You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાન બોલ્યા, 'મને ભારતમાં ખૂબ પ્રેમ મળ્યો છે'
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથે જોડાયેલી પોતાની સારી યાદોને વાગોળી હતી. તેમણે કહ્યું કે જ્યારે ભારત ગયો ત્યારે મને ખૂબ જ સન્માન મળ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ ધર્મ અત્યાચારની પરવાનગી આપતું નથી અને આવું હિંદુ ધર્મમાં પણ નથી.
લાહોરમાં સોમવારે આંતરરાષ્ટ્રીય શીખ સંમેલનમાં તેમણે લાંબું ભાષણ આપ્યું, જેમાં ભારત, શીખ સમુદાય અને કાશ્મીર જેવા વિષય પર બોલ્યા.
તેમણે કહ્યું, "જ્યારે હું પહેલી વાર ક્રિકેટ રમવા માટે ભારત ગયો ત્યારે એક અલગ પ્રકારના દેશનો અહેસાસ કર્યો. ત્યાં અમને ઘણી ઇજ્જત મળી, પ્રેમ મળ્યો."
"આ જોઈને અમે પરેશાન થઈ ગયા કે અમે આટલી નફરત અને ડરામણી વસ્તુઓ સાંભળતા હતા. ભારત જેને અમે દુશ્મન દેશ સમજતા હતા, ત્યાં અમને ઘણી ઇજ્જત મળી, ઘણા મિત્રો બન્યા. આજે મારા ઘણા મિત્રો ત્યાં છે."
ઇમરાન ખાને કહ્યું કે આ જ કારણે જ્યારે તેઓ વડા પ્રધાન બન્યા ત્યારે ભારત સાથે સારા સંબંધ બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી.
તેમણે કહ્યું, "પહેલાં જ દિવસે મેં ભારતને સંદેશો આપ્યો કે તમે અમારી તરફ એક ડગલું વધશો તો અમે બે ડગલાં વધીશું."
"નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરતાં મેં કહ્યું કે બંને દેશમાં એક જેવા પ્રશ્નો છે. ગરીબી છે, બેરોજગારી છે અને સૌથી મોટો પ્રશ્ન ક્લાઇમેટ ચૅન્જ(જળવાયુ પરિવર્તન)નો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'કાશ્મીરમાં મુસ્લિમ ન હોત, તો પણ બોલત'
પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું કે કાશ્મીરના મુદ્દાનો નિવેડો વાતચીતથી લાવી શકાય છે, પરંતુ આના પર ભારત તરફથી હંમેશાં શરતો મૂકવામાં આવી છે.
ઇમરાન ખાને કહ્યું, "જેમ કોઈ સુપરપાવર દેશ કોઈ ગરીબ દેશને કહે કે પહેલાં તમે આ કરશો ત્યારે અમે આગળ ચાલીશું."
"હું ઘણો હેરાન હતો, કારણ કે મારા મગજમાં એવો વિચાર જ નથી કે યુદ્ધથી કોઈ પણ મુદ્દાનો નિવેડો લાવી શકાય. જે પણ યુદ્ધ દ્વારા મુદ્દાનો નિવેડો લાવવા માગે છે તેનામાં બુદ્ધિ હોતી નથી. તેણે દુનિયાનો ઇતિહાસ વાંચ્યો નથી."
"તમે યુદ્ધ દ્વારા એક મુદ્દાનો નિવેડો લાવો છો ત્યારે બીજા ચાર મુદ્દાઓ તેમાંથી ઊપસી આવે છે."
પૂર્વ ક્રિકેટ કૅપ્ટનમાંથી પાકિસ્તાનના વડા પ્રધાન બનનાર ઇમરાન ખાને ભારત પર ધર્મના આધારે ભેદભાવ કરવાનો આરોપ મૂક્યો.
તેમણે કહ્યું, "ભારતે કાશ્મીરમાં 27 દિવસથી કર્ફ્યુ લાદ્યો છે અને 80 લાખ લોકોને બંધક બનાવાયા છે."
"બિચારા દર્દીઓ અને બાળકોની સાથે શું શું થઈ રહ્યું હશે? જેનામાં માણસાઈ હશે તેઓ આવું કરી શકે? કોઈ પણ ધર્મ આની પરવાનગી આપે છે? તમે જ્યારે આવું કરો છો ત્યારે એમ સમજો છો કે બીજા ધર્માના લોકો યોગ્ય માણસ નથી."
તેમણે કહ્યું કે આ લોકો (કાશ્મીરના) મુસ્લિમ ન હોત તો પણ એના પર તેઓ બોલ્યા હોત.
જોકે ભારત સરકારનું કહેવું છે કે કૉમ્યુનિકેશનનાં સાધનો પર પ્રતિબંધ અને અવરજવરને સીમિત કરવાથી પરિસ્થિતિને ખરાબ થતી રોકવામાં અને લોકોના જીવ બચાવવામાં મદદ મળી છે.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે યુરોપના માસિક 'પૉલિટિકો' સાથે વાત કરતાં કહ્યું કે આ કેવી રીતે સંભવ છે કે ઉગ્રવાદીઓનું ઇન્ટરનેટ રોકવામાં આવે અને બાકી લોકોનું ઇન્ટરનેટ ચાલુ રહે.
તેમણે કહ્યું, "આ સંભવ નહોતું કે આતંકવાદીઓનો સંપર્ક કાપી નાખવામાં આવે તો તેનાથી સામાન્ય માણસોનું જીવન પ્રભાવિત ન થાય."
"એવું સંભવી શકે છે કે હું આતંકવાદીઓ અને તેમના આકાઓ વચ્ચેના કૉમ્યુનિકેશનનાં સાધનોને અટકાવું, પરંતુ બીજા લોકો માટે ઇન્ટરનેટ ચાલુ રાખું? હું આ રીત જાણવા માગીશ."
બીજેપી અને ઝીણાઅંગે
ઇમરાન ખાને ભારતની નરેન્દ્ર મોદી સરકાર, ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આકરી ટીકા કરી.
તેમણે કહ્યું, "મારે અફસોસ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર એ દૃષ્ટિકોણથી ચાલી રહી છે, જેના પરથી પાકિસ્તાન બન્યું હતું."
પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની પ્રશંશા કરતાં તેમણે કહ્યું કે 'કાયદ-એ-આઝમ' સાંપ્રદાયિક ન હતા, પરંતુ તેમને ખ્યાલ આવી ગયો હતો કે આ વિચારધારા સૌના માટે આઝાદી નહીં, પરંતુ હિંદુ રાષ્ટ્ર ઇચ્છી રહી છે.
તેમણે કહ્યું, "ત્યારે તેમણે વારંવાર કહ્યું હતું કે તમને આઝાદી મળી રહી નથી, અંગ્રેજોની ગુલામી પછી તમે લોકો હિંદુઓની ગુલામીમાં જઈ રહ્યા છો."
ઇમરાન ખાને કહ્યું, "હું ભારતને ખૂબ જ સારી રીતે ઓળખું છું. હું ઘણી વખત જતો હતો. ત્યાં મારા ઘણા મિત્રો છે, પરંતુ ત્યાં જે પ્રકારે આરએસએસ ભારતને લઈને જઈ રહ્યું છે. તેમાં કોઈને જગ્યા નથી."
પાકિસ્તાનમાં વસેલા શીખો વિશે
શીખ સંમેલનમાં તેમણે પાકિસ્તાનના શીખોને આશ્વાસન આપ્યું કે તે તેમને મલ્ટિપલ વિઝા અપાવવા માટે કામ કરશે અને આગળ પણ સરળતા ઊભી કરશે.
તેમણે કહ્યું, "તમારે ભારત જવું હોય, પરત ફરવું હોય તો તમારા માટે મલ્ટિપલ વિઝાની સુવિધા અમે કરીશું."
તેમણે કહ્યું કે જો મુસ્લિમ કોઈ પણ બીજા ધર્મના લોકોની સાથે અન્યાય કરે છે તો તે અમારા ધર્મના વિરોધમાં છે. જેટલાં પણ લઘુમતી સમુદાયમાં છે તે અમારા સમાન નાગરિક છે.
ઇમરાન ખાને કરતારપુર સાહિબ અને નનકાના સાહિબ શીખ તીર્થોનો ઉલ્લેખ પણ કર્યો છે.
તેમણે કહ્યું, "કરતારપુર તમારું મક્કા છે, નનકાના સાહેબ તમારું મદીના છે. તો અમે વિચારી પણ શકતા નથી કે તમને મક્કા અને મદીનાથી દૂર રાખીએ."
"કોઈ મુસ્લિમને કેટલી તકલીફ થાય જો તેને મક્કા-મદીના ન મોકલવામાં આવે. આથી તમારા ઉપર કોઈ અહેસાન કર્યું નથી. આ અમારી ફરજ હતી. અમે તમારા માટે સરળતા લાવીશું."
ભારત સાથે ચાલી રહેલો તણાવ અને યુદ્ધની આશંકાઓ પર તેમણે કહ્યું, "અમે બે પરમાણુ શક્તિઓ છીએ. જો અમારી વચ્ચે જો તણાવ વધે છે તો તેનાથી દુનિયા પર જોખમ છે."
"હું માત્ર કહી રહ્યો છું કે અમારા તરફથી ક્યારેય કોઈ પણ પ્રકારની પહેલ નહીં થાય."
જોકે પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ નિવેદન પર ચોખવટ કરતાં કહ્યું કે વિદેશી સમાચાર એજન્સીઓએ ઇમરાન ખાનના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે.
મંત્રાલયે કહ્યું, "બે પરમાણુ શક્તિઓ વચ્ચેના સંઘર્ષના સમયે પાકિસ્તાનના વલણ પર વડા પ્રધાનની ટિપ્પણીને સંદર્ભથી દૂર રાખીને સમજવામાં આવી છે."
"બે પરમાણુ શક્તિઓની વચ્ચે ક્યારેય સંઘર્ષ થવો જોઈએ નહીં. જોકે પાકિસ્તાનની પરમાણુ નીતિમાં કોઈ બદલાવ કરાયો નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો