You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 600થી વધુ કેસ, ઓમિક્રૉનના 16 નવા કેસની પુષ્ટિ BBC TOP NEWS
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 500ને પાર પહોંચી ગયા છે.
શુક્રવારે રાજ્યમાં એક દિવસમાં 654 કોરોના કેસ અને ઓમિક્રૉનના 16 નવા કેસ આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત 500થી વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે ગુજરાત આરોગ્યખાતાએ જાહેર કરાયેલા આંકાડા મુજબ રાજ્યમાં 24 કલાકમાં 654 કેસ સામે આવ્યા હતા.
ત્યારે ઓમિક્રૉનના 16 નવા કેસની પુષ્ટિ થઈ હતી. આમ ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કુલ 113 કેસ થયા છે.
અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે 311 કેસ આવ્યા છે. સુરત કૉર્પોરેશનમાં 97 અને વડોદરા કૉર્પોરેશનામાં 38 કેસ નોંધાયા છે.
આણંદ અને રાજકોટ કૉર્પોરેશનમાં 21-21 કોરોના કેસ નોંધાયા છે.
અંડર-19 ક્રિકેટ : ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે એશિયા કપ જીત્યો
ભારતની અંડર-19 ટીમે એશિયા કપ જીતી લીધો છે. ભારતીય ખેલાડીઓએ ફાઇનલમાં શ્રીલંકાની ટીમને નવ વિકેટથી હરાવી હતી.
દુબઈમાં વરસાદથી પ્રભાવિત આ મૅચમાં ભારતીય ટીમે 38 ઓવરમાં જીત માટે 99 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેને પછી 102 કરી દેવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટીમે માત્રે એક વિકેટના નુકસાન પર આ લક્ષ્ય સરળતાથી હાંસલ કરી લીધું હતું.
ભારત તરફથી ઓપનિંગ બૅટ્સમૅન અંગક્રિશ રઘુવંશીએ અર્ધશતક ત્યારે સેમિફાઇનલમાં 90 રન બનાવનાર શેખ રશીદ પણ 31 રન બનાવીને નૉટ આઉટ રહ્યા હતા.
આની પહેલાં શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. આખી મૅચ દરમિયાન ભારતીય બૉલરો તેમના પર હાવી રહ્યા.
વચ્ચે વરસાદને કારણે મૅચ પ્રભાવિત થઈ હતી.
તે સમયે શ્રીલંકાનો સ્કોર સાત વિકેટ પર 71 રન હતો પછી મૅચને 38 ઓવરની કરી નાખવામાં આવી હતી.
38 ઓવરમાં શ્રીલંકાની ટીમે નવ વિકેટ પર 106 રન બનાવ્યા. પરંતુ ડકવર્થ લુઇસ નિયમના આધાર પર ભારતને 38 રનમાં માત્ર 99 રનોનું લક્ષ્ય આપવામાં આવ્યું. જેને પછી 102 રનનું કરી નાખવામાં આવ્યું.ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે એશિયા કપ જીત્યો.
ગૌરક્ષા માટે 'ગુજરાત મૉડલ' અપનાવીશું- ગુજરાત આવેલા કર્ણાટકના પશુપાલનમંત્રી
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, કર્ણાટકના પશુપાલનમંત્રી પ્રભુ ચવાણે ગુરુવારે કહ્યું કે તેમની સરકાર 'ગૌરક્ષાના ગુજરાત મૉડલ'ને લાગુ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
રાજકોટમાં યોજાયેલી પત્રકારપરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, "હું ગુજરાત આવીને તે જાણી રહ્યો છું કે ગૌમૂત્ર, છાણાં વગેરે દ્વારા કઈ રીતે ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવી શકાય. હું ગુજરાતના મૉડલને કર્ણાટકમાં લાગુ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું."
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, પશુપાલનમંત્રી ગુજરાતમાં ગૌરક્ષાની કામગીરી અને ગૌશાળાની કાર્યપ્રણાલીઓને સમજવા માટે ગુજરાત આવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે તેમણે જામનગરમાં આનંદબાવા ગૌશાળા અને રાજકોટમાં શ્રીજી ગૌશાળાની મુલાકાત લીધી છે.
કોર્ટનો આદેશ હોવા છતાં પત્નીને પતિ સાથે રહેવા મજબૂર ન કરી શકાય : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને પલટતાં કહ્યું કે મહિલાને પતિ સાથે રહેવા માટે કોર્ટના આદેશ દ્વારા પણ મજબૂર ન કરી શકાય.
ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, હાઈકોર્ટની ખંડપીઠ દ્વારા બનાસકાંઠા જિલ્લાની ફેમિલી કોર્ટના જુલાઈ, 2021ના આદેશને પડકારતી મહિલા દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી.
હાઈકોર્ટમાં કરાયેલી અરજી મુજબ, સિવિલ હૉસ્પિટલમાં કામ કરતી નર્સે જુલાઈ 2017માં પોતાના પુત્રને લઈને પતિ તેમજ સાસરિયાઓને ઑસ્ટ્રેલિયા જવા અને ત્યાં નોકરી કરવા માટે મજબૂર કર્યા બાદ છોડી દીધા હતા.
મહિલાએ અરજીમાં તેમ કહ્યું હતું કે તેઓ આના વિરોધમાં હતી. આથી તેમણે પોતાના પુત્ર સાથે ઘર છોડી દીધું હતું. બાદમાં તેમના પતિએ બીજા લગ્ન કરી લીધાં હતાં.
હાઈકોર્ટે નાગરિક પ્રક્રિયા સંહિતા (સીપીસી)ને ટાંકીને કહ્યું હતું કે કોઈ વ્યક્તિ કોઈ પણ મહિલા અથવા તેની પત્નીને સહવાસ કે તેના પણ વૈવાહિક અધિકાર સ્થાપિત કરવા માટે મજબૂર કરી શકે નહીં.
હાઈકોર્ટે આ કેસમાં કહ્યું હતું કે પ્રથમ પત્ની એ આધાર પર પોતાના પતિ સાથે રહેવાની ના પાડી શકે છે કે મુસ્લિમ કાયદો એક કરતાં વધારે લગ્નની અનુમતિ આપે છે, પરંતુ તેને ક્યારેય પ્રોત્સાહન ન આપવું જોઈએ.
કોરોનાની ચોથી લહેર કદાચ પસાર થઈ ચૂકી : દક્ષિણ આફ્રિકા
કોરોના મહામારીને લઈને દક્ષિણ આફ્રિકામાં લાદવામાં આવેલો નાઇટ કર્ફ્યૂ હઠાવી દેવામાં આવ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે દેશમાં કોરોના મહામારીની ચોથી લહેરની પીક કદાચ જતી રહી છે.
સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે ઓમિક્રૉન વૅરિયન્ટ વધારે સંક્રામક હોવા છતા અગાઉની લહેરો કરતા હૉસ્પિટલાઇઝેશનનો દર ખૂબ ઓછો રહ્યો છે. મૃત્યુના આંકડાઓમાં પણ સાધારણ વૃદ્ધિ જોવા મળી છે.
વિશ્વ આરોગ્ય સંગઠને ડૅલ્ટા અને ઓમિક્રૉન વૅરિયન્ટના સંક્રમણની સુનામી આવવાની ચેતવણી આપી હતી.
જોકે, દક્ષિણ આફ્રિકામાં ગુરુવારે સરકાર દ્વારા નિયમોમાં કેટલીક છૂટછાટ આપવાની ઘોષણા કરી હતી.
એક વિશેષ કૅબિનેટ બેઠક બાદ કહેવામાં આવ્યું કે દેશમાં લગભગ તમામ પ્રાંતમાં કોરોના કેસો અને હૉસ્પિટલાઇઝેશનના દરમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ અઠવાડિયે 25 ડિસેમ્બર સુધી દક્ષિણ આફ્રિકામાં કોરોના સંક્રમણનાં 89,781 નવા કેસો આવ્યા હતાં. જોકે તે પહેલાના અઠવાડિયામાં 1,27,753 નવા કેસ નોંધાયા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો