You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
370 વિવાદ : પાકિસ્તાને બંધ કરી સમજૌતા એક્સપ્રેસ, ભારતીય ફિલ્મો પર પણ પ્રતિબંધ
પાકિસ્તાને લાહોરથી ભારતના અટારી વચ્ચે દોડતી સમજૌતા એક્સપ્રેસ કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશીદ અહમદે કહ્યું કે એમણે સમજૌતા એક્સપ્રેસ કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
એમણે કહ્યું કે જ્યાં સુધી હું રેલ્વેમંત્રી છું ત્યાં સુધી સમજૌતા એક્સપ્રેસ નહીં ચાલે.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ ભારતીય ફિલ્મો ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જીઓ અંગ્રેજીએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ખાસ સહાયક ડૉ. ફિરદૌસ આશિક ખાનને ટાંકીને કહ્યું કે પાકિસ્તાનમાં કોઈ ભારતીય ફિલ્મો સ્ક્રીન નહીં કરવામાં આવે.
આ પગલું ભારત તરફથી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની જોગવાઈઓને રદ કરાયા પછી લેવામાં આવ્યું છે.
સમજૌતા એક્સપ્રેસ અઠવાડિયામાં બે દિવસ ચાલે છે. આને 22 જુલાઈ 1976માં લાહોર સમજૂતી દરમિયાન શરૂ કરવામાં આવી હતી. એ વખતે તે લાહોરથી અમૃતસર દોડતી હતી.
1994થી તે અટારી અને લાહોર વચ્ચે દોડે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ તણાવ વધે ત્યારે તેનો ભોગ આ ટ્રેન અચૂક બને જ છે.
પુલવામાં હુમલા પછી પણ આ ટ્રેનની સેવાઓ રોકી દેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાને કલમ 370ની જોગવાઈઓ નાબૂદ થયા પછી અનેક પગલાંઓ લીધા છે.
પાકિસ્તાને લીધેલા નિર્ણયો
સમજૌતા એક્સપ્રેસ બંધ કરવાની વાત અગાઉ પાકિસ્તાન અનેક નિર્ણયો લઈ ચૂક્યું છે.
સમિતિનું કહેવું હતું કે કાશ્મીરમાં જે સ્થિતિ ઊભી થઈ, તે એકતરફી છે અને સરકારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે પગલાં ભર્યાં છે.
એઆરવાય નામની પાકિસ્તાનની ચેનલ સાથે વાત કરતા પાકિસ્તાનના વિદેશમંત્રી કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાન ખાતેના ભારતના રાજદૂતને પરત જવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાનના હાઈ કમિશનરને પણ પરત બોલાવી લેવાશે.
સમિતિ એ કેટલાંક પગલાંની જાહેરાત કરી હતી :
- ભારત સાથે ડિપ્લોમેટિક સંબંધ ઘટાડવા
- ભારત સાથે દ્વિપક્ષી વેપાર મોકૂફ કરવો
- સંયુક્ત રાષ્ટ્રમાં તથા તેની સુરક્ષા પરિષદમાં આ મુદ્દો ઉઠાવવો
- તા. 14મી ઑગસ્ટે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે બહાદુર કાશ્મીરીઓ સાથે સહાનુભૂતિ દેખાડવા માટે અને સ્વાયત્તતા માટેની તેમની લડતને ટેકો આપવા ઊજવવો તથા 15મી ઑગસ્ટને 'કાળા દિવસ' તરીકે મનાવવામાં આવશે.
ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિક પ્રયાસો દ્વારા કાશ્મીરમાં ભારતની વંશભેદી સરકાર દ્વારા કરવામાં આવતાં માનવાધિકારભંગને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લો પાડવો.
આ સિવાય પાકિસ્તાનનાં સશસ્ત્રબળોને સતર્ક રહેવાં સૂચના આપવામાં આવી છે.
રાજદ્રારી સંબંધ ખતમ થવાનો વિવાદ
ભારતે પાકિસ્તાનને અપીલ કરી છે કે તે નવી દિલ્હી સાથે રાજકીય સંબંધો સીમિત કરવાના અને વેપાર બંધ કરવાના પોતાના નિર્ણય વિશે ફેરવિચારણા કરે. જોકે, આની સામે પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશીએ કહ્યું કે જો ભારત કાશ્મીર અંગે લીધેલાં પગલાંઓ પર ફેરવિચારણા કરશે તો પાકિસ્તાન તેનાં નિર્ણય અંગે ફરી વિચારશે.
જોકે, ભારતે કહ્યું છે કે પાકિસ્તાને પોતાના અ પગલાંઓ પાછળ જે કારણ આપ્યું છે તે જમીની હકીકતોથી વિરુદ્ધ છે.
ગુરૂવારે આના પર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાને લીધેલા નિર્ણયો પર ભારત સરકાર ખેદ વ્યક્ત કરે છે. અમે પાકિસ્તાનને એ નિર્ણયો પર ફેરવિચારણા કરવાની વિનંતી કરીએ છીએ, જેથી કૂટનૈતિક સંપર્કનો સામાન્ય રીતે જળવાઈ રહે.
ભારત સરકારે કહ્યું કે કલમ 370 અંગે જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને નકારાત્મક રીતે ન જોવો જોઈએ.
વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય સંસદ અને સરકારનો તાજો નિર્ણય જમ્મુ અને કાશ્મીરમાં વિકાસની તકો વધારવાની પ્રતિબદ્ધતાથી લેવામાં આવ્યો છે.
ભારત સરકારે પાકિસ્તાન વિકાસના આવા પ્રયાસોને નકારાત્મક રીત જુએ છે તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કહ્યું કે પાકિસ્તાને લાગણીઓનો ઉપયોગ સરહદ પરના ઉગ્રવાદને ન્યાયી ઠેરવવા માટે જ કર્યો છે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે કલમ 370 વિશે લેવામાં આવેલો નિર્ણય ભારતનો આંતરિક મામલો છે અને ભારતનું બંધારણ હંમેશા સાર્વભૌમત્વનો મામલો છે અને રહેશે.
ભારતે કહ્યું છે કે ડર ફેલાવીને આમા દખલ દેવાની કોશિશો કામયાબ નહીં થાય.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં સુરક્ષા સમિતિની બેઠક મળી, જેમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા.
કાશ્મીરમાં સ્થિતિ
કાશ્મીરમાં સંચારબંધી તથા કર્ફ્યુની વચ્ચે પથ્થરમારા અને હિંસાની અમુક ઘટનાઓ નોંધાઈ છે.
જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય કાશ્મીરના ભાગલાવાદી નેતાઓ પણ જેલમાં બંધ છે.
સંચારબંધીને કારણે અન્ય રાજ્યોમાં વસતાં કાશ્મીરીઓ વતનમાં તેમના પરિવારનો સંપર્ક નથી કરી શકતા.
1947થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે સંઘર્ષ પ્રવર્તી રહ્યો છે. ભારત પ્રશાસિત કાશ્મીરમાં છેલ્લા ત્રણ દાયકાથી સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં 40 હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
ભારતનો આરોપ છે કે આ હિંસા પાછળ પાકિસ્તાન જવાબદાર છે, જ્યારે પાકિસ્તાન તેને કાશ્મીરીઓની સ્વતંત્રતા માટેની ચળવળ તરીકે જણાવે છે.
સોમવાર તથા મંગળવારે રાજ્યસભા તથા લોકસભામાં કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370ને સમાપ્ત કરી દેવાયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો