અઝીઝનબાઈ : જેમણે 1857માં ક્રાંતિકારીઓની મદદ કરી, અંગ્રેજોએ મોતની સજા આપી

    • લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
    • પદ, બીબીસી હિન્દી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

સપ્ટેમ્બર 1853ના લખનઉની વાત છે. પ્રખ્યાત નૃત્યાંગના ઝુબૈદા એક કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપીને મોડી રાત્રે પોતાના ઘરે પાછાં જઈ રહ્યાં હતાં.

પોતાની બગીમાં બેઠેલાં ઝુબૈદાને અંધારા રસ્તા પર કોઈકના કણસવાનો અવાજ સંભળાયો. તેમણે કોચવાનને બગી રોકવાનો ઇશારો કર્યો. આસપાસ તપાસ કર્યા પછી તેમના સેવકોને ઝાડીઓમાં સંતાયેલી એક છોકરી જખમી હાલતમાં મળી આવી. ઝુબૈદા તેમને લઈને સીધાં નૃત્યાંગના ઉમરાવ જાન પાસે આવ્યાં. ત્યાં આ છોકરીની સારવારની વ્યવસ્થા કરવામાં આવી.

તે છોકરીનું નામ અઝીઝન રાખવામાં આવ્યું, જોકે, સાચું નામ મસ્તાની હતું.

કેમ કે, નૃત્યાંગના ઉમરાવ જાનનું સાચું નામ અમીરન હતું. તેની સાથે સામ્ય ધરાવતું નામ જ રાખવામાં આવ્યું હતું.

આ બધી વાતો 'વૉર ઑફ સિવિલાઇઝેશન ઇન્ડિયા એડી 1857'ના લેખક – ઇતિહાસકાર અમરેશ મિશ્રાએ બીબીસી હિંદીને જણાવી.

અઝીઝનબાઈની કહાણી વેબ સિરીઝ 'હીરામંડી'ના બિબ્બોજાન પાત્ર સાથે સામ્ય ધરાવે છે. જોકે, 'હીરામંડી'ની કહાણી અલગ છે. તેમાં બિબ્બોજાન હીરામંડીનાં નૃત્યાંગના છે, પરંતુ તેઓ અંગ્રેજો વિરુદ્ધ છૂપી રીતે ક્રાંતિકારીઓને સાથ આપે છે.

આ સિરીઝના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી તેમને ભારતીય સ્વતંત્રતા આંદોલનનાં અજાણ્યાં નાયિકા ગણાવે છે.

ભણસાલીએ 'ટાઇમ' મૅગેઝિનને જણાવ્યું હતું, "આ મહિલાઓને હંમેશાં મનોરંજનકર્તારૂપે જ જોવામાં આવતી હતી અને તેમને હીરાના હાર પહેરેલી જ જોવામાં આવતી હતી, પરંતુ તેમની આંખોમાં એક કહાણી છુપાયેલી છે."

જોકે, આ કહાણીનો સંબંધ વેબ સિરીઝ સાથે નથી, બલકે આ કહાની લખનઉથી શરૂ થાય છે.

આમાં અઝીઝનબાઈનું પાત્ર મુખ્ય છે.

કાનપુરનાં આ અઝીઝનબાઈએ ભારતમાં 1857ની ક્રાંતિમાં ભાગ લીધો હતો. પછીથી અઝીઝનબાઈને ક્રાંતિકારીઓની મદદ કરવાના ગુના બદલ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મૃત્યુની સજા આપી દીધી હતી.

કોણ હતાં અઝીઝનબાઈ?

અઝીઝનબાઈ વિશે અનેક પ્રકારની કહાણી છે. કેટલાક ઇતિહાસકારોનો મત છે કે તેઓ માળવામાં જન્મ્યાં હતાં.

પરંતુ 1857 વિશે પુસ્તક લખનાર અમરેશ મિશ્રાએ 'વૉર ઑફ સિવિલાઇઝેશન ઇન્ડિયા એડી 1857'માં લખ્યું છે કે અઝીઝનનો જન્મ લખનઉની નજીક થયો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિપાહીઓએ તેમના પિતાની હત્યા કરી દીધી હતી.

અમરેશ મિશ્રાએ બીબીસી હિંદીને જણાવ્યું, "અઝીઝનના પિતાનું નામ હુસૈન ખાન હતું. તેઓ વાજિદઅલી શાહના કાર્યકાળમાં અધિકારી હતા. હુસૈન ખાને ઉન્નાવની એક છોકરી સાથે શાદી કરી હતી."

અમરેશ મિશ્રા અનુસાર, "વર્ષ 1853માં હુસૈન ખાનની કાનપુરના અંગ્રેજ સિપાહીઓ સાથે અથડામણ થઈ ગઈ હતી. હુસૈન ખાન જીવ બચાવવા માટે પોતાની પુત્રી મસ્તાની સાથે ગોમતી નદીમાં કૂદી પડે છે, પરંતુ ત્યાર પછી અંગ્રેજ સિપાહી તેમને મારી નાખે છે."

"આ દરમિયાન અઝીઝન પણ જખમી થઈ જાય છે. ત્યાંથી પસાર થઈ રહેલાં ઝુબૈદા નામનાં નૃત્યાંગનાએ અઝીઝનને બચાવી લીધાં. તેઓ તેમને ઉમરાવ જાન પાસે લઈ ગયાં. તેમના સંપર્કમાં આવ્યા પછી અઝીઝનબાઈએ પણ નૃત્યકલા શીખી લીધી."

અમરેશ મિશ્રા જણાવે છે, "13 વર્ષની ઉંમરે અઝીઝનબાઈએ પોતાનું પહેલું નૃત્ય પ્રસ્તુત કર્યું. એ વખતે કાનપુરના મશહૂર સેઠ કલ્લુરામ ખત્રીએ તેમના માટે કાનપુરમાં જ ઠેકાણું આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો."

જોકે, અમરેશ મિશ્રાએ બીબીસી હિંદીને કહ્યું, "એ સમયની નૃત્યાંગનાઓ, જેમને તવાયફ કહેવામાં આવતી હતી તેઓ માત્ર કલાકાર હતી. તેમનો પ્રૉસ્ટિટ્યૂશન સાથે સંબંધ નહોતો.

અમરેશ મિશ્રા અનુસાર, "અઝીઝનબાઈ ત્યાર પછી કાનપુરના મૂલગંજ વિસ્તારમાં આવી ગયાં અને તેમના ઠેકાણાને નામ આપવામાં આવ્યું – લડકીમહલ."

એ સમયે કાનપુર અને તેની આસપાસ તાત્યા ટોપે અને પેશવા નાનાસાહેબ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહ્યા હતા. નાનાસાહેબ બિઠૂરના શાસક હતા, પરંતુ અંગ્રેજોની પેન્શન નીતિથી નારાજ હતા.

અમરેશ મિશ્રા અનુસાર, અઝીઝનબાઈની મુલાકાત નાનાસાહેબ સાથે થઈ. અઝીઝનબાઈનું મન પણ વિદ્રોહી હતું.

તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કરનાર પોતાના મિત્ર શમસુદ્દીન સાથે મળીને મહિલાઓની એક ટુકડી બનાવી, જેનું નામ 'મસ્તાની ટોલી' રાખ્યું. જોકે, શમસુદ્દીન ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં હતા, પરંતુ તેઓ નાનાસાહેબ માટે જાસૂસીનું કામ પણ કરતા હતા.

અમરેશ મિશ્રા અનુસાર, "અઝીઝનબાઈ રાત્રે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓનું મનોરંજન કરતાં હતાં. એ દરમિયાન તેઓ જાસૂસીનું પણ કામ કરતાં હતાં."

ઇતિહાસકાર અમેરશ મિશ્રાએ જણાવ્યું, "દિવસના સમયે તેઓ સૈનિકોની વર્દી પહેરીને ઘોડા પર સવાર થતાં. હાથમાં તલવાર લઈને યુદ્ધભૂમિમાં પહોંચી જતાં. તેઓ ઘાયલ સૈનિકોની સેવા કરતાં, ભોજન અને દારૂગોળા પહોંચાડતાં હતાં."

અમરેશિ મિશ્રા અનુસાર, આ દળ વિશે વધારે માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ આ દળ સૈનિકોની સહાય કરતું હતું અને ગીત ગાઈને દેશભક્તિ માટે પ્રેરિત કરતું હતું.

તેનું પરિણામ એ આવ્યું કે જ્યારે કાનપુરમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ફરીથી કબજો કર્યો ત્યારે અઝીઝનબાઈની ધરપકડ કરી લેવામાં આવી.

અમરેશ મિશ્રાએ જણાવ્યું, "તેમને જનરલ હેનરી હૅવલૉકની સમક્ષ હાજર કરવામાં આવ્યાં. જનરલ હેનરી હૅવલૉકે અઝીઝનબાઈને ક્રાંતિકારી અઝીમુલ્લા ખાન ક્યાં છે તે જણાવવા કહ્યું. તેના બદલામાં તેમને છોડી મૂકવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો, પરંતુ અઝીઝનબાઈએ ઇનકાર કરી દીધો. ત્યાર પછી તેમને ગોળી મારવાનો આદેશ આપી દેવાયો."

અઝીમુલ્લા ખાન પઠાણ હતા અને નાનાસાહેબના નિકટતમ સલાહકાર હતા. તેઓ 1857ની લડાઈનાં મુખ્ય પાત્રોમાંના એક હતા.

બ્રિટિશ લેખક જૉર્જ ઓટ્ટો ટ્રવિલિયન લૉર્ડ મૅકૉલેના ભત્રીજા હતા. તેમણે પોતાના પુસ્તક 'કાનપુર'માં અઝીઝનબાઈ વિશે લખ્યું છે. તેમણે અઝીઝનને "વિદ્રોહનાં ડેમોઇસેલ થેરોઇન" તરીકે વર્ણવ્યાં છે.

સર જૉર્જ ટ્રવિલિયને અઝીઝનબાઈની તુલના ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન મુખ્ય મહિલા વક્તા અને આયોજક ઍન-જોસેફ થેરોઇન ડી મેરિકૉર્ટ સાથે કરી છે.

ટ્રવિલિયન લખે છે, એ સમયે અઝીઝન સેકન્ડ કૅવલરીનાં પ્રખ્યાત નૃત્યાંગના હતાં. ત્યાં તેઓ ખૂબ જ પ્રખ્યાત હતાં.

અઝીઝનબાઈ કઈ રીતે જાસૂસી કરતાં હતાં?

એકે ગાંધીએ પોતાના પુસ્તક 'ડાંસ ટૂ ફ્રીડમ-ફ્રૉમ ઘુંઘરું ટૂ ગનપાઉડર'ના અધ્યાય-11માં અઝીઝનબાઈ વિશે વિસ્તારથી લખ્યું છે.

એકે ગાંધી અનુસાર, અઝીઝનબાઈને અંગ્રેજ અધિકારીઓ પાસેથી ઘણી બધી માહિતી મળી જતી હતી. આ માહિતીઓ તેઓ ભારતીય સિપાહીઓ સુધી પહોંચાડતાં હતાં.

ગાંધી અનુસાર, નૃત્ય દરમિયાન અંગ્રેજ અધિકારીઓ નશામાં પોતાના સૈન્ય અને વહીવટી પ્રવૃત્તિઓની ચર્ચા કરતા હતા. આ માહિતી સેકન્ડ કૅવલરીના શમસુદ્દીન દ્વારા નાનાસાહેબ સુધી પહોંચતી હતી. આ કામ દરમિયાન શમસુદ્દીન અને અઝીઝનબાઈ ઘણા નજીક આવી ગયાં હતાં. શમસુદ્દીને વચન આપ્યું હતું કે તેઓ અંગ્રેજોને દેશમાંથી બહાર હાંકી કાઢ્યા પછી શાદી કરશે.

ગાંધી અનુસાર, એ દરમિયાન શમસુદ્દીનના ઘરે કે પછી સૂબેદાર ટિક્કાસિંહને ત્યાં વિદ્રોહીઓની મુલાકાતો થતી હતી. પછીથી નાનાસાહેબે તેમને મોટો હોદ્દો આપ્યો.

આ ઉપરાંત, અઝીઝનબાઈ ભારતીય વિદ્રોહીઓને પૈસાની પણ મદદ કરતાં હતાં. તેઓ તેમને શરણ પણ આપતાં હતાં.

એકે ગાંધીએ લખ્યું છે, "વીડી સાવરકરે પોતાના પુસ્તક 'ફર્સ્ટ વૉર ઑફ ઇન્ડિપેન્ડેન્સ'માં અઝીઝનબાઈની ભૂમિકાની સરાહના કરી છે."

1857નો કાનપુર સંગ્રામ શું હતો?

વર્ષ 1857ના કાનપુર વિદ્રોહની શરૂઆત 5 જૂન, 1857એ થઈ હતી. નાનાસાહેબે તાત્યા ટોપે અને અઝીમુલ્લા ખાન સાથે મળીને તેનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન ભારતીય સૈનિકોએ જનરલ હ્યૂ વ્હીલરની બ્રિટિશ છાવણીને ઘેરી લીધી હતી. ત્યાર પછી સત્તીચૌરા ઘાટ અને બીબીઘર જેવી ઘટનાઓ ઇતિહાસનો ભાગ બની.

5 જૂન 1857એ અંગ્રેજોની કૅવલરી અને ઇન્ફન્ટ્રીના ભારતીય સૈનિકોએ વિદ્રોહ કર્યો હતો અને શસ્ત્રાગાર અને ખજાના પર કબજો કરી લીધો હતો.

બિઠૂરના પેશવા નાનાસાહેબ અંગ્રેજોની પેન્શન નીતિથી નારાજ હતા. કાનપુરમાં તેમણે જ વિદ્રોહીઓનું નેતૃત્વ કર્યું. 27 જૂન 1857એ અંગ્રેજોએ આત્મસમર્પણ કર્યા પછી તેમને સુરક્ષિત અલાહાબાદ જવા દેવાનો વાયદો કરાયો હતો, પરંતુ તેઓ હોડીઓ પર સવાર થતાંની સાથે જ ગોળીબાર શરૂ થઈ ગયા.

તેમાં ઘણા બ્રિટિશ સૈનિકો મૃત્યુ પામ્યા. આ ઘટના 'સત્તીચૌરા ઘાટ કાંડ' નામથી જાણીતી છે.

લગભગ 120-200 બ્રિટિશ મહિલાઓ અને બાળકોને બંદી બનાવીને 'બીબીઘર'માં રાખવામાં આવ્યાં હતાં. એવું કહેવાય છે કે પછીથી એ બધાંને મારી નંખાયાં હતાં.

ત્યાર પછી જુલાઈ 1857માં જનરલ હૅવલૉક અને પછી કૉલિન કૅમ્પબેલના નેતૃત્વમાં બ્રિટિશ સેનાએ કાનપુર પર ફરીથી કબજો કરી લીધો અને વિદ્રોહી સૈનિકો અને સ્થાનિક નાગરિકો પર અત્યાચાર ગુજાર્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન