You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓમિક્રૉન : ગુજરાતનાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રી-કર્ફ્યુના સમયમાં ફેરફાર
ગુજરાતમાં ઓમિક્રૉનના ભય વચ્ચે આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરાયા છે. આ ફેરફાર 25 ડિસેમ્બરથી અમલમાં આવશે.
રાજ્યના ગૃહવિભાગને આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
જે અનુસાર, રાજ્યનાં આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાતના 11 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીનો રહેશે.
ગૃહવિભાગના પરિપત્ર અનુસાર, 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર શહેરોમાં રાત્રિના 11:00 વાગ્યાથી સવારના 5:00 વાગ્યા સુધી રાત્રિ-કર્ફ્યુ અમલમાં રહેશે.
આ આઠેય શહેરોમાં દુકાનો, રેસ્ટોરાં, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક બજારો, હૅર-કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાતી હતી, તેમાં 1 કલાકનો ઘટાડો કરીનેને 11 વાગ્યા સુધી કરવામાં આવી છે.
કાનપુરમાં અત્તરના વેપારીને ઘરે રેડ, નોટો ગણવા મશીન મંગાવ્યું
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આયકર વિભાગ અને કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ રેડ પાડી રહ્યા છે.
ગુરુવારે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડે કાનપુરમાં એક અત્તરના વેપારી પીયૂષ જૈનની ફેક્ટરી અને આવાસ પર રેડ પાડી હતી.
અલગઅલગ ટીમોએ તેમના મુંબઈ, ગુજરાતમાં પણ ઘર, ફેક્ટર, ઑફિસ, કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલપંપ પર રેડ પાડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડના અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું કે પીયૂષ જૈન પાસેથી કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (CBIC)ના અધ્યક્ષ વિવેક જોહરી અનુસાર, રેડ દરમિયાન અંદાજે 150 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા છે. હાલ નોટોની ગણતરી ચાલુ છે.
પીયૂષ જૈન મૂળે કન્નોજના રહેવાસી છે. તેમની પાસે કન્નોજમાં એક ઘર, ફેક્ટરી, અત્તર ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલપંપ છે.
અધિકારીઓ અનુસાર, પીયૂષ જૈન અંદાજે 40 કંપનીઓના માલિક છે.
હરભજનસિંહે ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં શું કહ્યું?
ભારતીય ટીમના સ્ટાર સ્પિનર હરભજનસિંહે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
થોડા દિવસો પહેલાં પૂર્વ ક્રિકેટર અને પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ ટ્વિટર પર હરભજનસિંહ સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે શક્યતાઓથી ભરપૂર તસવીર.
એ સમયે અટકળો હતી કે હરભજનસિંહ રાજનીતિમાં આવી શકે છે. પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે.
GSSSB પેપર લિક : 'સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું સૌરાષ્ટ્ર યુનિ.નું લીક પેપર'
ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ.ના ત્રીજા સેમેસ્ટરનું અર્થશાસ્ત્રનું પેપર એક ખાનગી કૉલેજના વિદ્યાર્થીઓના વૉટ્સઍપ ગ્રૂપમાં વાઇરલ થયું હતું.
રાજકોટના ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે પેપર લીક મામલે છ લોકોની ધરપકડ કરી છે.
ડીસીપી જાડેજાએ વધુમાં કહ્યું કે બાબરાની લૉ કૉલેજના પ્રિન્સિપાલ કુરેશીએ પારસ રાજગોરને પેપર આપ્યું હતું. એમાં રાહુલ પંચાસરા નામના ક્લાર્ક અને રસોઈયા ભીખુ સંડોવાયેલા છે. કૉલેજના ત્રણ કર્મચારી અને ત્રણ વિદ્યાર્થી સહિત છની ધરપકડ થઈ છે.
જાડેજાએ જણાવ્યું કે પોલીસે છ ટીમ બનાવીને 100 લોકોની પૂછપરછ કરી હતી.
યુનિવર્સિટીના ઉપ-કુલપતિ ડૉ. નીતિન પટેલે આ મુદ્દે પત્રકારપરિષદ ભરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, 'આ પેપર અમદાવાદસ્થિત સૂર્યા ઑફસેટ ખાતે છાપવામાં આવ્યું હતું. સાથે જ ઉમેર્યું હતું કે કંપની એલ-વન (ટૅન્ડરપ્રક્રિયા દરમિયાન નિર્ધારિત કામ કરવા માટે સૌથી ઓછી રકમ માગનાર પક્ષકાર) હતી એટલે તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું.'
સાથે જ ઉમેર્યું હતું કે 'પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી, કૉલેજમાંથી કે યુનિવર્સિટીમાંથી ક્યાંથી ફૂટ્યું તે અંગે તપાસ ચાલી રહી છે અને જ્યાં સુધી તેનું કોઈ પરિણામ ન આવે, ત્યાં સુધી કોઈને શકમંદ જણાવી ન શકાય.'
યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે લીક થયેલું પેપર છેલ્લું પેપર લેવાયાના બીજા દિવસે લેવામાં આવશે.
યુનિવર્સિટીએ ગુરુવારે સવારે પેપર લીક થયા બાદ મોડી રાત્રે આ મુદ્દે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી હતી, એ પહેલાં માત્ર 'જાણવાજોગ ફરિયાદ' જ આપવામાં આવી હતી.
ગુરુવારે (તા. 23 ડિસેમ્બરના) 10 વાગ્યે પેપર લેવાનાર હતું, તેના લગભગ એક કલાક પહેલાં શહેરની એક ખાનગી કૉલેજના 'લવલી યારોં' ગ્રૂપમાં લીક થઈ ગયું હતું.
હરિદ્વારમાં વિવાદિત ભાષણ મામલે એફઆરઆઈ
હરિદ્વારમાં 17થી 19 ડિસેમ્બરે આયોજિત ધર્મસંસદમાં હિન્દુત્વને લઈને સાધુ-સંતોનાં વિવાદિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આ વીડિયોમાં ધર્મની રક્ષા માટે હથિયાર ઉઠાવવા, મુસ્લિમને વડા પ્રધાન ન બનવા દેવા, મુસ્લિમ વસતી ન વધારવા દેવા સમેત ધર્મની રક્ષાના નામે વિવાદિત ભાષણો આપતાં સાધુ-સંતો જોઈ શકાય છે.
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થતા કેટલાક યૂઝરે આ મામલે કાર્યવાહીની માગ કરી હતી.
ગુરુવારે આ મામલે ઉત્તરાખંડ પોલીસે વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગી સમેત અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે.
વસીમ રિઝવી ઉત્તર પ્રદેશ સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચૅરમૅન હતા. રિઝવીએ થોડા દિવસો પહેલાં જાહેરાત કરી હતી કે તેમણે ઇસ્લામ ધર્મ ત્યજીને હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.
જોકે હરિદ્વારની ધર્મસંસદમાં રિઝવીની શું ભૂમિકા હતી એ સ્પષ્ટ નથી.
આ વર્ષે નરસિમ્હાનંદે દિલ્હીમાં એક પત્રકારપરિષદમાં મહંમદ પેગંબર પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મામલે દિલ્હી પોલીસે તેમની સામે એફઆઈઆર નોંધી હતી.
બાંગ્લાદેશમાં બોટમાં આગ લાગતા 37 મુસાફરોનાં મૃત્યુ
બાંગ્લાદેશની સુગંધા નદીમાં મુસાફરોને લઈને જઈ રહેલી એક બોટમાં આગ લાગતા કમસે કમ 37 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.
આ ઘટના ઝાલકોટી જિલ્લામાં ઘટી હતી.
સત્તાધીશોએ બીબીસી બાંગ્લાને આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
સૈફુલ હસને જણાવ્યું કે 'એમવી અભિયાન' નામની આ બોટ બારગુના જવા માટે રાતના સમયે ઢાકાથી નીકળી હતી. સવારના સમયે ઝાલકોટી જિલ્લામાં પહોંચતા જ બોટના એન્જિનમાં આગ લાગી હતી.
ઈજાગ્રસ્ત લોકોને હાલમાં બારિસાલ સદર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને બચાવકાર્ય પણ ચાલુ છે.
બોટમાં આગ કઈ રીતે લાગી તે અંગે અધિકારીઓ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી.
ઝાલકોટીથી એક સ્થાનિક પત્રકારે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે તેમને વહેલી સવારે 3:30 વાગ્યે આ ઘટનાની જાણકારી મળી હતી. ઘણા યાત્રીઓ પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદ્યા હતા.
એમ પણ કહેવાઈ રહ્યું છે કે બોટમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો