અમદાવાદ પ્લેન ક્રૅશમાં દીકરો ગુમાવનાર આ પરિવાર દરરોજ કૂતરાંને કેમ જમાડે છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર આવેલા એક સલૂનનો માલિક કોઈ પણ ગ્રાહક આવે એટલે એમની પાસેથી મળેલા અમુક પૈસા અલગ કાઢીને મૂકે છે, અને જેવા એમના પિતા દુકાનમાં દાખલ થાય એટલે એમના હાથમાં મૂકી દે છે.

એ બાદ દર મહિનાની બારમી તારીખે જમા થયેલા પૈસામાંથી આ સલૂનના માલિક કાર્તિક કાલાવાડિયા 12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગર ખાતે, જ્યાં વિમાન દુર્ઘટના થઈ હતી ત્યાં પહોંચીને દૂધ ચઢાવે છે અને રસ્તે રખડતાં કૂતરાંને બિસ્કિટ અને બ્રેડ ખવડાવે છે. તો એમના પિતા અનાથ બાળકોની શાળામાં જઈને બાળકોને ભોજન કરાવે છે.

તેમના આ કરવા પાછળનું કારણ એ છે કે જ્યારે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની વિમાનમાં રહેલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે એ સમયે રસ્તામાં સ્કૂટર પર જઈ રહેલા ફિલ્મમેકર મહેશ જીરાવાલા (કાલાવાડિયા)નું પણ મૃત્યુ થયું હતું.

ઘરમાં નાનો ભાઈ કાર્તિક, પિતા ગિરધરભાઈ અને માતા વસંતબહેન એકબીજા સાથે દીકરાની વાતો કરવાનું ટાળે છે, કારણકે ફિલ્મમેકર મહેશ જીરાવાલાની વાત ઘરે નીકળે ત્યારે ગિરધરભાઈને શ્વાસની તકલીફ થવા લાગે છે, હૃદયરોગનો હુમલો વેઠી ચૂકેલાં માતાને છાતીમાં દુખાવો ઊપડે છે. અલબત્ત વસંતબહેનના શબ્દો પણ ખૂટી ગયા છે, તેઓ આખો દિવસ શૂન્યમનસ્ક બેસી રહે છે, અને મોટા ભાગે વાત કરવાનું ટાળે છે.

કોણ હતા મહેશ જીરાવાલા?

મહેશ જીરાવાલાના નાના ભાઈ કાર્તિક કાલાવાડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમના ભાઈએફિલ્મ લાઇનમાં ગયા પછી જીરાવાલા અટક રાખી હતી.

તેઓ કહે છે, "આમ તો એમને ફિલ્મલાઇન સાથે કોઈ લેવાદેવા નહોતાં. તેઓ આઇટીઆઇ કરીને નાની-મોટી નોકરી કરતો, તેણે ઍક્ટિંગનો પણ કોઈ કૉર્સ કર્યો નહોતો, પણ ઍક્ટિંગનો શોખ હોવાને કારણે શરૂઆતમાં નોકરી બાદ વધુ પૈસા કમાવવા માટે નરોડામાં છોકરાઓને સાવ ઓછી ફી લઈને ઍક્ટિંગ શીખવતો."

કાર્તિક કહે છે એમાંથી એમની ઍક્ટિંગ જોઈ એમને રોલ મળવા લાગ્યા, આટલા સુધી અમારા ઘરમાં કોઈને ખબર નહોતી કે તેઓ વીડિયો આલ્બમ માટે ઍક્ટિંગ કરે છે.

"એક દિવસ અમારા ઘરે પૂજા હતી ત્યારે ઘરમાં અમે એક ગીત મૂક્યું, તેમાં મારા ભાઈને જોયો. ત્યારે ખબર પડી કે એ ઍક્ટિંગ કરે છે, પછી એમણે નોકરી મૂકી દીધી અને ફૂલ ટાઇમ ઍક્ટિંગ કરવા લાગ્યો. ઘણા ગુજરાતી ઍક્ટરો સાથે કામ કર્યું. એમની પ્રગતિ થઈ અને 2018માં તેમણે પહેલી કાર ખરીદી. એ બાદ તેઓ આર્થિક રીતે પગભર થતો ગયો, એમ કાર પણ બદલતો રહ્યો."

"તેમણે સમાજસેવા પણ શરૂ કરી હતી, તેમણે ગાંધીનગર પાસે પાંચ વર્ષની બે અનાથ બાળકીઓને પણ દત્તક લીધી હતી. ઉત્તરાયણમાં પતંગની દોરીથી કોઈ પક્ષીને ઈજા થાય તો એની તેઓ સારવાર કરાવતા, રસ્તામાં કૂતરું દેખાય તો એને બિસ્કિટ અને દૂધ આપતો હતો."

તેઓ કહે છે, "હું સલૂન ચલાવું છું, એટલે એમના જેટલી આવક નથી, પણ ભાઈ માટે દર મહિને 12 તારીખે એમનું જ્યાં અવસાન થયું હતું ત્યાં દૂધ ચઢાવું છું, મારા પિતા અનાથ બાળકોને જમાડે છે, જેથી એ જ નહીં આસપાસના તમામ મૃત આત્માને પણ શાંતિ મળે. તેમની યાદમાં રસ્તે રખડતાં હું કૂતરાંને પણ જમાડું છું."

'એ દિવસે મારું સ્કૂટર ના લઈ ગયો હોત તો જીવતો હોત'

આખી જિંદગી હીરા ઘસવાનું કામ કરનાર મહેશ જીરાવાલાના પિતા ગિરધરભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે , "મારો દીકરો સારું કમાવવા લાગ્યો એટલે એની સૌથી પહેલી ઇચ્છા મને નિવૃત્તિ લેવડાવવાની હતી, એણે કહ્યું, "પપ્પા, બહુ કામ કર્યું, હવે નહીં. એણે મને વાયદો કર્યો હતો કે એ મને મકાન અપાવશે, અને નાનાભાઈ કાર્તિકને સલૂન ખોલાવી આપશે."

પિતા આગળ કહે છે મહેશે એક મકાન લીધું, તેમને નવું સ્કૂટર અપાવ્યું અને એ પછી લગ્ન કર્યાં.

તેઓ મહેશના મૃત્યુના દિવસ અને એ દિવસના સંજોગો અંગે વાત કરતાં આગળ કહે છે, "12 તારીખે કોઈ મોટો પ્રોગ્રામ નક્કી કરવા માટે જવાની તેને ઉતાવળ હતી એટલે એણે મારી પાસેથી કારમાં ટ્રાફિક નડવાની સંભાવના વ્યક્ત કરતાં મારી પાસેથી સ્કૂટરની ચાવી માગી. તેણે કહેલું, 'ઘરે આવીને બધાની સાથે જમીશ.'

"ઘરે અમે એના આવવાની રાહ જોતા હતા, એ અઢી વાગ્યા સુધી ના આવ્યો. અમે ફોન કરતા રહ્યા, એના મિત્રોએ એ લગભગ સવા એક વાગ્યે નીકળી ગયો હોવાનું કહ્યું. એનો ફોન લાગતો નહોતો. કંઈ ખબર નહોતી પડી. અમે તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી દીધી. અંતે એનું પ્લેન ક્રૅશમાં દબાયેલું સ્કુટર મળ્યું, ચેસીસ નંબર પરથી એ તેનું જ સ્કૂટર હોવાનું નક્કી થયું, પછી ડીએનએ ટેસ્ટ થતાં તેના મૃતદેહની ઓળખ થઈ, અકસ્માતના છેક નવ દિવસ બાદ એટલે કે 21 જૂનના રોજ અમને તેનો મૃતદેહ અપાયો."

ગિરધરભાઈ કહે છે, "અમે ઘરનો મોભ ખોયો , વિચાર થયા આવ્યા કરે છે કે જો મેં એ દિવસે એને મારા સ્કૂટરની ચાવી ના આપી હોત તો એ કાર લઈને ગયો હોત અને ટ્રાફિકમાં થોડું મોડું થયું હોત તો એ બચી ગયો હોત."

"મને ઊંડે ઊંડેથી એવું લાગે છે કે એને સ્કૂટરની ચાવી આપવી એ મારી ભૂલ હતી, કદાચ એ અમે લોકો જમવાની રાહ જોઈને બેઠા હોઈશું, એમ માનીને સ્કુટર પર ઝડપથી આવતો હશે. એને ક્યાં ખબર હતી કે આકાશમાંથી મોત એના માથે આવશે. હવે હું મારા નાના દીકરા કાર્તિકને બને ત્યાં સુધી દૂર જવા નથી દેતો, હવે મનમાં એક ડર પેસી ગયો છે."

બીજી તરફ, એમનાં માતા વસંતબહેન હજુ પણ આઘાતમાંથી બહાર નથી આવ્યાં, તેઓ કોઈની સાથે વાત કરવા તૈયાર નથી. આખો દિવસ તેઓ ભગવાનના નામના જાપ જપે છે, અને ઘરકામ કરી પૂજા કરે છે. મહેશની વાત કરતાં જ એમની તબિયત પર અસર પડે છે એટલે ઘરમાં પણ કોઈ એમની સાથે મહેશના નામની વાત નથી કરતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન