You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અન્ના હજારેની ખેડૂતોને લઈને આમરણાંત ઉપવાસની ચેતવણી પણ આંદોલનનો ઉલ્લેખ નહીં
યુપીએસ સરકાર વખતે લોકપાલ મુદ્દે આંદોલન કરનારા અન્ના હજારેએ હવે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને એક પત્ર લખી કૃષિ સમસ્યાઓના ઉકેલ બાબતે આમરણાંત ઉપવાસની ચેતવણી આપી છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ આ પત્ર જાહેર કર્યો છે. પત્રમાં અન્ના હજારેએ 2019માં કરેલી માગણીનો હવાલો આપીને સ્વામીનાથન સમિતિની ભલામણો તથા અન્ય ખેડૂતોની સમસ્યાઓને લઈને મહારાષ્ટ્રના એ વખતના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા સરકારે આપેલી બાંયધરીને યાદ કરાવી છે અને એ વખતે જે લેખિત આશ્વાસન આપવામાં આવ્યું હતું તેનું પાલન થયું નથી તેમ કહે છે.
અન્ના હજારેના પત્રમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે એક પણ શબ્દ કહેવામાં આવ્યો નથી પરંતુ પોતે ફરીથી આમરણાંત અનશન વિશે વિચારી રહ્યાં છે એમ તેઓ કહે છે.
ખેડૂતોને ખરુંખોટું બોલનારા ગંદુ રાજકારણ બંધ કરે : કેજરીવાલ
પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં એક દિવસના ઉપવાસ દરમિયાન દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઘણા બધા એવા પરિવારો છે જેમનો એક દીકરો સેનામાં છે તો બીજો દીકરો ખેડૂત છે.
તેમણે કહ્યું, "સેનામાં સીમાએ રહેલા દીકરો જ્યારે એવું સાંભળે છે કે તેમના ભાઈ-પિતાને આતંકવાદી કહેવામાં આવી રહ્યા છે ત્યારે તેના મન પર શું વીતતી હશે, જે લોકો રાજકારણ માટે ખેડૂતોને ખરુંખોટું સંભળાવી રહ્યા છે તેમને હું હાથ જોડીને કહું છું કે તેઓ ગંદુ રાજકારણ બંધ કરે."
મુખ્ય મંત્રી કેજરીવાલે આ કાયદાઓ પર કહ્યું કે અત્યાર સુધી સંગ્રહખોરી કરવું કાયદામાં અપરાધ અને શાસ્ત્રોમાં પણ પાપ મનાતું હતું, આમણે કાયદો બનાવીને આ સંગ્રહખોરીને કાયદેસર બનાવી દીધી.
તેમણે કહ્યું કે ખેડૂત અને જવાનો દેશનો પાયો હોય છે જો દેશના ખેડૂતો અને જવાનો સંકટમાં હોય તો દેશ કેવી રીતે ખુશહાલ હોઈ શકે છે?
કૃષિકાયદાઓને દસ ખેડૂત સંગઠનોએ આપ્યું સમર્થન
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિ સાથે જોડાયેલાં દસ ખેડૂત સંગઠનોએ ત્રણ કૃષિકાયદાઓના સમર્થનમાં મેમૉરૅન્ડમ સોંપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે આ ખેડૂત સંગઠનો ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, તેલંગાણા, તમિલનાડુ અને કેરળનાં છે.
કૃષિમંત્રીએ કહ્યું કે સંગઠનોનું કહેવું છે કે મોદી સરકાર આ કાયદા ખેડૂતોની ભલાઈ માટે લાવી છે અને તેમણે તેનું સમર્થન કર્યું છે.
તેમજ પ્રદર્શનકારી ખેડૂતો પર તોમરે કહ્યું કે સરાકર તેમની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે અને તેઓ જે પ્રસ્તાવ લાવશે તેના પર ચર્ચા કરવામાં આવશે અને તેમણે સરકારના પ્રસ્તાવ પર પોતાનો પક્ષ મૂકવો જોઈએ.
કૃષિમંત્રી અને ગૃહમંત્રી સતત ચર્ચા કરી રહ્યા છે : દુષ્યંત ચૌટાલા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સાથે મુલાકાત બાદ ખેડૂત આંદોલન પર હરિયાણાના ઉપમુખ્ય મંત્રી દુષ્યતં ચૌટાલાએ પત્રકારોને કહ્યું કે કૃષિમંત્રી અને ગૃહમંત્રી સતત વાત કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે આગળના સ્તરની વાતચીત જલદી શરૂ થશે અને 40 ખેડૂત સંગઠનો અત્યાર સુધી વાતચીત કરી ચૂક્યાં છે. આ પછીના તબક્કાની વાતચીતમાં તેઓ સામેલ થશે અને જરૂર કોઈને કોઈ પરિણામ પર પહોંચશે.
દુષ્યંત ચૌટાલા અને નીતિન ગડકરીએ રાજ્યમાં સડકનિર્માણને લઈને મુલાકાત કરી છે. તેમજ આજે દિવસ દરમિયાન કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર ગૃહમંત્રી અમિત શાહને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.
બાઇક લઈ દિલ્હી પહોંચેલા ગુજરાતી ખેડૂતે કહ્યું, કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી ખેડૂતો પાછા નહીં હઠે
નરેન્દ્ર મોદી સરકારના નવા કૃષિકાયદાની વિરુદ્ધમાં ખેડૂતોનું આંદોલન 19મા દિવસે પણ ચાલુ છે ત્યારે ગુજરાતમાંથી પણ અમુક ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે.
રવિવારે રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો સમેત અન્ય રાજ્યોના સેંકડો ખેડૂતોએ દિલ્હી-જયપુર હાઈવે પર બેસીને વિરોધપ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હીના રસ્તામાં અડચણ પેદા કરી પણ, હરિયાણા પોલીસે તેમને રાજસ્થાન સાથે જોડાયેલી સીમા પર રોકી લીધા હતા.
આ માર્ચનું નેતૃત્વ ખેડૂત સંગઠનોના સંયુક્ત મોરચા સાથે જોડાયેલાં નર્મદા બચાવો આંદોલનના મેધા પાટકર, સ્વરાજ ઇન્ડિયાના યોગેન્દ્ર યાદવ સહિત ઘણાં લોકોએ કર્યું. હાલમાં દિલ્હી-જયપુર હાઈવે બંધ છે.
હરિયાણાથી દિલ્હીના આવતા બધા રસ્તાઓ પર ખેડૂતોનાં ધરણાં ચાલુ છે.
બાઇક લઈ દિલ્હી પહોંચેલા ગુજરાતી ખેડૂતે કહ્યું, કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી ખેડૂતો પાછા નહીં હઠે
દિલ્હીની સિંઘુ બોર્ડર પર ત્રણ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને ત્રણ અઠવાડિયાથી વધારે સમય થઈ ગયો છે ત્યારે એમાં વિવિધ ગુજરાતીઓ પણ જોડાઈ રહ્યાં છે.
ખેડૂત પરિવારમાંથી આવતા ધરમભાઈ હદવાણી સોમનાથથી બાઇક લઈને દિલ્હીની સિંઘુ બૉર્ડર પહોંચેલા છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ ખેડૂત આંદોલનમાં જોડાયા છે.
બીબીસી સંવાદદાતા મેહુલ મકવાણા સાથે ફોન પર વાત કરતા એમણે કહ્યું કે ચાર તારીખે સોમનાથથી નીકળ્યો એ અગાઉ આઈબી-પોલીસનો ફોન આવ્યો હતો. એ પછી અમદાવાદમાં મારી અટકાયત પણ થઈ. પોલીસે નિવેદન લઈને જવા દીધો.
ધરમભાઈ હદવાણી ખેડૂત પરિવારમાંથી આવે છે અને હાલ પત્રકારત્વનો અભ્યાસ કરે છે.
એમણે કહ્યું હાલ અમદાવાદ, રાજકોટ, ધોરાજી વગેરેથી ગુજરાતીઓ આંદોલનમાં જોડાયા છે.
એમનું કહેવું છે કે તેઓ 7 તારીખે દિલ્હી પહોંચ્યા એ પછી અન્ય મિત્રો પણ જોડાયા છે અને કેટલાક હજી રસ્તામાં છે.
આંદોલનના માહોલ વિશે તેઓ કહે છે કે, માહોલ જબરદસ્ત છે અને જ્યાં સુધી કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી ખેડૂતો પાછા નહીં હઠે.
તો શું સિંઘુ બૉડર્ર પર ફક્ત પંજાબ-હરિયાણાના ખેડૂતો જ છે એ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, અહીં ફક્ત પંજાબ, હરિયાણાના ખેડૂતો છે એ વાત ખોટી છે. હું સાત તારીખથી અહીં છું અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, તમિલનાડુ, ગુજરાત વગેરે રાજ્યના ખેડૂતોને મળ્યો છું. પંજાબ-હરિયાણાના ખેડૂતોની સંખ્યા વધારે છે પણ નાના-નાના જૂથોમાં અન્ય રાજ્યોના ખેડૂતો પણ અહીં છે.
ગુજરાતથી ગુજરાત કિસાન સભા-રાજકોટ સમિતિ અને સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ પણ દિલ્હી પહોંચ્યા છે અને ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહ્યા છે.
'કાયદો રદ કર્યા વિના આંદોલન ખતમ નહીં'
ખેડૂતો ખેતી-ખેડૂતો સાથે જોડાયેલા નવા ત્રણ કાયદાને રદ કરવાની માગ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે આ કાયદાઓ ખેડૂતવિરોધી છે અને તેનાથી કૉર્પોરેટને ફાયદો થવાનો છે.
આજે ખેડૂતોએ વિરોધના પ્રતીક માટે ઉપવાસ પણ રાખ્યા છે.
રવિવારે મોદી સરકાર તરફથી કહેવાયું કે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને મળીને કેટલાંક ખેડૂત સંગઠનોએ નવા કૃષિકાયદાનું સમર્થન કર્યું છે.
આંદોલનકારી ખેડૂત સંગઠનોનું કહેવું છે કે સમર્થન કરનારાં સંગઠનો સાથે તેમને કોઈ સંબંધ નથી.
ભારતીય કિસાન યુનિયનના ગુરનામ સિંહે કહ્યું કે સમર્થન કરનારાં સંગઠનો સરકારના હાથમાં રમી રહ્યાં છે અને આવા પ્રયત્નો આંદોલનને નબળા પાડવા માટે છે.
તેઓએ કહ્યું કે આંદોલન કૃષિકાયદા સામે છે અને કાયદા રદ કર્યા વિના આંદોલન ખતમ નહીં થાય.
કેજરીવાલ પણ કરશે ઉપવાસ
વિરોધપ્રદર્શનના ભાગરૂપે ખેડૂતસંઘોના તમામ વડાઓ સોમવારે એક દિવસ પૂરતું અનશન કરશે. એનડીટીવીના અહેવાલ અનુસાર ખેડૂતનેતા ગુરુનામસિંહે સિંઘુ બૉર્ડર પર સંબંધિત જાહેરાત કરી હતી.
તો દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોના સમર્થનમાં એક દિવસ માટે અનશન કરવાની જાહેરાત કરી છે. કેજરીવાલે જણાવ્યું હતું, "ખેડૂતોનાં પ્રદર્શનોને સમર્થન આપવા માટે હું એક દિવસ અનશન કરીશ. આપના સ્વંયસેવકોને પણ હું જોડાવા માટે અપીલ કરું છું."
આ સાથે જ કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિકાયદા પરત લઈ લેશે એવી દિલ્હીના મુખ્ય મંત્રીએ આશા પણ વ્યક્ત કરી હતી.
આ દરમિયાન રવિવાર કૃષિકાયદાનો વિરોધ કરવા માટે રાજસ્થાનથી દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને હરિયાણા બૉર્ડર પર રોકી દેવાયા તો ખેડૂતો ત્યાં જ ધરણાં પર બેસી ગયા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો