You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશમાં વાઇરલ તાવથી અનેકનાં મૃત્યુ, ભારતમાં કોરોના કેસમાં સતત પાંચમા દિવસે વધારો
પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વાઇરલ તાવને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યાં હોવાના સમાચાર છે.
આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાઓ અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં આગ્રા, ફિરોઝાબાદ, મથુરા, મૈનપુરી, એટા અને કાસગંજ જિલ્લાઓમાં 50થી વધુ લોકોનાં મૃત્યુ તાવ, ડિહાઇડ્રેશન, પ્લૅટલૅટ્સમાં અચાનક ઘટાડાને કારણે થયાં છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર મૃતકોમાં 26 બાળકો સામેલ છે.
લોકોને આ બીમારીમાંથી સજા થવામાં 12 દિવસથી વધુ સમય લાગી રહ્યો છે. આ જ કારણ છે કે સરકારી હૉસ્પિટલમાં બેડની અછત વર્તાઈ રહી છે.
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી પણ વાઇરલ તાવના કેસો સામે આવ્યા છે. ગોંડા, બસ્તી, દેવરિયા, બલિયા, આઝમગઢ, સુલતાનપુર,. જૌનપુર અને ગાઝીપુરમાં લોકો વાયરલ તાવની ઝપેટમાં આવી રહ્યાં છે.
જો કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં આ બીમારીના સૌથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ આ બીમારીના દર્દીઓ સામે આવી રહ્યાં છે.
દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાના કેસોમાં વધારો
ભારતમાં સતત પાંચમા દિવસે પણ કોરોનાના કુલ કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કુલ 42,909 કેસો નોંધાયો છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર નવા 460 મોત સાથે દેશમાં કુલ મોત 4,37,830 થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,68,558 થઈ છે જે કુલ સંક્રમણના 1.13 ટકા છે. દરમિયાન દેશમાં સરેરાશ રિકવરી રેટ 97.53 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં 17,55,327 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 કેસો નોંધાયા છે. અને 12 દર્દીઓ સાજા થયા છે. હાલ ગુજરાતમાં કુલ 151 ઍક્ટિવ કેસો છે. જેમાંથી 4 વૅન્ટિલેટર પર છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3, વડોદરામાં 3, સુરતમાં 2, ભાવગનરમાં 1, જામનગરમાં 1, રાજકોટમાં 1 કેસ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને લીધે એક પણ મૃત્યુ નથી થયું.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ યથાવત
કેન્દ્ર સરકારે કોરોના સંકટની ગંભીરતાને પગલે એક વાર ફરી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર લગાવાયેલા પ્રતિબંધને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના અહેવાલ અનુસાર સરકારે કૉમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની અવરજવર પર લાગેલી રોકને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
ડીજીસીએ દ્વારા રવિવારે આ સંબંધિત એક પરિપત્ર જારી કરતા આની જાણકારી આપી છે.
ડીજીસીએના પરિપત્ર અનુસાર પ્રતિબંધ માત્ર પેસેન્જર્સ ફ્લાઇટ પર જળવાઈ રહેશે. આનાથી આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટને કોઈ અસર થશે નહીં. આ સિવાય, DGCA તરફથી જે રૂટ્સ પર ફ્લાઇટને મંજૂરી મળી છે તેની પર આ નિયમ લાગુ પડશે નહીં.
ડીજીસીએ એ કહ્યુ છે કે કેટલાક નિર્ધારિત રૂટસ પર પહેલાંથી જ શિડ્યુલ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની અવરજવર નક્કી કર્યાં મુજબ થઈ શકશે.
કોરોના સંકટને કારણે ભારત સરકારે એક મોટો નિર્ણય લેતા ગયા વર્ષે 23 માર્ચ 2020થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી આ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો