You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિવાહિત હોય કે અવિવાહિત, તમામ મહિલાઓને સુરક્ષિત ગર્ભપાત કરાવવાનો અધિકાર : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમામ મહિલાઓને સુરક્ષિત અને કાયદેસર ગર્ભપાતનો અધિકાર છે.
બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતીના જણાવ્યા પ્રમાણે, કોર્ટે કહ્યું કે મેડિકલ ટર્મિનેશન પ્રૅગનન્સી અંતર્ગત 24 અઠવાડિયા સુધીની ગર્ભાવસ્થામાં અપરિણીત મહિલા ગર્ભપાત કરાવી શકે છે.
કોર્ટે અપરિણીત મહિલાઓના ગર્ભપાત અંગેના એક કેસમાં ચુકાદો આપતાં આ વાત કહી હતી.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે આ કેસની સુનાવણી દરમિયાન કહ્યું, "જેમ-જેમ સમાજ બદલાય છે, તેમ-તેમ સમાજના નિયમો પણ બદલાય છે, તેથી કાયદા યથાવત્ રહેવા ન જોઈએ."
"દેખીતી રીતે આ અધિકાર લગ્નમાં આપવામાં આવે છે. તેને બદલવો પડશે. હવે સમાજના રિતી-રિવાજોને બદલવા વિશે વિચારવું જોઈએ."
"જેથી બિનપરંપરાગત પરિવાર પણ કાયદાની સુવિધાનો લાભ લઈ શકે."
"અસુરક્ષિત ગર્ભપાતને રોકી શકાય છે. માનસિક સ્વાસ્થ્ય વિશે આપણી સમજ પર વધુ વિચાર કરવો પડશે. ગર્ભવતી મહિલાના પરિવેશનું ધ્યાન રાખવું જોઈએ. પરિણીત મહિલાઓ પણ પતિ દ્વારા જબરદસ્તી અને બળાત્કારનો શિકાર બની શકે છે."
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, "કોઈ પણ મહિલા પતિ દ્વારા સહમતી વગર કરાયેલા સેક્સથી ગર્ભ ધારણ કરી શકે છે. લગ્ન કોઈને મળનારા અધિકારોનો આધાર ન હોવાં જોઈએ. જો કોઈ મહિલા પરિણીત નથી તો તેમનો ગર્ભપાત કરવાનો અધિકાર ખતમ થઈ જતો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમટીપી એક્ટ પર કોર્ટે શું કહ્યું?
કોર્ટે પોતાના આ મહત્ત્વના આ ચુકાદામાં કહ્યું, "જો રાજ્ય કોઈ મહિલાના અનિચ્છનીય ગર્ભને તેના પૂરા સમય સુધી રાખવા મજબૂર કરે તો આ તેની ગરિમાનું અપમાન કરે છે."
એમટીપી એક્ટની જોગવાઈઓ અનુસાર વિવાહિત મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન 24 અઠવાડિયાં સુધી ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવી છે, બળાત્કાર પીડિતા, વિશેષ રૂપથી સક્ષમ અને સગીર યુવતીઓને વિશેષ શ્રેણીમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવી છે.
કાયદા મુજબ જેમણે સહમતિથી સંબંધ બનાવ્યા છે અથવા બનાવ્યા હતા તે અવિવાહિત અને વિધવા ગર્ભાવસ્થાના 20 અઠવાડિયાં સુધી જ ગર્ભપાત કરાવી શકે છે.
કોર્ટે એમટીપી એક્ટની વ્યખ્યા પર ચુકાદો સંભળાવતા કહ્યું કે ભલે મહિલા વિવાહિત હોય કે અવિવાહિત, તેઓ ગર્ભાવસ્થાના 24 અઠવાડિયાં સુધી ગર્ભપાત કરાવી શકે છે.
કોર્ટે 23 ઑગસ્ટના રોજ એમટીપી એક્ટની જોગવાઈઓ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. જેમાં વિવાહિત અને અવિવાહિત મહિલાઓના ગર્ભપાત કરાવવાને લઈને અલગ-અલગ જોગવાઈઓ હતી.
ભારતમાં શું છે કાયદો?
- ભારતમાં ગયા વર્ષે ગર્ભપાતના કાયદામાં સંશોધન કરવામાં આવ્યું. ત્યાર બાદ ગર્ભપાત માટે માન્ય મુદ્દત 20 સપ્તાહથી વધારીને 24 સપ્તાહ કરવામાં આવી હતી.
- સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલય અનુસાર 16 માર્ચ 2021ના રોજ ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રૅગનન્સી (સંશોધિત) બિલ 2020ને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું હતું.
- બિલમાં કહેવામાં આવ્યું છે કે ગર્ભપાત માટે માન્ય મુદ્દત વિશેષ પ્રકારની મહિલાઓ માટે વધારવામાં આવી હતી, જેને એમટીપી નિયમોમાં સંશોધન દ્વારા નક્કી કરવામાં આવશે અને તેમાં દુષ્કર્મ પીડિત, સગાં-સંબંધીઓ દ્વારા યૌનસંબંધોથી પીડિત અને અન્ય અસુરક્ષિત મહિલાઓ (વિકલાંગ તેમજ સગીર) પણ સામેલ હશે.
- આ પહેલાં ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનન્સી ઍક્ટ, 1971 લાગુ હતો. જેમાં સુધારા કરવામાં આવ્યા છે.
- તે ઍક્ટમાં જોગવાઈ હતી કે જો કોઈ મહિલાને 12 સપ્તાહનો ગર્ભ છે, તો તે એક ડૉક્ટરની સલાહ પર ગર્ભપાત કરાવી શકે છે. જ્યારે 12થી 20 સપ્તાહ દરમિયાન બે ડૉક્ટરની સલાહ અનિવાર્ય હતી અને 20થી 24 સપ્તાહ દરમિયાન મહિલાને ગર્ભપાતની અનુમતિ નહોતી.
- પરંતુ સંશોધિત બિલમાં 12 અને 12થી 20 સપ્તાહ દરમિયાન એક ડૉક્ટરની સલાહ અનિવાર્ય ગણાવવામાં આવી છે.
- આ સિવાય જો ભ્રૂણ 20થી 24 સપ્તાહનું હોય તો નક્કી કરાયેલી શ્રેણીની મહિલાઓને બે ડૉક્ટરની સલાહ લેવી પડશે અને જો ભ્રૂણ 24 સપ્તાહથી વધુ સમયથી હોય તો મેડિકલ સલાહ બાદ જ મંજૂરી આપવામાં આવશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો