ભારતમાં કોરોનાએ ફરી વધારી ચિંતા, 24 કલાકમાં 5 હજારથી વધુ કેસ

પ્રકાશિત

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 5 હજાર 335 નવા કોવિડ કેસ નોંધાયા છે.

દેશમાં હવે કોરોનાના ઍક્ટિવ કેસ વધીને 25 હજાર 587 સુધી પહોંચી ગયા છે.

આ પહેલા બુધવારે દેશભરમાં કોરોનાના 4,435 કેસ નોંધાયા હતા, જે 25 સપ્ટેમ્બર 2022 બાદના સૌથી વધારે કેસ હતા.

કેરળમાં સૌથી વધુ (8,229) ઍક્ટિવ કેસ નોંધાયા છે. ત્યારબાદ બીજા નંબરે મહારાષ્ટ્રમાં કોરોનાના 3,874 દરદી સારવાર હેઠળ છે. સત્તાવાર આંકડા પ્રમાણે, એક દિવસમાં કોરોનાથી 6 લોકોનાં મોત પણ થયાં છે. આ દરમિયાન કુલ 2,826 કોરોનાના દરદી સ્વસ્થ થયા છે.

આ પહેલાં બુધવારે પૂરા થતાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં ચાર મૃત્યુ નોંધાયાં હતાં. જ્યારે ગુજરાત, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, પોન્ડીચેરી અને રાજસ્થાનમાં એક-એક મૃત્યુ નોંધાયું હતું.

એનસીઈઆરટીના ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી કેટલોક ભાગ હઠાવવા અંગેના વિવાદ વચ્ચે હૈદરાબાદથી એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.

ઓવૈસીએ કહ્યું છે કે, "ભાજપ નફરત ફેલાવી રહ્યો છે, જો મુગલોને કાઢી મુકાશે તો શું બચશે?"

સમાચાર એજન્સી એએનઆઈને આપેલા નિવેદનમાં ઓવૈસીએ કહ્યું કે, "એનસીઈઆરટીએ જે વસ્તુ ચેપ્ટરમાંથી કાઢી નાખી છે તેનાથી અમને વાંધો છે. તમે તે કાઢી રહ્યા છો કે ગોડસેએ ગાંધીને એ માટે માર્યા કારણ કે તેઓ હિન્દુ-મુસ્લિમ એકતાના પક્ષધર હતા."

"આરએસએસ પર પ્રતિબંધ લાગ્યો એ તમે કાઢી રહ્યા છો. દલિત લેખકો વિશે તમે કાઢી નાખ્યું, લોકતંત્ર વિશે જે કંઈ પણ હતું તે પણ તમે કાઢી નાખ્યું."

ઓવૈસીએ સવાલ કર્યો કે,"આ દેશમાં ભાજપ શું કરવા માગે છે, ગુજરાતનાં રમખાણો પણ કાઢી નાખ્યાં. ભાજપ શું શીખવાડવા માગે છે?"

ભારતમાં રામનવમીએ થયેલી હિંસા વિશે પાકિસ્તાન શું બોલ્યું?

ભારતમાં રામનવમીના દિવસે થયેલી હિંસાને લઈને હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ નિવેદન જારી કર્યું છે. પાકિસ્તાને કહ્યું છે કે તે ભારતમાં મુસલમાનો વિરુદ્ધ વધતી હિંસાના કારણે ચિંતિત છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપેલા નિવેદનમાં કહ્યું છે કે આ વખતે રામનવમી પર ભારતનાં આઠ રાજ્યોમાં રેલી દરમિયાન મુસ્લિમવિરોધી ઘટનાઓ ઘટી છે.

પાકિસ્તાને કહ્યું છે કે આ દરમિયાન કેટલીક મસ્જિદો અને મુસલમાનો સાથે જોડાયેલી ઇમારતો પર હુમલો કરવામાં આવ્યો છે. બિહારના નાલંદા જિલ્લામાં એક મદરેસાને બાળી નાખવામાં આવી છે, જેના કારણે કુરાન સહિત લગભગ 4500 પુસ્તકો બળીને ખાખ થઈ ગયાં છે.

પાકિસ્તાને કહ્યું કે, ઇસ્લામોફોબિયા અને આ પ્રકારની ઘટના ભારતીય રાજનીતિના હિન્દુત્વ ઍજન્ડા અને ઇસ્લામવિરોધી નિવેદનનું પરિણામ છે.

સુકેશ ચંદ્રશેખર, જૅક્લિન ફર્નાન્ડિઝના 200 કરોડ રૂપિયાના હવાલા કેસમાં આજે ચાર્જશીટ

રૂ. 200 કરોડના હવાલા કૌભાંડમાં ઍન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પકડવામાં આવેલા સુકેશ ચંદ્રશેખરના ખંડણી કેસમાં 6 એપ્રિલના રોજ ચાર્જશીટ દાખલ થશે.

આ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જૅક્લિન ફર્નાન્ડિઝ પણ આરોપી છે.

બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતીએ જણાવ્યા પ્રમાણે આવતીકાલે ઈડી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપી સુકેશ ચંદ્રશેખર સામેના 200 કરોડ રૂપિયાના મની લૉન્ડરિંગ કેસમાં પ્રાથમિક ચાર્જશીટ દાખલ કરશે.

બોલિવૂડ અભિનેત્રી જૅક્લિન ફર્નાન્ડિઝ કોર્ટમાં હાજર રહેશે.

આ કેસમાં અભિનેત્રી પર છેતરપિંડીના આરોપ છે. સ્પેશ્યલ જજ શૈલેન્દ્ર મલિને આ કેસની સુનાવણીની તારીખ 18મી એપ્રિલ નક્કી કરી છે.

ઉપરાંત અભિનેત્રી જૅક્લિનના વકીલ બીબીસીને જણાવ્યું હતું કે, "કોર્ટે ઈડીને વૉટ્સઍપ ચેટના ફોરેન્સિક રિપોર્ટ જૅક્લિનને પૂરા પાડવા કહ્યું છે. આ ચેટ જૅક્લિન અને અન્ય મહિલા વચ્ચે થઈ હતી જે પુરવાર કરે છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે."

37 વર્ષીય જૅક્લિન બોલીવૂડનાં જાણીતા અભિનેત્રી છે અને શ્રીલંકન નાગરિક છે. તેમને કેસમાં ગયા વર્ષે 15 નવેમ્બરે જામીન મળ્યા હતા.

કોર્ટમાં ઈડીએ કહ્યું હતું કે, "તેમના (ઈડીના) અધિકારીઓને સમગ્ર જીવનમાં કદી 50 લાખ રૂપિયા રોકડા નથી જોવા મળતા અને અભિનેત્રીએ 7.14 કરોડ મોજશોખ માટે વાપરી નાખ્યા છે."

ઈડીની ચાર્જશીટની કૉપી બીબીસી પાસે ઉપલબ્ધ છે જેમાં જૅક્લિનનું નામ આરોપી નંબર 10 તરીકે દર્શાવવામાં આવ્યું છે.

અભિનેત્રીના વકીલ પ્રશાંત પાટીલે બીબીસીને જણાવ્યું હતું કે, તેમનાં અસીલે કંઈ ખોટું નથી કર્યું અને તેઓ નિર્દોષ છે.

ઇઝરાયલ : અલ-અક્સા મસ્જિદમાં પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલી પોલીસ વચ્ચે ઝડપ

જેરસલેમની અલ-અક્સા મસ્જિદમાં પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.

પોલીસનું કહેવું છે કે આતશબાજી, લાકડી અને પથ્થરોથી સજ્જ પ્રદર્શનકારીઓએ પોતાની જાતને અલ-અક્સા મસ્જિદમાં બંધ કરી લીધી હતી, જે બાદ તેણે સવારે દરોડા પાડ્યા હતા.

પેલેસ્ટાઇનવાસીઓનું કહેવું છે કે ઇઝરાયલી પોલીસે કરેલા બળપ્રયોગમાં 14 લોકો ઘાયલ થયા છે. ઘટના વખતે ઇઝરાયલી પોલીસે પેલેસ્ટાઇનવાસીને વિખેરવા માટે સ્ટન ગ્રૅનેડ અને રબર બુલેટનો ઉપોયગ કર્યો હતો.

એ બાદ ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલ તરફ ઓછાંમાં ઓછાં નવ રૉકેટો છોડવામાં આવ્યાં હતાં. ઇઝરાયલી સૈન્યે જણાવ્યું હતું કે પાંચ રૉકેટોને રસ્તામાં જ નષ્ટ કરી દેવાયાં, જ્યારે બાકીનાં ચાર રૉકેટોને ખુલ્લી જગ્યામાં જમીનદોસ્ત કરમાં આવ્યાં હતાં.

હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ સંગઠને નથી લીધી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે ચરમપંથી સંગઠન 'હમાસ'ને આ હુમલાની સહમતી હાંસલ હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો