You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદની આગાહી, ક્યાં થશે મેઘરાજાની મહેર?
બુધવારે દિવસ દરમિયાન ગુજરાતનાં મુખ્ય શહેરો ઉપર મેઘરાજાની મહેર યથાવત્ રહેવા પામી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો.
આ સિવાય નડિયાદ, વલસાડ, ભરૂચ ગીરસોમનાથ, અમરેલી, જામનગર, ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં વરસાદ નોંધાયો છે.
બુધવારે સવારે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગત 24 કલાકના આંકડા પ્રમાણે, રાજ્યના 28 જિલ્લાના 163 તાલુકામાં વરસાદ પડ્યો ન હતો. અત્યાર સુધી રાજ્યનો એક પણ તાલુકો એવો નથી કે જ્યાં 50 મીમી કરતાં ઓછો વરસાદ પડ્યો હોય.
રાજ્યમાં કુલ જરૂરિયાતનો 52 ટકા (443 મીમી) વરસાદ પડી ગયો છે. કચ્છમાં 51 ટકા, ઉત્તર ગુજરાતમાં 40 ટકા, મધ્યપૂર્વ ગુજરાતમાં 46 ટકા, સૌરાષ્ટ્રમાં 52 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 62 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.
હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 11મી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરી છે.
કરનાલમાં ખેડૂતોનું બીજે દિવસે પણ ચક્કાજામ, ઇન્ટરનેટ પર પાબંદી બરકરાર
હરિયાણાના કરનાલમાં મિની સચિવાલય પાસે ખેડૂતોનો વિરોધ બીજે દિવસે પણ યથાવત્ છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, આગળ શું કરવું છે તે બેસીને નક્કી કરીશું. રાત સરકાર સાથે કોઈ વાતચીત થઈ શકી નથી. તંત્ર એનું કામ કરે, તેઓ બીજાં દરવાજાનો પણ ઉપયોગ કરી શકે છે, અનેક દરવાજાઓ છે.
આ દરમિયાન કરનાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ પરનો પ્રતિબંધ બુધવાર સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આજે રાતે 11.59 સુધી એસએમએસ અને ઇન્ટરનેટ સેવાઓ બૅન્કિંગ અને મોબાઇલ રિચાર્જ સિવાય બંધ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે 28 ઑગસ્ટે ટોલ પ્લાઝા પર વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ થયો હતો જેમાં અનેક ખેડૂતો ઘાયલ થયા હતા.
એ પછી ખેડૂતોએ વળતર અને કાર્યવાહીની માગ સાથે 7 સપ્ટેમ્બરે કરનાલના મિની સચિવાલયનો ઘેરાવ કરવામાં આવશે એમ કહ્યું હતું.
તંત્રે 7 સપ્ટેમ્બરે કરનાલમાં કલમ 144 લાગુ કરી અને ખેડૂતોને અટકાવવાની કોશિશ કરવામાં આવી તથા અમુક ખેડૂત નેતાઓની અટકાયત પણ કરવામાં આવી. જોકે, એ પછી એમને છોડી મૂકવામાં આવ્યા.
ખેડૂત નેતાઓએ મંગળવારે સ્થાનિક તંત્ર સાથે અનેક વાતચીત પણ કરી. જોકે, એમાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો મિની સચિવાલય પર ધરણાં કરી રહ્યાં છે. હરિયાણાની ખાપ પંચાયતે ખેડૂતોને ટેકો આપ્યો છે.
ઇન્ડોનેશિયાની જેલમાં કેદીઓ ઊંઘતા હતા અને આગ લાગી, 41નાં મૃત્યુ
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની જેલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 41 લોકોનાં મૃત્યુ થયાં છે અને અનેક કેદીઓને ઈજા થઈ છે. કેટલાક કેદીઓ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે.
સ્થાનિક સમય પ્રમાણે બુધવારે વહેલી સવારે આગ લાગી હતી, એ વખતે જેલમાં મોટા ભાગના કેદીઓ ઊંઘી રહ્યા હતા.
આગમાં જેલનો સી બ્લૉક પ્રભાવિત થયો હતો, જ્યાં 122 કેદીઓ હતા. આ કેદીઓને ડ્રગ સાથે સંકળાયેલા ગુનાઓમાં પકડવામાં આવ્યા હતા.
આખી ઇમારતની ચોકી ભરવા માટે માત્ર 15 ગાર્ડ હતા; અને 600ની ક્ષમતા ધરાવતી આ ઇમારતમાં 2000 કેદીઓ હતા.
પ્રદીપ શર્માને મનસુખ હિરેનની હત્યા માટે મોટી રકમ મળી હતી - CBI
ઍન્ટિલિયા કેસમાં સીબીઆઈની ચાર્જશીટથી વધુ એક ખુલાસો થયો છે.
ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલમાં સીબીઆઈની ચાર્જશીટને ટાંકીને લખ્યું છે કે મનસુખ હિરેનને મારવા માટે પ્રદીપ શર્માને 'મોટી રકમ' મળી હતી.
મુકેશ અંબાણીના ઘર પાસેથી મળેલી એસયુવી ગાડીના માલિક અને થાણેના વેપારી મનસુખ હિરેનને મારવાનું કામ ઍન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને સોંપવામાં આવ્યું હતું.
ચાર્જશીટ પ્રમાણે પ્રદીપ શર્માએ આ કામ સંતોષ શેલાર પાસે કરાવ્યું હતું.
પ્રદીપ શર્માએ 2019માં પોલીસખાતામાંથી ચૂંટણી લડવા માટે રાજીનામું આપી દીધું હતું. જ્યારે આ કેસમાં સંકળાયેલા સચીન વાઝે અને સુનિલ માનેને બરતરફ કરી દેવાયા છે.
ભારત-રશિયા વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાત
બે અઠવાડિયાં પહેલાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે અફઘાનિસ્તાન અંગે સલાહમસલત માટે ચેનલ સ્થાપવા પર સહમતિ સધાઈ હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે એ બાદ "રશિયાના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર નિકેલાઈ પાત્રિશેવ ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે ભારત આવી રહ્યા છે."
પાત્રુશેવ, અજિત ડોવાલ, કેન્દ્રીય મંત્રી એસ. જયશંકર અને વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરે, એવી શક્યતા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો