ગ્રેટા થનબર્ગ : વાતાવરણનો 'ખાતમો' બોલાવતા પ્રોજેક્ટને બૅન્કો ફંડ ન કરે

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

સંયુક્ત રાષ્ટ્રની COP26ની બેઠક પહેલાં પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે બૅન્કોને આહ્વાન કર્યું છે કે તેઓ "વિનાશને નાણાં ધીરવાનું બંધ કરે."

જીવાશ્મિ ઇંધણના પ્રોજેક્ટને નાણાં ધીરતી વ્યવસ્થાને અટકાવવા માટે આયોજિત પ્રદર્શનમાં ભાગ લેવા માટે સ્વિડનના ટીનઍજ કાર્યકર્તા લંડન પહોંચ્યાં હતાં.

તેમણે બીબીસીના ઍન્ડ્રૂ મારને કહ્યું કે જો રાજનેતાઓ ઉપર દબાણ ઊભું કરવામાં આવે તો શિખરમંત્રણા દરમિયાન 'પરિવર્તન શક્ય' છે.

ગ્રેટાનું કહેવું છે કે ગ્લાસગો ખાતેના કાર્યક્રમમાં બોલવા માટે તેમને 'ઔપચારિક' આમંત્રણ નથી મળ્યું.

રવિવારથી સ્કૉટલૅન્ડના ગ્લાસગો ખાતે COP26 સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વભરના દિગ્ગજ નેતાઓ એકઠા થઈ રહ્યા છે, ત્યારે આ વિરોધપ્રદર્શનો મહત્ત્વપૂર્ણ બની રહે છે.

શુક્રવારે પર્યાવરણવાદીઓએ લંડન ઉપરાંત ન્યૂ યૉર્ક, સાન ફ્રાન્સિસ્કો અને નાઇરોબી સહિત અનેક શહેરોમાં આર્થિક કેન્દ્રોની બહાર આવા કાર્યક્રમો આપ્યા હતા.

આંદોલનકારીઓનું કહેવું છે કે કુદરતી ગૅસ, કોલસો કે ઑઈલ જેવા જીવાશ્મિ ઇંધણોના પ્રોજેક્ટ તથા કંપનીઓને બૅન્કોએ નાણાં ધીરવા ન જોઈએ.

COP26 કૉન્ફરન્સ દરમિયાન વિશ્વના 200 કરતાં વધુ દેશોને 2030 સુધીમાં તેમના ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન ઘટાડવા માટે યોજના ઘડવા કહેવામાં આવશે.

વર્ષ 2015માં ગ્લૉબલ વૉર્મિંગને ઔદ્યોગિકરણના સ્તર કરતાં બે ડિગ્રી સૅન્ટિગ્રેટ કરતાં ખૂબ જ ઓછા સ્તરે લઈ જવાના નિર્ધારનો અમલ કરવા માગતા હોય તો આ શિખરમંત્રણા મહત્ત્વપૂર્ણ બની રહેશે.

યજમાન દેશ તરીકે યુકે ઉપર ગ્રીનહાઉસ ગૅસોનું ઉત્સર્જન ઘટાડવા માટે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કરવાનું દબાણ છે.

પોતાના સત્તાવાર કાર્યક્રમમાં યુકેએ કહ્યું હતું કે શિખરમંત્રણાના દિવસો દરમિયાન એક દિવસ યુએનની સત્તાવાર યુવા પાંખની સાથે તેઓ "યુવાનોના અવાજને પ્રોત્સાહન" આપવા માગે છે.

સપ્ટેમ્બર મહિનામાં મિલાન ખાતે યૂથફૉરક્લાઇમેટ મંત્રણામાં શું નિષ્કર્ષ નિકળ્યા, તેના ઉપર પણ ચર્ચા થશે. એ મંત્રણા દરમિયાન ગ્રેટાએ ભાષણ આપ્યું હતું અને જળવાયુ પરિવર્તન સંદર્ભે નારા આપતા રાજનેતાઓની મજાક ઉડાવી હતી.

'ગરીબ દેશોને વધુ પ્રતિનિધિત્વ આપવું જોઈએ'

તેમનો ઇન્ટરવ્યૂ નેચર હિસ્ટ્રી મ્યુઝિયમ ખાતે લેવામાં આવ્યો હતો, જ્યાં વર્ષ 2019માં નવી શોધાયેલી વાંદાની એક પ્રજાતિને ગ્રેટાનું નામ આપવામાં આવ્યું હતું. ગ્રેટાએ એ પ્રજાતિનું જાતનિરીક્ષણ પણ કર્યું હતું.

રવિવારે બીબીસી વન ઉપર ઍન્ડ્રુ માર દ્વારા લેવામાં આવેલો ગ્રેટા થનબર્ગનો ઇન્ટરવ્યૂ પ્રસારિત કરવામાં આવશે.

અન્ય એક ઇન્ટરવ્યૂમાં ગ્રેટાએ કહ્યું હતું કે ગરીબ દેશો ઉપર જળવાયુ પરિવર્તનનો સૌથી વધુ માર પડે છે એટલે COP26 મંત્રણામાં તેમને વ્યાપક પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે અમુક દેશો ખૂબ 'મોટા અને મોટા' પ્રમાણમાં પ્રતિનિધિમંડળો મોકલે, જ્યારે કથિત રીતે વિશ્વના દક્ષિણના દેશોને "ઓછું પ્રતિનિધિત્વ" મળે છે.

તેમણે કહ્યું કે ઔદ્યોગિક દેશો તેમના કાર્બન ઉત્સર્જનની "અવગણના કરવાનું ચાલુ રાખશે" તથા "ઐતિહાસિક જવાબદારી"નો સ્વીકાર નહીં કરે તો વાતચીતો સફળ નહીં થાય.

અમેરિકા પર મદાર

શુક્રવારના કાર્યક્રમ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન યુરોપ પહોંચ્યા હતા. આ શિખરમંત્રણાની સફળાતનો મોટો આધાર યુનાઇટેડ સ્ટેટ્સ ઉપર રહેશે, જે ચાવીરૂપ દેશ છે.

બાઇડને એક લાખ 75 હજાર ડૉલરનું બિલ્ડ બૅક બેટર સામાજિક કલ્યાણ પૅકેજ જાહેર કર્યું છે, જેમાં 500 અબજ ડૉલર કરતાં વધુની રકમ પર્યાવરણને અનુકૂળ હોય તેવી નીતિઓ માટે ખર્ચવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.

બાઇડનનું કહેવું છે કે તેમણે 'ઐતિહાસિક' પગલાં લીધા છે, જોકે ગ્રેટાનું કહેવું છે કે અમેરિકાએ આ દિશામાં હજુ ઘણું કરવાની જરૂર છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે શું જળવાયુ પરિવર્તન મુદ્દે યુએસ વિશ્વનેતા બની શકે છે, તેના જવાબમાં ગ્રેટાએ કહ્યું : "ચોક્કસથી, પૂરેપૂરી શક્યતા છે, પરંતુ જો તેઓ અત્યારે વર્તી રહ્યાં છે, એમ કરે તો, ના."

"આપણે બધા, ચળવળકર્તા સમજીએ છીએ કે આ બધું કોઈ એક વ્યક્તિ ઉપર આધારિત ન હોય શકે. પરંતુ જ્યારે તમે વિશ્વના સૌથી તાકતવર દેશના નેતા હોય, ત્યારે તમારી ઉપર મોટી જવાબદારી હોય છે."

"અમેરિકા દ્વારા જિવાશ્મિગત ઇંધણોનું માળખું વિસ્તારવામાં આવી રહ્યું હોય, ત્યારે તે સ્પષ્ટ સંકેત છે કે તો પર્યાવરણ સંકેતને આપાતકાલીન મુદ્દા તરીકે નથી જોઈ રહ્યા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો