છત્તીસગઢ કૉંગ્રેસમાં ઘમસાણ, ભાજપ નેતાઓ ખેંચી જશે તેવો ડર - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત

છત્તીસગઢ કૉંગ્રેસમાં મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને વરિષ્ઠ મંત્રી ટીએસ સિંહદેવ વચ્ચે પરિસ્થિતિ હજી પણ વણસેલી છે. પાર્ટીનો આ આંતરિક ઝઘડો દિલ્હી સુધી પહોંચી ગયો છે અને બંને નેતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને મળવા માગે છે.

ટીએસ સિંહદેવે 16 જુલાઈએ પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, તેમણે પોતાના અન્ય વિભાગોને યથાવત રાખ્યા હતા.

ત્યાર બાદ પાર્ટીના નેતાઓને ભાજપ દ્વારા ધ્રુવીકરણ થવાનો ડર હતો. વિધાનસભાનું મૉનસૂન સત્ર શરૂ થતાં જ ભાજપે બઘેલ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી.

આ વચ્ચે બંને નેતાઓ દિલ્હીમાં હાજર હતા અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ બંનેમાંથી કોઈ સોનિયા તેમજ રાહુલ ગાંધીને મળી શક્યા ન હતા.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, મુખ્ય મંત્રી બઘેલે રવિવારે કહ્યું હતું કે દિલ્હી મુલાકાત દરમિયાન તેમની પાર્ટીના નેતૃત્વ સાથે મુલાકાત થઈ શકી નહોતી પરંતુ તેમણે આગામી ચૂંટણીની રણનીતિને લઈને હિમાચલ પ્રદેશના પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. વિધાનસભા સત્ર બાદ તેઓ પાછા દિલ્હી જઈ શકે છે.

મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહદેવ વચ્ચે ઘર્ષણ 2021થી ચાલી રહ્યું છે. જ્યારે બઘેલના મુખ્ય મંત્રી તરીકે અઢી વર્ષ પૂર્ણ થયા હતા. છત્તીસગઢમાં અઢી-અઢી વર્ષ માટે મુખ્ય મંત્રીનો ફૉર્મ્યૂલા લાગુ ન થયા બાદ રાજીનામાને ટીએસ સિંહદેવની નારાજગી સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે.

બિહારમાં મકાનમાં બ્લાસ્ટથી છ લોકોનાં મૃત્યુ

બિહારના સારણ જિલ્લામાં રવિવારે એક વિસ્ફોટથી મકાન ધરાશાયી થયું હતું. જિલ્લા પોલીસ અધીક્ષક સંતોષ કુમારે આ દુર્ઘટનામાં છ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે પોલીસ વિસ્ફોટની તપાસ કરી રહી છે. બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ અને ફૉરેન્સિકની ટીમ પણ ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચી હતી.

આ વચ્ચે ઇજાગ્રસ્તોને છપરાના સદર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પોલીસ મુજબ વિસ્ફોટ રિયાઝ મિયાં નામના એક યુવકના ઘરમાં થયો છે. આ યુવક ખુદાઈબાગનો રહેવાસી હતો, જે ખૈરા પોલીસસ્ટેશનની હદમાં આવતું હતું.

મંકીપૉક્સ: અત્યાર સુધી 70થી વધુ દેશોમાં સંક્રમણના 16 હજારથી વધુ કેસ, પાંચના મૃત્યુ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિદેશક ટૅડ્રોસ એડહૉનમ ગૅબ્રિયેસિસે કહ્યું કે 70થી વધુ દેશોમાં મંકીપૉક્સ વાઇરસ સંક્રમણના અંદાજે 16 હજાર કેસ દાખલ થયા છે. અત્યાર સુધી તેનાંથી પાંચ લોકોના મૃત્યુ થઈ ચૂક્યાં છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મંકીપૉક્સને ગ્લોબલ હૅલ્થ ઇમરજન્સી જાહેર કરી છે.

1950ના દાયકામાં મધ્ય આફ્રિકાથી મળી આવેલા આ વાઇરસ યુરોપ માટે ખતરારૂપ બની ગયો છે.

બ્રિટનની બકિંઘમ યુનિવર્સિટીમાં મૉલિક્યુલર ઍપિડેમોલૉજિસ્ટ ડૉ. હૅલન વિમલરત્ના કહે છે, "આ જાહેરાત ડર ફેલાવવા નથી. એનો અર્થ છે કે સંસાધનો તૈયાર કરવામાં આવે અને તેમનો ઉપયોગ એવી જગ્યાઓએ થાય, જ્યાં તેની જરૂર સૌથી વધારે છે."

તેમણે વધુમાં કહ્યું, "આપણે તેની વૅક્સિન, જાગૃતતા અભિયાન અને તેના પર સંશોધનની વાત કરી રહ્યા છીએ. મંકીપૉક્સ મામલે આપણે વધારે શોધની જરૂર છે. કારણ કે પરંપરાગતરીતે આફિક્રામાં જે રીતે આ વાઇરસ જોવા મળ્યો છે. તેનાંથી આ વાઇરસ તદ્દન જુદો છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો