You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાનમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ક્રૅશ, ત્રણ લોકોનાં મોત
રાજસ્થાનના હનુમાનગઢમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે.
ભારતીય વાયુસેના અનુસાર, ક્રૅશ થતા પહેલાં જ પાઇલટ સુરક્ષિત બહાર નીકળી ગયા હતા.
વિમાન ઘર પર પડ્યું હતું, જ્યાં આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં છે. દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે જમા થઈ ગયા છે.
હનુમાનગઢ જિલ્લાના પોલીસ અધીક્ષક (એસપી) સુધીર ચૌધરીએ ફોન પર બીબીસીને કહ્યું કે પ્લેન ક્રૅશમાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને ત્રણ લોકો ઘાયલ છે. પાઇલટ સુરક્ષિત છે.
પેરુમાં સોનાની ખાણમાં લાગી આગ, 27 લોકોનાં મોત
પેરુમાં જમીનથી લગભગ 100 મીટર ઊંડે આવેલી સોનાની ખાણમાં આગ લાગવાના કારણે ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયાં છે.
સમાચાર એજન્સી એપી અનુસાર, ખનન કંપની યાનાક્કિહુઆએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "આ દુર્ઘટના શુક્રવારે મોડી રાત્રે કે શનિવારે વહેલી સવારે ઘટી હતી, જેમાં કુલ 175 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે."
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "મૃત્યુ પામનારા 27 લોકો એક કૉન્ટ્રેક્ટર માટે કામ કરતા હતા, જે ખનનનું કામ કરે છે."
સરકારી અધિકારીઓનું કહેવું છે કે, "ઘટનાની તપાસ ચાલુ છે. સાથે કેટલાક મીડિયા રિપોર્ટસ અનુસાર, દક્ષિણ અમેરિકાના અરેક્કિપા વિસ્તારની ખાણમાં શૉર્ટસર્કિટના કારણે આગ લાગી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે, "ખાણ નજીક 90 મિનિટના અંતરે પોલીસસ્ટેશન આવેલું છે. એટલું જ નહીં ખાણથી કેટલાક કિલોમીટર દૂર એક શહેર પણ આવેલું છે. એ જ કારણથી તાત્કાલિક બચાવ અભિયાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે."
પેરુ દુનિયાના સૌથી મોટા સોનાના ઉત્પાદકોમાંથી એક છે, જે દરવર્ષે 100 ટનથી વધુ સોનાનું ઉત્પાદન કરે છે. આ દુનિયાના વાર્ષિક ઉત્પાદનના ચાર ટકા છે.
કેરળ: મલપ્પુરમમાં બોટ પલટી જતાં 21 લોકોનાં મોત
કેરળના મલપ્પુરમ જિલ્લામાં એક બોટ પલટી જવાથી 21 લોકોનાં મોત થયા છે.
આ ઘટના રવિવારે સાંજે ઘટી હતી. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા એનડીઆરએફના અધિકારી શિજૂ કેકેએ કહ્યું કે, અત્યાર સુધી તેમણે 21 મૃતદેહ બહાર કાઢ્યા છે.
તેઓએ કહ્યું છે કે, "બોટ પર કેટલા લોકો સવાર હતા, તેનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી, તેથી અમે સતત એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કાદવમાં ફસાયેલા વધુ પીડિતો છે કે કેમ?"
કેરળના આરોગ્યમંત્રી વીના જ્યોર્જે સ્થિતિનું મૂલ્યાંકન કરવા મોડી રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર કરવા સૂચના આપી છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સોમવારે સવારે 6 વાગ્યાથી મૃતકોનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવશે.
કેરળના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયને આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે.
તેમણે ટ્વીટ કર્યું છે કે, "મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી ખૂબ દુખી છું, જિલ્લા વહીવટીતંત્રને બચાવકાર્ય ઝડપી બનાવવા માટે સૂચના આપવામાં આવી છે, જેની દેખરેખ ઘણા કૅબિનેટ મંત્રીઓ દ્વારા કરવામાં આવી રહી છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે દુખ વ્યક્ત કરતા વળતરની ઘોષણા કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે કે, "પ્રભાવિત પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે અને પીએમએનઆરએફ તરફથી પ્રભાવિત પરિવારોને બે લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો