું કે સુરક્ષા પરિષદ યુદ્ધને ટાળવા અથવા ખતમ કરવા માટે જેટલી શક્તિઓ ધરાવતી હતી તેનો ઉપયોગ કરવામાં તે નિષ્ફળ રહી છે."
સંયુક્ત રાષ્ટ્રની 15 સભ્યોવાળી સુરક્ષા પરિષદના કર્તવ્યોમાં વૈશ્વિક શાંતિ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આવે છે.
પરંતુ યુક્રેનની સરકાર સહિત અનેક પક્ષોએ ફેબ્રુઆરીમાં રશિયાનો હુમલો શરૂ થયા પછી સુરક્ષા પરિષદની તદ્દન નિષ્ફળ રહેવા બદલ ટીકા કરી છે.
રશિયા સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાં સામેલ છે અને યુક્રેન પર તેના હુમલા વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવો પર તેણે અનેક વખત વીટો કર્યો છે.
ગુરુવાર સાંજે ઍન્ટોનિયો ગુટેરેસે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી સાથે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી. તેમણે કહ્યું કે, "હું અહીંયા રાષ્ટ્રપતિ અને યુક્રેનના લોકોને એ કહેવા આવ્યો છું કે અમે હાર નહીં માનીએ".
પરંતુ તેમણે સંયુક્ત રાષ્ટ્રનો બચાવ કરતાં કહ્યું કે સુરક્ષા પરિષદ જ્યારે 'પૅરેલાઇઝ્ડ' (નિષ્ક્રિય) હતી ત્યાર યુએન પોતાનું કામ કરી રહ્યું હતું.
તેમણે બીબીસીને કહ્યું કે, "યુક્રેનમાં સંયુક્ત રાષ્ટ્રના 1,400 સભ્યો છે જે ભોજન, રોકડનાણાં અને અન્ય પ્રકારની મદદ પહોંચાડી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસની કિએવ મુલાકાત દરમિયાન જ શહેરના મેયર અનુસાર કિએવના શેવચેન્કો જિલ્લામાં બે વિસ્ફોટ થયા હતા જેમાં ઈજાગ્રસ્ત ત્રણ લોકોને હૉસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
ઍન્ટોનિયો ગુટેરેસે એ સ્થળોની મુલાકાત પણ લીધી હતી જ્યાં યુક્રેન દ્વારા રશિયા પર નરસંહાર આચરવામાં આવ્યાના આક્ષેપ કર્યા છે. જોકે રશિયાએ આ આક્ષેપોને ફગાવ્યા છે.
પુતિનની ફરીથી ચેતવણી, યુક્રેન મામલે દખલ ન દે દુનિયા
તો બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે, યુક્રેનમાં તેની સૈન્ય કાર્યવાહીમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહેલા કોઈપણ દેશને વાયુવેગે પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે.
પુતિને કહ્યું, "અમારી પાસે એવાં ઉપકરણો છે, જે હોવાનો કોઈ પણ ગર્વ ન કરી શકે. જો જરૂર પડશે તો અમે તેનો ઉપયોગ કરીશું."
પશ્ચિમી રાષ્ટ્રોએ જર્મનીમાં શિખર સંમેલન યોજ્યાના એક દિવસ બાદ પુતિને બુધવારે દેશનાં ઉત્તરમાં આવેલા શહેર સૅન્ટ પીટર્સબર્ગમાં ધારાશાસ્ત્રીઓને સંબોધતા આ ટિપ્પણી કરી હતી.
પુતિનની આ ટિપ્પણીને બૅલિસ્ટિક મિસાઇલો અને પરમાણુ શસ્ત્રોના સંદર્ભ તરીકે જોવામાં આવે છે.
ઝૅલેન્સ્કીનો આરોપ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયા પર આરોપ મૂક્યો છે કે, રશિયા યુરોપ સામે ગૅસ અને વેપારનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે.
રશિયાની સરકારી ઊર્જા કંપની ગેઝપ્રોમે પોલૅન્ડ અને બલ્ગેરિયાને પહોંચાડાતો ગૅસનો પુરવઠો ઘટાડવા સંદર્ભે આ ટિપ્પણી આવી છે.
જ્યારે પૉલૅન્ડ કહે છે કે રશિયા યુક્રેનના સાથીઓને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યુરોપિયન યુનિયને મૉસ્કો દ્વારા પૉલૅન્ડ અને બલ્ગેરિયામાં ગૅસની નિકાસ બંધ કરાયા પછી રશિયા પર બ્લૅકમેલ કરવાનો આરોપ મૂક્યો છે. યુનિયન પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેને જણાવ્યું હતું કે આ પગલું સપ્લાયર તરીકે રશિયાની "અવિશ્વસનીયતા" દર્શાવે છે.
ક્રેમલિને કહ્યું છે કે પશ્ચિમી રાષ્ટ્રોના "અમૈત્રીપૂર્ણ પગલાંઓ"ને કારણે રશિયાને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
માર્ચમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા કરવામાં આવેલી માગ અનુસાર પૉલૅન્ડ અને બલ્ગેરિયાએ ગૅસની ખરીદી માટે રશિયાનાં ચલણ રૂબલમાં ચૂકવણી કરવાનો ઇનકાર કર્યા બાદ રશિયન ગૅસ કંપની ગેઝપ્રોમ તરફથી ગૅસનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.
પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયાના ચલણ રૂબલમાં આવેલા મોટા ઘટાડાને અટકાવવા પુતિન તરફથી આ યોજના બનાવાઈ હતી.
યુક્રેનના સાથી દેશોએ શસ્ત્રોનો પુરવઠો વધારી દીધો છે. અમેરિકાએ યુક્રેન રશિયાને હરાવે તે સુનિશ્ચિત કરવાનું આહ્વાન કર્યું છે.
યુ.એસ.ના સંરક્ષણ પ્રધાન લૉઇડ ઑસ્ટિને યુક્રેન યુદ્ધ જીતે તેની ખાતરી કરવા માટે આકાશ પાતાળ એક કરવાનું વચન આપ્યું હતું. તાજેતરમાં યુક્રેનને લશ્કરી ટેકો વધારવાના વચનોની સંખ્યામાં વધારો થયો છે. જર્મનીએ પણ તાજેતરમાં યુક્રેનને 50 ઍન્ટી-ઍરક્રાફ્ટ ટૅન્ક આપવાની જાહેરાત કરી છે.
પશ્ચિમી અધિકારીઓનું કહેવું છે કે પૂર્વમાં રશિયાના પ્રયત્નોમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે રશિયાએ યુક્રેનની રાજધાની કિએવની આસપાસના વિસ્તારોમાંથી પીછેહઠ કર્યા પછી ડોનબાસ ક્ષેત્રને કબજે કરવા માટે એક મોટું આક્રમણ શરૂ કર્યું હતું પરંતુ એક અધિકારીના જણાવ્યા અનુસાર, રશિયન દળોને "યુક્રેનિયન પ્રતિકાર"ને પહોંચી વળવામાં મુશ્કેલી પડી રહી છે અને તેઓ નુક્સાન સહન કરી રહ્યા છે."
યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાનને બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. રશિયાની સૈન્ય કાર્યવાહી હજુ પણ તીવ્ર રીતે ચાલી રહી છે અને સાથે જ આ મામલે આકરા નિવેદનો પણ રોજેરોજ સાંભળવા મળે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો