ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસ 55000ને પાર, વાઇરસના ઘાતક બનવા અંગે શું ચેતવણી ઉચ્ચારાઈ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં શુક્રવારે કોરોના વાઇરસના નવા 10,019 કેસ નોંધાયા છે. જ્યારે 4,831 દર્દીઓ સ્વસ્થ થયા હોવાનું અને બે દર્દીઓનાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હોવાનું આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.

રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવતાં આંકડાઓ મુજબ શુક્રવારે નોંધાયેલા નવા 10,019 કેસો સાથે રાજ્યમાં કુલ ઍક્ટિવ કેસોની સંખ્યા 55,798 પર પહોંચી ગઈ છે.

જે પૈકી 54 દર્દીઓ વૅન્ટિલેટર પર હોવાનું અને 55,794 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં શુક્રવારે કોરોનાનો રિકવરી રેટ 92.73 ટકાએ પહોંચી ગયો છે.

શુક્રવારે રાજ્યમાં સૌથી વધારે 3,090 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. ત્યાર બાદ 2,986 કેસો સાથે સુરત શહેર બીજા ક્રમાંકે, 1,274 કેસો સાથે વડોદરા શહેર ત્રીજા ક્રમાંકે છે. રાજકોટમાં 296 કેસ નોંધાયા છે.

આ પહેલાં ગુરુવારે રાજ્યમાં કોરોનાના 11,176 નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ગત કેટલાક દિવસોથી કોરોનાના કેસની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે.

ભારતમાં એક જ દિવસમાં અઢી લાખથી વધુ કેસ

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગત 24 કલાકમાં કોરોનાના 2,64,202 નવા કેસ નોંધાયા છે અને 315 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

આ પૈકી ઓમિક્રૉન વાઇરસના 5,753 નવા કેસ નોંધાયા છે.

એક જ દિવસમાં 1,09,345 લોકો કોરોનાથી સાજા થયા છે. જોકે, હજુ પણ દેશમાં 12 લાખથી વધુ સક્રિય કેસ છે.

દેશનો પૉઝિટિવિટી રેટ 14.78 ટકા થઈ ગયો છે.

કોરોના કેસ કેમ વધી રહ્યા છે?

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનની ઍક્શન કમિટીનાં સભ્ય ડૉ. મોના દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની એક વાતચીતમાં કહ્યું હતું કે હાલ વાઇરસનાં હળવાં લક્ષણો અને હૉસ્પિટલાઇઝેશનના ઓછા દરને કારણે લોકોનાં મનમાં ભય હઠી ગયો છે. જેના કારણે વધુ ને વધુ કેસો સામે આવી રહ્યા છે.

તેઓ કહે છે કે, "અહીં એ સમજવાની જરૂર છે કે હાલ આ વૅરિયન્ટ હળવાં લક્ષણોવાળો છે પરંતુ જો નવું મ્યુટેશન થઈ અને વાઇરસનો ઘાતક પ્રકાર સર્જાશે તો તેના માટે લોકો પોતે જ જવાબદાર રહેશે."

ડૉ. દેસાઈ કહે છે કે, "સરકારી નિયંત્રણોની સાથોસાથ સ્વયંશિસ્ત પણ ખૂબ જરૂરી છે. રસીકરણ અને બિનજરૂરીપણે બહાર નીકળવાનું ટાળવા સિવાય આ સંક્રમણથી બચવાનો કોઈ ઉપાય નથી."

"અને જે લોકોએ રસી લીધી છે અને લક્ષણો દેખાતાં હોય તેમ છતાં તેઓ જો બેદરકારી દાખવીને ટેસ્ટ ન કરાવે અને સમાજમાં ફરે તો તેઓ આ સમાજનાં વડીલો અને બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો