You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ ઘટ્યું, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીથી પાછળ ધકેલાયું
ગયા વર્ષે વિદેશી મૂડીરોકાણોને આકર્ષવામાં અવ્વલ રહેનારું ગુજરાત એકાએક છઠ્ઠા ક્રમાંકે પહોંચી ગયું છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ)માં ગુજરાતમાં વર્ષ 2020-21માં 1,62,830 કરોડ રૂપિયા વિદેશી મૂડીરોકાણ હતું.
જે વર્ષ 2021-22માં ઘટીને 20,169 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જે ગયા વર્ષની સરખામણીએ આઠ ગણો ઘટાડો સૂચવે છે.
આ વર્ષે 1,62,830 કરોડના વિદેશી મૂડીરોકાણ સાથે કર્ણાટક પ્રથમ ક્રમાંકે છે. 1,14,964 કરોડ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે તેમજ 60 હજાર કરોડ સાથે દિલ્હી ત્રીજા ક્રમાંકે છે.
જ્યારે 22,396 કરોડ સાથે તામિલનાડુ ચોથા ક્રમાંકે અને 20,971 કરોડ સાથે હરિયાણા પાંચમાં ક્રમાંકે છે.
અહેવાલમાં તજજ્ઞોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, 2021-22માં મુખ્ય મંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ બદલાયું હોવા છતાં અને આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની હોવા છતાં રોકાણકારો ગુજરાતને સ્થિર નીતિનિયમો ધરાવતું રાજ્ય માને છે.
ગુજરાત હાઇકોર્ટની સરકારને કડક સૂચના, ફાયર NOC ન ધરાવતી તમામ બહુમાળી ઇમારતોને સીલ કરો
મંગળવારે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને કડક શબ્દોમાં સૂચના આપી છે કે એવી તમામ બહુમાળી ઇમારતોને સીલ કરો જેમની પાસે ફાયર એનઓસી ન હોય.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાત સરકાર દ્વારા વિવિધ શહેરોમાં કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં 85 ટકા જેટલી ઇમારતોમાં નીતિનિયમોનું પાલન થયું નથી. આ નીતિનિયમોમાં ફાયર એનઓસી, બીયુ પરમિશન સહિતની કાયદેસરની કાર્યવાહીનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સર્વેની નોંધ લઈને ગુજરાત હાઇકોર્ટે મંગળવારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને એવી 1500 જેટલી રહેણાંક તેમજ કૉમર્શિયલ ઇમારતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
આ ઇમારતોમાં 285 બહુમાળી ઇમારતો અને 1,128 રહેણાક ઇમારતોનો સમાવેશ થાય છે. કોર્ટે એએમસીને કહ્યું કે, આ તમામ ઇમારતો સામે કડક પગલાં લેવામાં આવે કારણ કે તેમને ફાળવવામાં આવેલા સમય દરમિયાન તેઓ ફાયર એનઓસી મેળવી શક્યા નથી.
જમ્મુ કાશ્મીરમાં જમાત સાથે જોડાયેલી 300 શાળાઓ બંધ કરવાનો આદેશ
હિંદી દૈનિક અખબાર અમર ઉજાલાના અહેવાલ પ્રમાણે સરકારે પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલ ફલાહ-એ-આમ દ્વારા જમ્મુ કાશ્મરીમાં ચલાવવામાં આવી રહેલી તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
આ સ્કૂલોને આગામી 15 દિવસોમાં સીલ કરી દેવામાં આવશે. આ સ્કૂલોમાં ભણનારા વિદ્યાર્થીઓને નજીકની જ અન્ય શાળામાં ઍડમિશન આપવામાં આવશે.
રાજ્યની તપાસ એજન્સીની તપાસ બાદ શિક્ષણ વિભાગના પ્રમુખ સચિવ બીકે સિંહ તરફથી જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા પ્રશાસનના પરામર્શથી આ શાળાઓને સીલ કરવામાં આવશે.
અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફલાહ-એ-આમ દ્વારા 300થી વધુ શાળાઓ ગેરકાયેદસર રીતે ઊભી કરાઈ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો