રફાલ ડીલની ગુનાહિત તપાસ માટે ફ્રાન્સમાં સ્વતંત્ર જજની નિમણૂક

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ફ્રાન્સમાં રફાલ મુદ્દે ઘટેલા તાજેતરના ઘટનાક્રમને કારણે ભારતમાં રાજકીય તાપમાન વધી શકે છે અને એક વખત ફરી વિવાદિત રફાલ ડીલની સ્વતંત્ર તપાસ કરવાની માગ ઊઠી શકે છે.

ફ્રાન્સના રાષ્ટ્રીય નાણાકીય પ્રોસિક્યૂશન કાર્યાલય ( પીએનએફ) મુજબ, ભારત સાથે થયેલી રફાલ ડીલની ગુનાહિત તપાસ કરવા માટે ફ્રાન્સના એક જજની નિમણૂક કરવામાં આવી છે. પીએનએફે શુક્રવારે આની માહિતી આપી હતી.

2016માં ભારત સાથે થયેલી આ કરોડો રૂપિયાની વિવાદિત ફાઇટર જેટ ડીલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગતા રહ્યા છે.

સમાચાર વેબસાઇટ ફ્રાન્સ 24 મુજબ, આ કરાર હેઠળ ભારત સરકારે ફ્રાન્સની ઍરક્રાફ્ટ કંપની ડાસો એવિએશન પાસેથી 36 રફાલ જેટ ખરીદવાની વાત નક્કી કરી હતી. આ કરારની કુલ કિંમત 7.8 અબજ યુરો (9.3 અબજ ડૉલર) એટલે કે લગભગ 70 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી.

આ વર્ષે એપ્રિલ મહિનામાં મીડિયાપાર્ટે દાવો કર્યો હતો કે રફાલ જેટ ડીલ કરાવનાર વચેટિયાઓને કરોડો રૂપિયાનું કમિશન ગુપ્ત રીતે આપવામાં આવ્યું હતું જેમાંથી થોડા પૈસા ભારત સરકારના અધિકારીઓને પણ લાંચમાં અપાયા હતા.

પરંતુ ડાસો એવિએશને આના જવાબમાં કહ્યું હતું કે તેમના ઑડિટમાં આવી કોઈ વાત સામે આવી નહોતી.

હવે પીએનએફ દ્વારા રફાલ ડીલની ગુનાહિત તપાસની વાત આવવાથી મીડિયાપાર્ટે કહ્યું છે કે , "અમે પહેલાં જ આ ડીલમાં ભ્રષ્ટાચાર અને પક્ષપાતની વાત કહી હતી. અમે પોતાના રિપોર્ટ મારફતે દુનિયાને એ જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે ડાસો એવિએશને ભારતના વડા પ્રધાનના બહુ નજીકના અને તેમના સ્થાનિક સાથી અનિલ અંબાણી પર એક મોટો નાણાકીય ઉપકાર કર્યો હતો."

પીએનએફ પર દબાણ

મીડિયાપાર્ટે કહ્યું છે કે રફાલ ડીલની ફાઇલો પેરિસના નાણાકીય કેન્દ્રની 'સૌથી સંવેદનશીલ કાયદાકીય ફાઇલો' ગણાવી છે.

મીડિયાપાર્ટના ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર યાન ફિલીપીને કહ્યું કે પીએનએફ આ અતિસંવેદનશીલ રફાલ ડીલની તપાસ 14 જૂનથી આધિકારિક રૂપે શરૂ કરાઈ હતી.

માનવામાં આવી રહ્યું છે કે પીએનએફે મીડિયાપાર્ટ દ્વારા એપ્રિલ 2021માં પ્રકાશિત સંશોધન અહેવાલોને કારણે દબાણમાં આવીને આ તપાસનો આદેશ આપ્યો છે.

સમાચાર એજન્સી એએફપી મુજબ મીડિયાપાર્ટના રિપોર્ટ પછી આર્થિક અપરાધો મામલે વિશેષજ્ઞતા ધરાવતી બિનસરકારી સંસ્થા 'શેર્પા'એ આ ડીલની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં શેર્પાએ ભ્રષ્ટાચાર અને ડીલ માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરવા જેવા આરોપ લગાવવામાં આવ્યા હતા જ્યાર બાદ એક મૅજિસ્ટ્રેટને આ ડીલની તપાસ માટે નીમવામાં આવ્યા હતા.

શેર્પાએ આની પહેલા 2018માં આ ડીલની તપાસની માગ કરી હતી પરંતુ પીએનએફે તેના પર કોઈ પગલાં લીધા ન હતા.

ડીલ સાથે જોડાયેલા અનેક પ્રશ્નો

પોતાની પ્રથમ ફરિયાદમાં આ એનજીઓએ કહ્યું હતું કે ડાસો એવિએશને પોતાના ભારતીય પાર્ટનરના રૂપમાં રિલાયન્સ ગ્રુપને પસંદ કર્યું જેના માલિક અનિલ અંબાણી છે જે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘણા નજીક માનવામાં આવે છે.

ડાસો એવિએશને વર્ષ 2012માં ભારતના 126 ફાઇટર જેટ સપ્લાય કરવાનો કૉન્ટ્રૅક્ટ મેળવ્યો હતો જેમાં તેમની ભારતીય પાર્ટનર કંપની હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (એચએએલ) હતી.

ડાસો મુજબ માર્ચ 2015 સુધી આ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઈ હતી પરંતુ તે વર્ષે એપ્રિલમાં વડા પ્રધાન મોદીની ફ્રાન્સની આધિકારિક મુલાકાત બાદ સ્થિતિ અચાનક બદલાઈ ગઈ. એટલે 126 ફાઇટર જેટની જુની ડીલ રદ થઈ ગઈ અને ભારત સરકારે ડાસો એવિએશનની સાથે 36 રફાલ વિમાનોની એક નવી ડીલ સાઇન કરી જેમાં ડાસોના ભારતીય પાર્ટનર તરીકે એચએએલની જગ્યાએ રિલાયંસ ગ્રુપને સ્થાન આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે રિલાયંસ ગ્રુપને વિમાન બનાવવાનો કોઈ અનુભવ નહોતો.

જાન્યુઆરી 2016 માં જ્યારે રફાલ ડીલ માટે બંને પક્ષો વચ્ચે સોદાબાજી ચાલી રહી હતી ત્યારે રિલાયંસે ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદની ફિલ્મ નિર્માતા પાર્ટનર જૂલી ગાએટની એક ફિલ્મમાં પૈસા લગાવ્યા હતા.

ફ્રાન્સના એનજીઓ શેર્પાનું માનવું છે કે આને 'પોતાના પ્રભાવના અયોગ્ય ઉપયોગ' તરીકે જોવું જોઈએ.

આના જવાબમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદે કહ્યું કે અહીંયા હિતોના ટકરાવ જેવી કોઈ વાત નહોતી કારણ કે ડાસોનું ભારતીય પાર્ટનર કોણ હશે, તેના બાબતમાં ફ્રાન્સની સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી રહ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો