You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : બીમારીમાં હાથ-પગ કામ કરતા બંધ થયા, છતાં બોર્ડમાં 99 પર્સન્ટાઇલ આવ્યા
12 કૉમર્સમાં ભણતા રાજકોટના વિકલાંગ સ્મિત ચાંગેલાએ પરિણામમાં 99.97 પર્સન્ટાઇલ અને 95 ટકા માર્ક મેળવ્યા છે. સ્મિત કહે છે કે, "બોર્ડની પરીક્ષામાં વિકલાંગ શ્રેણીમાં મારો રાજ્યમાં પ્રથમ અને સામાન્ય શ્રેણીમાં ત્રીજો નંબર આવ્યો છે."
સ્મિત જાતે પેપર લખી શકે તેમ નથી. કારણ કે તેઓ હાથ અને પગથી વિકલાંગ છે. પેપર લખવા માટે તેમણે રાઇટરની વ્યવસ્થા કરી હતી.
સ્મિત કહે છે કે, "રાઇટરને સમજાવવું એ મુશ્કેલીભર્યું કામ હતું. ખાસ કરીને ઍકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં સમજાવવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. મારા રાઇટરે મારી નિસ્વાર્થ મદદ કરી છે."
સ્મિત કહે છે કે છેલ્લાં 2 વર્ષથી તેમણે એક પણ ફિલ્મ જોઈ નથી.
સ્મિતની બીમારી
રાજકોટનો 17 વર્ષીય વિદ્યાર્થી સ્મિત ચાંગેલા વિકલાંગ છે, પરંતુ પ્રતિભાની રેસમાં સામાન્ય વિદ્યાર્થી કરતાં ઘણા આગળ નીકળી ગયા છે.
જન્મના ત્રણ મહિના બાદ સ્મિત મગજની બીમારીમાં સપડાયા હતા, જેને લીધે તેમના હાથ-પગ કામ કરતા બંધ થઈ ગયા હતા.
સ્મિતમાં આત્મવિશ્વાસનું સિંચન કરવામાં તેમનાં માતા હિના ચાંગેલાનું મોટું યોગદાન રહ્યું છે. સવારથી સાંજ સુધીનો સ્મિતનો નિત્યક્રમ તેમનાં માતા જ સંભાળે છે.
સ્મિતનું IAS બનવાનું સપનું
પોતાની આગળની કારકિર્દી વિશે વાત કરતા સ્મિત કહે છે, "મારે આઈએએસ અધિકારી બનવું છે અને દેશની સેવા કરવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાની સફળતાનો શ્રેય સ્મિત તેમનાં માતાપિતા, મિત્રો અને પોતે જ્યાં ભણ્યા તે ધોળકિયા શાળાને આપે છે.
તેઓ કહે છે કે, "શાળાની મારી પાછળની મહેનતને પ્રતાપે આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં 100માંથી 100 ગુણ મળ્યા છે. ઍકાઉન્ટમાં સ્મિતને 100માંથી 99 ગુણ આવ્યા છે. અર્થશાસ્ત્ર તેમને સૌથી સહેલો વિષય લાગ્યો હતો."
વિદ્યાર્થીઓને શિખ આપતા સ્મિત કહે છે, "શાળામાં ધ્યાનપૂર્વક ભણો. લાઇન-ટું-લાઇન વાંચન કરો. છેલ્લે મુખ્ય મુદ્દાઓ વાંચો જેથી બધા વિષયનું રિવિઝન થઈ જશે."
નાકથી મોબાઇલમાં ટાઇપ કરવાનું હુન્નર
સ્મિતનાં માતા હિના તેમને ઍક્ટિવામાં શાળાએ લઈ જતાં હતાં. વ્હીલચૅરને તેઓ સ્કૂટરમાં આગળ રાખી દેતાં હતાં. શાળાએ પહોંચીને સ્મિતને ઊંચકીને વ્હીલચૅરમાં બેસાડતાં અને શાળામાં ચોથા માળે તેમના ક્લાસમાં મૂકી આવતાં હતાં.
સ્મિતના હાથ નથી ચાલતા તો તેઓ નાક અને હોઠનો આંગળી તરીકે ઉપયોગ કરીને મોબાઇલ ચલાવે છે અને પોતાના અભ્યાસની સામગ્રી મોબાઇલમાંથી મેળવી લે છે.
સ્મિત બીબીસી સાથે વાત કરતા કહે છે, "લૉકડાઉન વખતે હું મારા હાથથી જ ટાઇપ કરતો હતો, ત્યારે મને ખભાથી હાથ દુખવા માંડતા હતા. ત્યારે મેં નાકથી ટાઇપ કરવાના વિકલ્પ વિશે વિચાર કર્યો."
"હું એટલી સ્પીડમાં ટાઇપ કરું છું કે સામેવાળાને ખબર પણ નથી પડતી કે હું નાકથી ટાઇપ કરું છું."
લૉકડાઉનમાં સ્મિતે ઘરે બેઠા ઑનલાઇન બિઝનેસ ચાલુ કર્યો હતો અને તેમાં સફળ પણ થયા હતા. તેઓ હવે બિઝનેસમૅન પણ બની ગયા છે.સ્મિત કહે છે કે, "હું ઑનલાઇન જૂતાં, કપડાં, ઘડિયાળ વગેરેનું વેચાણ કરું છું."
હિના કહે છે કે, "સ્મિત મને કહે છે કે મમ્મી મારે યુપીએસસીની તૈયારી કરવી છે. મેં તેમાં પણ આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું છે. હું વિકલાંગ બાળકોનાં માતાપિતાને સલાહ આપું છું કે તમે તમારાં બાળકોમાં હીનભાવ ન આવવા દો. તેમને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરો."
સ્મિત અન્ય વિકલાંગોને પ્રોત્સાહન આપતા કહે છે, "જો તમે હિંમત હારી જશો તો પાછા જ પડશો. હિંમત હાર્યા વગર આગળ વધતા રહો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો