You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જલદી વૅક્સિનેશનનો પ્લાન નકારી કાઢયો
રવિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસના અધિકારીઓને ખાસ કિસ્સામાં જ વૅક્સિન આપવામાં આવશે. જોકે હવે તેમણે પોતાનો પ્લાન બદલી નાંખ્યો છે.
અમેરિકામાં સૌથી પહેલાં કોરોના વાઇરસની વૅક્સિન મેળવનાર લોકોમાં ટ્ર્મ્પ વહીવટના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હશે એવા સમાચાર હતા. કહેવામાં આવ્યું હતું કે વ્હાઇટ હાઉસના કર્મચારીઓને આ અઠવાડિયામાં ફાઇઝર-બાયોએનટેકની વૅક્સિન આપવામાં આવી શકે છે.
જોકે ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીઓને પ્લાનમાં ફેરફાર કરવા માટે જણાવ્યું છે. અમેરિકાએ વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી આપી છે અને સોમવારે રસી બજારમાં આવી જશે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે વૅક્સિન કોરોના વાઇરસ સામે 95 ટકા રક્ષણ આપે છે. વૅકિસનના પ્રથમ 30 લાખ ડોઝ હાલમાં અમેરિકાના 50 રાજ્યોમાં વિવિધ જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે.
વૅક્સિનનો પ્રથમ જથ્થો રવિવારે મિશિગનથી રવાના થયો હતો, જે આરોગ્ય કર્મચારીઓ અને વડીલોને આપવામાં આવશે.
નવેમ્બર મહિનાથી અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં સતત વધારો જોવામાં આવી રહ્યો છે, જેમાં શનિવારે સૌથી વધુ 3309 લોકો મૃત્યુ પામ્યા હતા.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર આ પ્રથમ વખત છે જ્યારે એક દિવસમાં કોરોના વાઇરસના કારણે આટલાં લોકો મૃત્યુ પામ્યા હોય.
કોરોના વાઇરસ સામેની લડાઈમાં આ વૅક્સિન એક મહત્ત્વનો વળાંક પુરવાર થઈ શકે છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે 3 લાખ લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકા સરકારનાં રસીકરણ અભિયાનના પ્રમુખ જનરલ ગુસ્તાવ પર્નાએ પત્રકારોને જણાવ્યું કે આવનાર 24 કલાકમાં વૅકિસન શિપિંગ કન્ટેનરમાં પેક થઈ જશે.
તેમણે જણાવ્યું કે, સોમવારે 145 જગ્યાએ વૅક્સિન પહોંચી જશે અને મંગળવાર સુધીમાં 425 જગ્યાએ પહોંચી જશે. બુધવારે બીજી 66 જગ્યાએ વૅક્સિન પહોંચી જશે.
તેઓ વધુમાં જણાવે છે કે આવતાં અઠવાડિયાથી વૅક્સિનની ડિલિવરી શરુ થઈ જશે અને 30 લાખ વ્યક્તિઓને રસી મૂકવામાં આવશે.
અમેરિકાએ જે વૅક્સિનને પરવાનગી આપી છે તે હાલમાં યુકેમાં લોકોને આપવામાં આવી રહી છે. ફાઇઝરની આ રસીને કૅનેડા, બહેરિન અને સાઉદી અરેબિયામાં રેગ્યુલેટરી પરવાનગી આપવામાં આવી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો