બાસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા મુખ્ય મંત્રી હશે - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

બાસવરાજ બોમ્મઈને કર્ણાટકના નવા મુખ્ય મંત્રી તરીકે નૉમિનેટ કરાયા છે.

તેમને બીએસ યેદિયુરપ્પાના સૌથી વિશ્વસનીય સહયોગી માનવામાં આવે છે.

જનતાદળ સેક્યુલર છોડીને ભાજપમાં સામેલ થયેલા બોમ્મઈ પૂર્વ મુખ્ય મંત્રી એસઆર બોમ્મઈના પુત્ર છે.

આ પહેલાં યેદિયુરપ્પાએ ધારસભ્યોની બેઠકમાં મુખ્ય મંત્રીપદ માટે બાસવરાજનું નામ સૂચવ્યું હતું.

તેમના નામની જાહેરાત પહેલાં ધર્મેન્દ્ર પ્રધાન અને કિશન રેડ્ડીએ કર્ણાટકના ભાજપના પ્રભારી અર્જુનસિંહ સાથે કૉર સમિતિની બેઠક પણ કરી હતી.

બીબીસી માટે લખતા બેંગલુરુથી ઇમરાન કુરેશીએ આ માહિતી આપી છે.

વર્ષના અંત સુધીમાં અમેરિકા ઇરાકમાંથી પણ સેના પાછી ખેંચશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં ઇરાકમાં હાજર અમેરિકન સેનાને પાછી બોલાવી લેવામાં આવશે. જોકે, અમેરિકા ઇરાકી સેનાને તાલીમ અને સહયોગ આપવાનું બંધ નહીં કરે.

ઇરાકના વડા પ્રધાન મુસ્તફા અલ-કધીમી અને જો બાઇડનની બેઠક વ્હાઇટ હાઉસમાં યોજાઈ હતી અને તે બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

ઇરાકમાં હાલ 2500 અમેરિકન સૈનિકોની હાજરી છે જે સ્થાનિક સુરક્ષાદળોને ચરમપંથી સંગઠન 'ઇસ્લામિક સ્ટેટ' સામે લડવામાં મદદ કરે છે.

જોકે, અમેરિકાના સૈનિકોની સંખ્યા આટલી જ જળવાઈ રહે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે. અમેરિકાનું આ પગલું ઇરાકના વડા પ્રધાનને મદદના સ્વરૂપે જોવાઈ રહ્યું છે.

ગત વર્ષે ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકાના ડ્રોન હુમલામાં ઈરાનના કુદ્સ દળના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઇરાકમાં અમેરિકાની સેનાની તહેનાતી એક મોટો મુદ્દો બની ગઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની આ જાહેરાત પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના સમયમાં શરૂ થયેલા એક યુદ્ધનો અંત છે. આ વર્ષે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પણ સેના પાછી બોલાવી રહ્યું છે.

વ્હાઇટ હાઉસમાં જો બાઇડને કહ્યું, "આ નવા તબક્કામાં પ્રવેશ પછી પણ અમારો આતંકવાદવિરોધી સહયોગ યથાવત રહેશે."

આ બેઠકમાં ઇરાકના વડા પ્રધાન કધીમિએ કહ્યું, "આજે અમારો સંબંધ અગાઉ કરતાં વધારે મજબૂત છે. અમારો સહયોગ અર્થવ્યવસ્થા, પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ દરેકમાં છે."

એમણે ભારપૂર્વક કહ્યું કે ઇરાકમાં કોઈ વિદેશી સેનાની જરૂર નથી.

આસામ-મિઝોરમ સરહદવિવાદ હિંસક બન્યો, છ પોલીસકર્મી મૃત્યુ પામ્યાં

આસામ અને મિઝોરમ વચ્ચેનો વર્ષો જૂનો સરહદવિવાદ હિંસક બન્યો છે અને ઘર્ષણમાં આસામ પોલીસના છ જવાનો મૃત્યુ પામ્યાં છે.

આ મામલે મિઝોરમના મુખ્ય મંત્રી જોરામથાંગા અને આસામના મુખ્ય મંત્રી હેમંત બિશ્વા સરમાએ એકબીજા પર ગંભીર આરોપ કર્યા છે.

ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી વાર રાજ્યો વચ્ચેનો સરહદીવિવાદ આ રીતે હિંસક બન્યો છે અને મુખ્ય મંત્રીઓ વચ્ચે જાહેરમાં આવી સ્થિતિ જોવા મળી છે.

બન્ને રાજ્યોની પોલીસ જ્યારે સરહદ પર સામસામે આવી ત્યારે આ હિંસક ઝડપની સ્થિતિ સર્જાઈ છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના બની તેના એક દિવસ અગાઉ અમિત શાહે શિલોંગમાં પૂર્વોત્તરના સાત મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. જાણકારોનું કહેવું છે કે આ બેઠકમાં સીમાવિવાદ પણ એક મુદ્દો હતો.

સૌરાષ્ટ્રમાં પાંચ ડૅમ ઓવરફ્લૉ, હાઈ ઍલર્ટ

સૌરાષ્ટ્રમાં પાંચ ડૅમ ઓવરફ્લૉ થવાને પગલે ચેતવણી આપવામાં આવી છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ ગુજરાતમાં સોમવારે એક જ દિવસમાં મોસમનો પાંચ ટકા વરસાદ પડ્યો અને એને પગલે સૌરાષ્ટ્રમાં ડેમ ઓવરફ્લૉ થયાં છે.

ગુજરાતમાં આણંદ જિલ્લામાં સૌથી વધારે 126 મિલીમિટર વરસાદ થયો છે. આ સિવાય 194 તાલુકાઓ પૈકી 251 તાલુકાઓમાં વરસાદ થયો છે.

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં મોસમનો કુલ 27.33 ટકા વરસાદ રવિવાર સુધી થયો હતો જે સોમવારે 32.58 ટકા સુધી પહોંચ્યો હતો.

આગામી બે દિવસ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો