You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર : પાકિસ્તાન મૂળના લંડનના મેયર સાદિક ખાન ભારતવિરોધી રેલીની વિરુદ્ધમાં કેમ?
લંડનના મેયર સાદિક ખાને કાશ્મીર મુદ્દાને લઈને દિવાળી પર યોજાનારી ભારતવિરોધી માર્ચની યોજનાની નિંદા કરી છે.
સાદિક ખાને કહ્યું કે તેનાથી બ્રિટનની રાજધાની લંડનમાં અલગાવને પ્રોત્સાહન મળશે. ખાને આયોજકો અને તેમાં ભાગ લેનારા લોકોને રેલી રદ કરવાનું કહ્યું છે.
રેલીના આયોજકોએ તેના માટે મંજૂરી માગી હતી. પાંચથી દસ હજાર લોકો લંડનસ્થિત ભારતીય ઉચ્ચાયોગની સામે વિરોધ-પ્રદર્શન કરવાના હતા.
ભારતીય મૂળના લંડન ઍસેમ્બ્લીના સભ્ય નવીન શાહના પત્રના જવાબમાં પાકિસ્તાની મૂળના લંડનના મેયર સાદિક ખાને એક પત્ર જાહેર કર્યો છે.
આ પત્રમાં લખ્યું છે, ''દિવાળીના દિવસે લંડનમાં ભારતીય ઉચ્ચાયોગની સામે વિરોધ-પ્રદર્શન કરવું નિંદનીય છે.''
સાદિક ખાને પત્રમાં લખ્યું છે, ''જ્યારે લંડનના લોકોને સાથે આવવાની જરૂર છે, એવા સમયે આ વિરોધ-પ્રદર્શનથી અલગાવને પ્રોત્સાહન મળશે. જે પણ આ રેલીના આયોજકો છે અને જેઓ તેમાં ભાગ લેવાના છે ફરી એક વાર વિચારે.''
લંડનના મેયર તરફથી 18 ઑક્ટોબરે આ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
સાદિક ખાને લખ્યું છે, ''તમે જાણો છો તેમ વિરોધ-પ્રદર્શનને પ્રતિબંધિત કરવાનો અધિકાર ગૃહમંત્રી પાસે હોય છે. હું આ પત્ર ગૃહમંત્રી પ્રીતિ પટેલ અને મેટ્રોપૉલિટન પોલીસ કમિશનર ક્રેસિડા ડિકને મોકલી રહ્યો છું. જેથી તેઓ આ માર્ચને લઈને અમારી ચિંતાઓને સમજી શકે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવીન શાહે 15 ઑગસ્ટે ભારતીય ઉચ્ચાયોગ સામે થયેલા હિંસક ઘર્ષણનો પણ ઉલ્લેખ કર્યો છે.
સાદિક ખાને લખ્યું છે, ''હું બ્રિટિશ ભારતીયોની ચિંતાને સમજી શકું છું. ઘણા લોકો ભારતીય ઉચ્ચાયોગ સામે થયેલાં અગાઉનાં વિરોધ-પ્રદર્શનથી ભયમાં છે. હું લંડનવાસીઓને વિશ્વાસ અપાવું છું કે જે કોઈ પણ ગેરકાયદે કામ કરશે એ તેના માટે જવાબદાર રહેશે.''
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર આ વિરોધ-પ્રદર્શનમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના કથિત રાષ્ટ્રપતિ સરદાર મસૂદ ખાન અને કથિત વડા પ્રધાન રાજા મોહમ્મદ ફારૂક હૈદર ખાન પણ ભાગ લેવાના હતા. આ રેલીને 'ફ્રી કાશ્મીર રેલી' નામ આપવામાં આવ્યું હતું.
સાદિક ખાન 2016માં લંડનના મેયરે તરીકે ચૂંટાયા હતા.
નવીન શાહે 174 ઑક્ટોબરે લંડનના મેયરને સંબોધન કરતાં લખ્યું હતું કે તેઓ પોતાના વિસ્તારના જનપ્રતિનિધિ અને એવાં સંગઠનો તરફથી લખી રહ્યા છે, જેઓએ દિવાળીના દિવસે ભારતવિરોધી રેલીને રોકવા માટે સંપર્ક કર્યો હતો.
નવીન શાહે પોતાના પત્રમાં લખ્યું છે કે લોકોએ તેમનો સંપર્ક કરીને કહ્યું કે પવિત્ર તહેવાર દિવાળીના દિવસે ભારતવિરોધી માર્ચ પૂરી રીતે અસંવેદનશીલ છે.
નવીન શાહે પોતાના પત્રમાં લંડનના મેયર સિવાય મેટ્રોપૉલિટન પોલીસ પ્રમુખ અને બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલને પણ ટ્વિટર પર ટેગ કર્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો