You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુકેશ અંબાણીએ UKમાં 592 કરોડનું ઘર વસાવ્યું? - Top News
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આ વર્ષે દિવાળી અને નવા વર્ષની ઉજવણી યુકેના તેમના નવા ઘરમાં કરશે, એવા અહેવાલો છે.
મિડ-ડે અંગ્રેજીના અહેવાલ પ્રમાણે મુકેશ અંબાણી મહામારી પછીનાં વર્ષો મુંબઈની સાથે-સાથે યુકેમાં પણ વિતાવશે.
જે અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે મુકેશ અંબાણી અને તેમના પરિવારના યુકેમાં સ્થળાંતરના અહેવાલો પાયાવિહોણા છે.
અહેવાલમાં સૂત્રોને ટાંકીને લખવામાં આવ્યું છે કે અંબાણીએ આ વર્ષની શરૂઆતમાં યુકેમાં કન્ટ્રી-ક્લબ માટે 592 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, આ જગ્યા 300 એકર જેટલી જમીનમાં પથરાયેલી છે.
અહેવાલ પ્રમાણે આ જગ્યા અંબાણી પરિવારનું મુખ્ય રહેઠાણ હશે, આ ઘરમાં 49 ઓરડા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા માટે શુક્રવારે સાંજે નિવેદન જારી કર્યું છે. આ નિવેદનમાં અંબાણી પરિવાના સ્થળાંતરની વાતને નકારી કાઢવામાં આવી છે.
આ નિવેદનમાં લખ્યું છે કે, "રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્પષ્ટતા કરવા માગે છે કે ચૅરમૅન અને તેમના પરિવારનું યુકે કે બીજા કોઈ દેશમાં સ્થળાંતર કરવાનું કોઈ આયોજન નથી."
નિવેદનમાં લખ્યું છે કે 'કંપનીએ સ્ટૉકપાર્કની જગ્યા 57 મિલિયન પાઉન્ડમાં ખરીદી છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિલાયન્સનું કહેવું છે કે આ પ્રૉપર્ટીનો સોદોએ તેમની બિઝનેસ સ્ટ્રૅટેજીનો ભાગ છે અને રિલાયન્સ ત્યાં ગોલ્ફ અને સ્પૉર્ટિંગ-રિસોર્ટ વિકસાવવા માગે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ પેટાચૂંટણીનાં પરિણામોને કારણે ઘટ્યા?
કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત બાદ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિલિટર સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
'લાઇવ મિન્ટ'ના એક અહેવાલ અનુસાર, ગુજરાત સરકારે કેન્દ્રના નિર્ણયના અમલની જાહેરાત કરવાની સાથે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો.
મુખ્ય મંત્રી કાર્યાલયે માહિતી આપી હતી કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક અસરથી પ્રતિલિટર સાત રૂપિયા ઘટાડો કરવામાં આવશે.
બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો, એ બાદ ગુજરાત સરકારે પણ જાહેરાત કરી હતી.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી પાંચ રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા ઘટશે અને જેનો અમલ ગુરુવારથી થશે.
આ તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ કૉંગ્રેસે ટ્વીટ કરીને આ નિર્ણય પેટાચૂંટણીનાં પરિણામોના કારણે લેવાયો હોવાની વાત કરી હતી.
કૉંગ્રેસના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, પેટાચૂંટણીની હારથી ઑઇલનો ભાવ ઘટ્યો, હજુ પાંચ રાજ્યોમાં જનતાની તાકાત જોવા મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના જવાનો સાથે કરી દિવાળીની ઉજવણી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીની ઉજવણી માટે સેનાના જવાનો વચ્ચે પહોંચ્યા છે. વડા પ્રધાને જમ્મુના નૌશેરામાં જવાનોને સંબોધન કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેઓ પ્રતિવર્ષ સરહદે તહેનાત જવાનો સાથે દિવાળી ઉજવે છે. આ વરસે પણ જવાનો માટે 130 કરોડ દેશવાસીઓના આશીર્વાદ લઈને આવ્યા છે.
સૈનિકોને સંબોધનમાં વડા પ્રધાને કહ્યું, "તમે લોકો મા-ભારતીના એક જીવતા-જાગતા સુરક્ષાકવચ છો. તમારા સામર્થ્યથી દેશમાં શાંતિ અને સુરક્ષા, નિશ્ચિંતતા રહે છે, વિશ્વાસ જળવાય છે. તમારા પરાક્રમને કારણે આપણા પર્વોમાં પ્રકાશ ફેલાય છે."
વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે દરેક ભારતીયને આ બ્રિગેડની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભૂમિકા બદલ ગર્વ છે.
સરકારી સંપત્તિને પ્રદર્શનકારીઓ દ્વારા નુકસાન મામલે મધ્ય પ્રદેશ કાયદો ઘડશે
ઉત્તર પ્રદેશ બાદ હવે મધ્ય પ્રદેશ પ્રદર્શનકારીઓ પાસેથી નુકસાનની વસૂલી માટે કાયદો ઘડવાની તૈયારી કરી રહ્યું છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના માર્ગે ચાલીને મધ્ય પ્રદેશ સરકાર એક નવો કાયદો લાવવા માટે તૈયારી કરી રહી છે.
સાંપ્રદાયિક રમખાણો, વિરોધપ્રદર્શન અને રેલીઓ દરમિયાન કોઈ વ્યક્તિ અથવા જૂથ દ્વારા જાહેર તેમજ ખાનગી સંપત્તિને નુકસાન થયું પહોંચાડવામાં આવ્યું હોય, તો તેની બમણી કિંમત વસૂલવાની સત્તા વહીવટી તંત્રને આ કાયદાથી મળશે.
મધ્ય પ્રદેશ પબ્લિક ઍન્ડ પ્રાઇવેટ પ્રૉપર્ટી ડેમેજ રિઝોલ્યુશન ઍન્ડ રિકવરી બિલ, 2021 નામનું કામચલાઉ શીર્ષક ધરાવતો આ ખરડો નવેમ્બરના અંતમાં યોજાનારા રાજ્યના વિધાનસભાના શિયાળુ સત્રમાં ચર્ચા માટે મૂકવામાં આવે તેવી શક્યતા છે.
અમેરિકાએ પેગાસસ બનાવનાર ઇઝરાયલની સ્પાયવેર કંપનીને બ્લૅક લિસ્ટ કરી
વિવાદિત પેગાસસ સ્પાયવેર બનાવનાર કંપની એનએસઓ ગ્રૂપને અમેરિકાએ બ્લૅક લિસ્ટ કંપનીઓમાં સામેલ કરી છે.
અમેરિકાએ એનએસઓ ગ્રૂપની સાથે કોઈ પણ પ્રકારની બિઝનેસ ડીલ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.
કથિત રીતે અનેક પત્રકારો, સામાજિક કાર્યકર્તાઓ, નેતાઓ, મંત્રીઓ અને સરકારી અધિકારીઓના ફોનને નિશાન બનાવી તેમની જાસૂસી કરવા માટે એનએસઓ ગ્રૂપના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અમેરિકાના અધિકારીઓએ કહ્યું છે કે, એનએસઓ ગ્રૂપ અને ઇઝરાયલની અન્ય એક કંપની કૈંદિરુએ "અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા તથા વિદેશ નીતિના હિતોથી પ્રતિકૂળ કામ કર્યું છે."
એનએસઓ ગ્રૂપે પહેલાં કહ્યું હતું કે આ સ્પાયવેર ગુનેગારો અને આતંકવાદીઓને પકડવા માટે બનવવામાં આવ્યું છે અને કંપની તેને ફક્ત સરકારોને જ વેચે છે.
અમેરિકાના આ નિર્ણય અંગે એનએસઓ ગ્રૂપે કહ્યું છે કે તેઓ આ નિર્ણયથી નિરાશ છે.
એનએસઓ ગ્રૂપે કહ્યું છે કે તેની ટેકનૉલૉજીએ આતંકવાદ અને અપરાધને રોકવાની સાથે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને જાળવવામાં મદદ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો