You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુપીએના શાસનકાળ દરમિયાન ભારતમાં આર્થિક ગતિવિધિઓ 'અવરોધિત' થઈ હતી : નારાયણ મૂર્તિ
આઈટી કંપની ઇન્ફોસિસના સહસ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ અફસોસ વ્યક્ત કર્યો છે કે કૉંગ્રેસની આગેવાની હેઠળના UPA શાસનમાં ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓ 'અવરોધાઈ હતી' અને મનમોહનસિંહ સરકારે નિર્ણય લેવામાં વિલંબ કર્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, નારાયણ મૂર્તિએ શુક્રવારે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટમાં યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી. નારાયણ મૂર્તિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુવાનો ભારતને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનની હરીફ બનાવી શકે છે.
તેઓ ભારતના ભવિષ્યને કેવી રીતે જુએ છે, તેના પર નારાયણ મૂર્તિએ કહ્યું, "હું 2008થી 2012 દરમિયાન લંડનમાં એચએસબીસીના બોર્ડમાં હતો. શરૂઆતનાં થોડાં વર્ષોમાં, જ્યારે બોર્ડરૂમ મીટિંગ્સ દરમિયાન ચીનનો ઉલ્લેખ બે-ત્રણ વાર કરવામાં આવતો હતો જ્યારે ભારતનું નામ એક વખત લેવામાં આવતું હતું.
"પરંતુ દુર્ભાગ્યે, મને ખબર નથી કે પછીના વર્ષોમાં ભારતનું શું થયું. મનમોહનસિંહ અસાધારણ વ્યક્તિ હતા અને મને તેમના માટે ખૂબ જ માન હતું. જોકે યુપીએના સમયમાં ભારતનો વિકાસ અવરોધિત થયો હતો. નિર્ણયો લેવામાં આવતા નહોતા અને બધા કામમાં વિલંબ થતો હતો."
નારાયણ મૂર્તિએ કહ્યું કે જ્યારે તેમણે 2012માં એચએસબીસી છોડ્યું, ત્યારે મીટિંગમાં ભારતનો ભાગ્યે જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે ચીનનું નામ લગભગ 30 વખત લેવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું, "તેથી મને લાગે છે કે તમારી પેઢીની જવાબદારી છે કે લોકો જ્યા અન્ય દેશોનો ઉલ્લેખ થાય તે દરેક જગ્યાએ ભારતનું નામ લે. મને લાગે છે કે તમે તે કરી શકો છો."
ઇન્ફોસિસના પૂર્વ ચેરમેને કહ્યું કે એક સમય હતો જ્યારે પશ્ચિમી દેશોના લોકોમાં આજે આપણા પ્રત્યે સન્માનની ભાવના છે. ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
તેમણે કહ્યું, "જ્યારે મનમોહનસિંહ નાણામંત્રી હતા અને વર્ષ 1991માં આર્થિક સુધારાઓ શરૂ થયા હતા અને વર્તમાન ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી યોજનાઓ શરૂ કરી તેનાથી ભારતની શાખમાં વધારો થયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જ્યારે હું તમારી ઉંમરનો હતો ત્યારે કોઈ જવાબદારી ન હતી કારણ કે કોઈને મારી પાસેથી કે ભારત પાસેથી કંઈ પણ અપેક્ષા નહોતી. પરંતુ આજે એવી અપેક્ષા છે કે તમે દેશને આગળ લઈ જશો. મને લાગે છે કે તમે લોકો ભારતને ચીનના યોગ્ય હરીફ બનાવી શકો છો."
તેમણે કહ્યું કે ચીને માત્ર 44 વર્ષમાં ભારતને પાછળ છોડી દીધું છે.
ઑસ્ટ્રેલિયા સામેની ભારતની જીતના હીરો રોહિત શર્માએ ત્રણ છગ્ગા ફટકારી બનાવ્યો આ રેકર્ડ
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાયેલી બીજી ટી-20 મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું.
વરસાદના કારણે મૅચ આઠ-આઠ ઓવરની રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 90 રન બનાવ્યા હતા. મેથ્યુ વેડે સૌથી વધુ 43 અને એરોન ફિન્ચે 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે બે અને યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ લીધી હતી.
જવાબમાં રોહિત શર્માની શાનદાર ઇનિંગની મદદથી ભારતે આઠમી ઓવરમાં જીત મેળવી હતી. શર્માએ અણનમ 46 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલી 11, કેએલ રાહુલ 10 અને હાર્દિક પંડ્યા માત્ર 9 રન બનાવી શક્યા હતા. દિનેશ કાર્તિક 10 રન બનાવી અણનમ રહ્યા હતા.
રોહિત શર્મા મૅચની પ્રથમ ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારીને ટી-20માં સૌથી વધુ સિક્સર મારનાર બૅટ્સમૅન બની ગયા છે. તેમણે ન્યૂઝીલૅન્ડના માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડી દીધા છે, જેણે 172 છગ્ગા ફટકાર્યા છે.
રોજર ફેડરર છેલ્લી મૅચમાં રડી પડ્યા
વર્ષો સુધી પ્રતિસ્પર્ધી રહેલા ખેલાડી સામેના ખેલાડીની નિવૃત્તિ પર રડી પડે, એવું ભાગ્યે જ જોવા મળે છે. શુક્રવારે રાત્રે આવી ભાવુક પળ જોવા મળી હતી, ટેનિસના સુપરસ્ટાર રોજર ફેડરરે પોતાની છેલ્લી મૅચ પૂર્ણ કરી ત્યારે વર્ષો સુધી તેમના હરીફ રહેલા રફાલ નડાલ રડી પડ્યા હતા.
ફેડરરે 15 સપ્ટેમ્બરે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને કહ્યું હતું કે લેવરકપ તેમની છેલ્લી ટુર્નામેન્ટ હશે. ફેડરર પોતાની છેલ્લી મૅચ ડબલ્સમાં રફાલ નડાલની સાથે રમવા ઊતર્યા હતા.
ટીમ યુરોપ વતી રમી રહેલી રૉઝર ફેડરર અને રફાલ નડાલની જોડી ટીમ અમેરિકાના ફ્રાન્સેસ ટિયાફો અને જેક સૉક સામે 4-6, 7-6 અને 11-9થી હારી હતી. આ હારની સાથે ફેડરરની 24 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો.
મૅચ પૂર્ણ થયા પછી ફેડરર રડી પડ્યા હતા. 20 વખત ગ્રાન્ડ સ્લૅમ જીતેલા રૉઝર ફેડરરે ટેનિસમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
ફેડરરનું છેલ્લું ભાષણ
ફેડરરે પોતાના ટેનિસ કૅરિયરના છેલ્લા દિવસે કહ્યું, 'ક્યાંકને ક્યાંક આપણે સૌ આ સમયમાંથી પસાર થઈએ છીએ."
"આ શાનદાર દિવસ હતો, હું ખુશ છું. દુ:ખી નથી. અહીં હોવું ગર્વની વાત છે. હું છેલ્લી વખત મારા બૂટની દોરી બાંધીને ખુશ છું, અહીં મારા માટે તમામ વસ્તુ છેલ્લી વખત હતી.'
તેમણે વધુમાં કહ્યું, "મેં તણાવ નથી લીધો. જોકે મને અહેસાસ હતો કે કંઈક થવાનું છે. પરંતુ મૅચ શાનદાર રહી. રફાલની સાથે રમવું અને તમામ શાનદાર લોકો અને દિગ્ગજોનું અહીં હોવું, એ મોટી વાત છે. તમામનો આભાર."
ફેડરરે પોતાનાં પત્નીના સપોર્ટ વિશે કહ્યું, 'તે મને ખૂબ પહેલાં રોકી શકતી હતી. ઘણા સમય પહેલાં પરંતુ તેણે મને ન રોક્યો. તેણે મને આગળ વધવા દીધો અને રમવા દીધો. આ અદ્દભુત છે, આભાર.'
ગુજરાત સરકારે કર્મચારીઓના પગારમાં વધારો કર્યો પરંતુ પેન્શન યોજના મુદ્દે મૌન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારે શિક્ષકો, આરોગ્યકર્મચારીઓ, વનરક્ષકો, મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ, સચિવાલયના કારકૂનો અને ગ્રામ્ય કમ્પ્યૂટર સાહસિકોના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ગયા મહિને, રાજ્ય સરકારે કર્મચારીઓનાં યુનિયનો સાથે વાત કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી અને વાટાઘાટો પછી તેમણે આ પગારવધારાની જાહેરાત કરી હતી.
સમાચારપત્ર ધ હિન્દુ અનુસાર, ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે પગારવધારાની જાહેરાત કર્યા પછી પણ ગુજરાત આરોગ્યવિભાગના 1,500થી વધુ કર્મચારીઓએ ગાંધીનગરમાં રાજ્ય સચિવાલયની બહાર વિરોધપ્રદર્શન કર્યું હતું.
રાજ્ય સરકારે શરૂઆતમાં કર્મચારીઓને આંદોલન પાછું ખેંચવાની કડક ચેતવણી આપી હતી, પરંતુ તેમની બે માગણીઓ સ્વીકારી હતી.
જેમાં પગારના ગ્રેડમાં ફેરફાર કર્યા વિના દર મહિને પગારમાં 4,000 રૂપિયાનો વધારો અને ગત વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન કામના દિવસોમાં 130 દિવસની કોવિડ -19 ડ્યૂટી પે આપવાનો નિર્ણય લીધો હતો.
જોકે, કર્મચારીઓ તેમના પગારના ગ્રેડમાં વધારો અને જૂની પેન્શન યોજનાને પાછી લાવવાની માગ પર અડગ છે.
ગુજરાત સરકારે આ માગણી સ્વીકારી નથી પરંતુ પગારના ગ્રેડમાં સુધારો કરવાની અને વિવિધ ભથ્થાંમાં વધારો કરવાની માગણીઓ પર ધ્યાન આપવામાં આવશે તેવી બાંયધરી આપી છે.
"ગુજરાતની ચૂંટણીમાં AAP લડે તેનાથી લોકોને ફાયદો, ભાજપને નહીં" - મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ શુક્રવારે પાટણ ખાતે રેલીમાં કહ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લડી રહી છે, તેનો ફાયદો ગુજરાતની જનતાને થશે, સત્તાધારી ભાજપને નહીં.
ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એવો દાવો કર્યો હતો કે ગુજરાતમાં ચૂંટણીમેદાનમાં AAPની હાજરી માત્ર ભાજપને બહુમતી મેળવવામાં મદદ કરશે. તેના પર પ્રતિક્રિયા આપતા મનીષ સિસોદિયાએ આ વાત કરી હતી.
સિસોદિયાએ ઉત્તર ગુજરાતમાં તેમના છ દિવસીય પ્રચાર પ્રવાસના ત્રીજા દિવસે પાટણ ખાતે રેલીને સંબોધી હતી.
આઉટલૂક અનુસાર મનીષ સિસોદિયાએ કહ્યું હતું ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે "ગુજરાતની સરકારી શાળાઓમાં કમ્પ્યૂટર શિક્ષકની કોઈ જગ્યા નથી અને જો તમે તમારાં બાળકોને કમ્પ્યૂટર શીખવી શકતા નથી, તો પછી તમે શું શીખવો છો? જો તમારી પાસે 21મી સદીમાં કમ્પ્યૂટર શિક્ષકોની પોસ્ટ ન હોય, તો આવી સરકારને શરમ આવવી જોઈએ."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો