You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુવરાજસિંહ જાડેજાની ધરપકડના અહેવાલ, આમ આદમી પાર્ટીએ 'સરકારનું રાજકીય કાવતરું' ગણાવ્યું - પ્રેસ રિવ્યૂ
આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અને હેડક્લાર્ક પરીક્ષાના પેપર લીકના મુદ્દાને ઉજાગર કરીને ચર્ચામાં આવેલા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ થઈ હોવાના અહેવાલો છે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવીણ રામે કહ્યું કે, "આમ આદમી પાર્ટીની યુવા વિંગના પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજા ઉપર ગાંધીનગર ખાતે ખોટા કેસ કરીને તેમની ધરપકડ કરાઈ છે."
તેમણે સરકાર સામે પ્રશ્ન કર્યો કે, "રાજ્યના યુવાનો માટે અવાજ ઉઠાવનાર યુવરાજસિંહને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તે રાજ્યના તમામ યુવાનોના અવાજને દબાવવાનો પ્રયત્ન છે."
પ્રવીણ રામે 'યુવરાજસિંહ જાડેજાની ધરપકડને રાજકીય કાવતરું' ગણાવ્યું છે.
અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલનું ટ્વીટ- 'કૉંગ્રેસ તરફથી પ્રોત્સાહન નહીં, વિકલ્પો ખુલ્લા'
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે એક ટ્વીટ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ફૈસલ પટેલે કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે, "રાહ જોઈને થાકી ગયો છું. હાઇકમાન્ડ તરફથી કોઈ પ્રોત્સાહન નથી. વિકલ્પો ખુલ્લા રાખ્યા છે."
આજે જ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંસદીય દળની બેઠકમાં કહ્યું હતું કે કૉંગ્રેસમાં ફેરફાર પાર્ટી માટે નહીં પણ દેશ અને લોકતંત્ર માટે જરૂી છે.
નવેમ્બર 2020માં અહમદ પટેલનું કોરોનાને કારણે નિધન થયું હતું. પિતાના નિધન બાદ ફૈસલ પટેલે કહ્યું હતું કે તેઓ સક્રિય રાજકારણથી દૂર રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે બાદમાં તેમણે કહ્યું હતું કે જો કૉંગ્રેસ હાઇકમાન ઇચ્છે તો તેઓ ન માત્ર સક્રિય રાજકારણમાં ઊતરશે, ચૂંટણી પણ લડશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ફૈસલ પટેલનું આ ટ્વીટ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડના આ દાદીએ પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કેમ કરી?
દેહરાદૂનનાં એક 70 વર્ષીય વૃદ્ધાએ તાજેતરમાં જિલ્લા કોર્ટમાં પોતાનું વસિયતનામું રજૂ કર્યું હતું. જેમાં તેમણે પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે આ વૃદ્ધાનું નામ પુષ્પા મુંજિયલ છે. તેમણે સોમવારે દેહરાદૂન જિલ્લા કોર્ટમાં વસિયતનામું રજૂ કર્યું હતું.
કોર્ટમાં તેમણે વસિયતનામું રજૂ કર્યું તે સમયે તેમની સાથે જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ લાલચંદ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાલચંદ શર્માએ એનડીટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મુંજિયલે મને કહ્યું કે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ દેશ માટે તેમનો જીવ ગુમાવ્યો હતો.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પોતાનું જીવન દેશની સેવા માટે સમર્પિત કરી રહ્યાં છે. તેઓ બંનેથી ખુબ પ્રભાવિત છે."
ગુજરાતમાં નરી આંખે દેખાયેલો અગનગોળો ચીનનું રૉકેટ હતું?
ગુજરાત, મધ્ય પ્રદેશ તેમજ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં શનિવારે રાત્રે ઉલ્કાપિંડ જેવા અગનગોળાનો નજારો જોવા મળ્યો હતો. જોકે આ ચીનના રૉકેટનો કાટમાળ હોવાની શક્યતા સેવાય છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, શનિવારે રાત્રે ત્રણ રાજ્યમાં જોવા મળેલા નજારા બાદ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના એક ગામમાં ધાતુના બે ટુકડા મળી આવ્યા હતા. જેની તપાસ માટે જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે.
જ્યારે ઇસરોના સત્તાધીશોએ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જે સમયે આકાશમાં ઉલ્કાપિંડ જેવો અગનગોળો જોવા મળ્યો. તે સમયે અંતરિક્ષમાંથી ચાર પદાર્થોનો કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાનો હતો.
આ ચાર અવકાશીય પદાર્થોમાં એક રૉકેટની બૉડી, સ્ટારલિંક સૅટેલાઇટ અને અવકાશમાં બે સૅટેલાઇટ અથડાતા તેનાં ટુકડાનો સમાવેશ થતો હતો.
જોકે, ઇસરોનાં અધિકારી પ્રમાણે, આ ચારેય પદાર્થો પૈકી માત્ર ચીનના રૉકેટનો કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા બાદ ભારત પરથી પસાર થઈને મ્યાંમાર પાસે પડવાનો હતો.
જોકે, યુએસસ્પેસકૉમને ટાંકીને ઇસરોના અધિકારીએ ટીઓઆઈને કહ્યું હતું કે, રૉકેટનો આ કાટમાળ પહેલાં સવારના સમયે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાનું હતું, જેનો સમય આગળ જતાં મોડીસાંજ થયો અને કાટમાળના જે ટુકડા મળી આવ્યા છે, તે પણ રૉકેટના ભાગ જેવા લાગી આવે છે. જેથી શક્યતા નકારી શકાય તેમ નથી.
ગોરખનાથ મંદિરમાં સર્જાયેલી ઘટના કાવતરાનો ભાગ હોઈ શકે : યુપી પોલીસ
ગોરખપુરમાં આવેલા ગોરખનાથ મંદિર બહાર એક યુવાને ધારદાર હથિયાર સાથે હોબાળો મચાવ્યો હતો. જેમાં બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ આ ઘટનાને કોઈ મોટા કાવતરાનો ભાગ ગણાવી રહી છે.
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ યુવક 29 વર્ષીય અહમદ મુર્તુઝા અબ્બાસી છે અને તેઓ મુંબઈ આઈઆઈટીમાંથી ગ્રૅજ્યુએટ થયા છે.
ઇન્ડિયન એક્સપ્રેસે ઉત્તર પ્રદેશ પોલીસને ટાંકીને લખ્યું છે કે ગોરખાનાથ મંદિર બહાર બે પોલીસ જવાન પર થયેલો હુમલો એ કોઈ મોટા કાવતરાનો એક ભાગ છે. તેને 'આતંકી હુમલો' પણ કહી શકાય.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ આ મંદિરના મુખ્ય પૂજારી છે અને 2017માં તેઓ મુખ્ય મંત્રી બન્યા બાદથી આ મંદિરનું મહત્ત્વ વધી ગયું છે.
ઘટના બાદ પણ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓની મુલાકાત લીધી હતી.
પોલીસે અબ્બાસીની ધરપકડ કરી લીધી છે અને તેની તપાસ કરતાં એક લેપટોપ અને અન્ય એક ધારદાર હથિયાર મળી આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો