You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ ડ્રાય-પાઉડર વૅક્સિન : કોરોનાનો ઇલાજ હવે માત્ર એક ગોળી બનશે?
- લેેખક, મૅડી સેવેજ
- પદ, બીબીસી ન્યૂઝ, સ્ટૉકહોમ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
હાલ કોવિડ-19 સામે ઇંજેક્ષનથી લેવાતી રસી મારફત જ રક્ષણ મેળવી શકાય છે, પરંતુ ભવિષ્યમાં એ વૅક્સિન ઇન્હેલર કે ગોળીના સ્વરૂપમાં ઉપલબ્ધ થાય એ શક્ય છે.
દક્ષિણ સ્વીડિનના સૌથી મોટા સાયન્સ પાર્ક પૈકીના એક 'મેડિકૉન વિલેજ'માંની એક લૅબોરેટરીમાં કૅમિસ્ટ ઇન્ગેમો ઍન્ડરસન પ્લાસ્ટિકનું પાતળું, માચીસથી અડધા કદનું ઇન્હેલર દર્શાવે છે.
ઇન્ગેમો ઍન્ડરસનની ટીમને આશા છે કે આ નાનકડી પ્રોડક્ટ કોરોના વાઇરસ સામેની વૈશ્વિક લડાઈમાં બહુ મોટી ભૂમિકા ભજવશે. એ પ્રોડક્ટ વડે લોકો ભવિષ્યમાં વૅક્સિન પાવડરના સ્વરૂપમાં ઘરમાં જ લઈ શકશે.
સામાન્ય રીતે અસ્થમા(દમ)ના દર્દીઓ માટે ઇન્હેલરનું ઉત્પાદન કરતી કંપનીના ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર જૉહાન વૅબોર્ગ કહે છે, "આ સાવ સરળ છે અને સસ્તામાં તેનું ઉત્પાદન કરી શકાય છે."
જૉહાન ઉમેરે છે, "આ પ્લાસ્ટિકની નાનકડી સ્લિપ કાઢી નાખો એટલે વૅક્સિન ઇન્હેલર ઍક્ટિવેટ થઈ જાય. પછી તેને મોઢામાં મૂકીને ઊંડો શ્વાસ લેવાનો અને સૂંઘવાનું."
સ્ટૉકહોમસ્થિત આઈએસઆર નામની નવી ઇમ્યુનૉલૉજી રિસર્ચ કંપનીએ કોવિડ-19ના સામના માટે એક ડ્રાય-પાઉડર વૅક્સિન બનાવી છે અને 'આઈકોનોવો' નામની કંપનીએ તેની સાથે સહકાર સાધ્યો છે.
ફાઇઝર, મૉડર્ના અને ઍસ્ટ્રાઝેનેકા કોવિડ-19 વાઇરસના આરએનએ અથવા ડીએનએ કૉડનો ઉપયોગ કરે છે, પરંતુ ડ્રાય-પાઉડર વૅક્સિનમાં મૅન્યુફૅક્ચર્ડ કોવિડ-19 વાઇરસ પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોડક્ટ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં પણ સલામત રહે છે.
વિશ્વ આરોગ્ય સંગઠન પ્રમાણિત હાલની તમામ કોરોના વાઇરસ વૅક્સિન પ્રવાહી સ્વરૂપમાં છે અને તેના સંગ્રહ માટે ચોક્કસ સ્તરનું ઉષ્ણતામાન જાળવી રાખવું જરૂરી હોય છે, પરંતુ આ ડ્રાય-પાઉડર વૅક્સિન માટે એવું કશું જ અનિવાર્ય નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રવાહી સ્વરૂપમાંની વૅક્સિનને ફ્રીજમાં ટ્રાન્સફર કરતાં પહેલાં કાચની મજબૂત વાયલ્સમાં માઇનસ 70 ડિગ્રી સૅન્ટિગ્રેડ ઉષ્ણતામાનમાં રાખવી પડે છે, જેને કૉલ્ડ ચેઈન કહેવામાં આવે છે. એવું ન કરવામાં આવે તો વૅક્સિન્સ તેનો પ્રભાવ ગુમાવી બેસે છે.
આઈએસઆરના સ્થાપક અને સ્વીડનની અગ્રણી મેડિકલ યુનિવર્સિટી કારોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઇમ્યુનૉલૉજીના પ્રોફેસર ઑલા વિન્ક્વિસ્ટ કહે છે, "અહીં પરિસ્થિતિને પલટી નાખતું પાસું એ છે કે ડ્રાય-પાઉડર વૅક્સિનનું વિતરણ કોલ્ડ ચેઇનની વ્યવસ્થા વિના આસાનીથી કરી શકાય છે અને તેનો ડોઝ આરોગ્ય કર્મચારીઓ વિના પણ આપી શકાય છે."
ફ્રીજ-ડ્રાય્ડ ફુડ સાથે સરખામણી
કંપની હાલ તેની વૅક્સિનનું પરિક્ષણ કોવિડ-19નાં બીટા (દક્ષિણ આફ્રિકા) અને આલ્ફા (બ્રિટન) સ્વરૂપો પર કરી રહી છે.
કંપની માને છે કે આફ્રિકામાં હાલ વૅક્સિનનો કોઈ ઉત્પાદક નથી.
વળી કોવિડ-19 વેક્સિન ઍક્સપાયર થાય એ પહેલાં તેનાં સ્ટૉરેજ તથા વિતરણમાં ઉષ્ણ હવામાન તથા વીજળીનો મર્યાદિત પૂરવઠો મોટા પડકાર છે.
આ સંજોગોમાં ડ્રાય-પાઉડર સ્વરૂપમાંની વૅક્સિન આફ્રિકામાં રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
આઈએસઆરની ઍર-ડ્રાય્ડ વૅક્સિન વાઇરસ સામે સંપૂર્ણપણે સક્ષમ હોવાનું પરિક્ષણમાં સાબિત થાય એ પહેલાં તેણે કેટલીક કસોટીમાંથી પાર ઊતરવાનું છે.
આ વૅક્સિન કોરોના વાઇરસ સામે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પ્રમાણિત હાલની રસીઓ જેટલું જ રક્ષણ આપે છે કે કેમ તે પણ ચકાસવાનું છે.
ડ્રાય-પાઉડર વૅક્સિનનું પરિક્ષણ અત્યાર સુધીમાં માત્ર ઊંદર પર કરવામાં આવ્યું છે.
જોકે, આગામી બે મહિનામાં માનવપરિક્ષણ શરૂ કરવા માટે પૂરતું ભંડોળ આઈએસઆર તથા આઈકોનોવોએ એકઠું કરી લીધું છે.
બીજી તરફ તબીબી સમુદાયને એવી આશા છે કે આ વૅક્સિન સફળ પૂરવાર થશે તો કોરોના વાઇરસ સામેના વૈશ્વિક પ્રતિસાદમાં ક્રાંતિ થશે.
એ ઉપરાંત અન્ય બીમારીઓ માટે તેનું વિતરણ અને સંગ્રહ પણ સરળ બની જશે.
યુનિસેફના વૈશ્વિક આરોગ્યક્ષેત્રના વડા તરીકે વર્ષ 2016થી 2020 સુધી ફરજ બજાવી ચૂકેલા સ્ટીફન સ્વાર્તલિંગ કહે છે :
"આ વૅક્સિનને લીધે દુર્ગમ વિસ્તારોમાં પહોંચવાની તકો સર્જાશે."
સ્ટીફન સ્વાર્તલિંગ હાલ કૅરોલિંસ્કા ખાતે ગ્લોબલ ટ્રાન્સફોર્મેશન ઑફ હેલ્થ વિષયના પ્રોફેસર તરીકે કાર્યરત છે.
સ્ટીફન ડ્રાય-પાઉડર વૅક્સિનની સરખામણી ફ્રીઝ-ડ્રાય્ડ ફૂડ સાથે કરે છે. ફ્રીજ-ડ્રાય્ડ ફૂડ વીજળીની સુવિધા ન હોય એવી જગ્યાએ પણ પહોંચી ગયું છે.
વિશ્વની બીજી કંપનીઓ પાવડરના સ્વરૂપની રસી બાબતે તપાસ કરી રહી છે ત્યારે સ્વાર્તલિંગ "આશાસ્પદ ટેકનૉલૉજી" સાથેના એક અન્ય સ્ટાર્ટ-અપ ભણી ઇશારો કરે છે. તે કંપની આઈકોનોવોથી માત્ર 10 મિનિટના અંતરે આવેલી છે.
હાલની અને ભવિષ્યની પ્રવાહી રસીઓ, તેની અસરકારકતા જાળવી રાખીને, ઍર-ડ્રાય કરવા માટેની ટેકનૉલૉજીનું પરિક્ષણ 'ઝિક્કમ' નામનું એ સ્ટાર્ટ-અપ કરી રહ્યું છે.
આ ટેકનૉલૉજીને પગલે વિકાસશીલ દેશોમાં "ફિલ ઍન્ડ ફિનિશ" પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનુ આસાન બનશે અને વિકાસશીલ દેશો રસીઉત્પાદનના અંતિમ તબક્કા સુધીનું કામ ઘરઆંગણે જ કરી શકશે.
રસીકરણ પહેલાં રસીના પાઉડરને જંતુરહિત પાણી સાથે ભેળવવામાં આવશે અને પછી વાયલ્સ તથા સોયનો ઉપયોગ કરીને તેનું ઇંજેક્ષન આપવામાં આવશે.
કંપનીના ચીફ ઍક્ઝિક્યૂટિવ ઓફિસર ગૉરાન કૉર્નાર્ડ્સન કહે છે, "આ ટેકનૉલૉજી નેઝલ સ્પ્રેથી માંડીને દવાની ગોળીઓ સુધીની વિવિધ પ્રકારનાં ઔષધસેવનના સંદર્ભમાં પણ ઉપયોગી સાબિત થશે."
તેઓ ઉમેરે છે, "એ માટે બહુ-બધું સંશોધન કરવું અનિવાર્ય છે, પણ સૈદ્ધાંતિક રીતે એ શક્ય છે."
પર્યાવરણને અનુકૂળ વિકલ્પ
સિંગલ-ડોઝ વૅક્સિન-ઉત્પાદક જાન્સૅન કંપનીએ ઝિક્કમની ઍર-ડ્રાઈંગ ટેકનૉલૉજીના વિશ્લેષણ અંગેના એક પાઇલટ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. જાન્સૅનને ગયા મહિને જ બ્રિટનમાં વપરાશ માટે ઔષધનિયમનકર્તાની સ્વીકૃતિ મળી છે.
તે પ્રોજેક્ટ કોરોના વાઇરસ કે અન્ય ચેપી રોગો સાથે સંકળાયેલો છે કે નહીં એ તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની આ વિરાટ કંપની જણાવશે નહીં, પરંતુ એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભાવિ રસીઓનાં "વિતરણ, વ્યવસ્થાપન અને નિયમપાલનને આસાન બનાવવાની ક્ષમતા ધરાવતી નવીન ટેકનૉલૉજી શોધવાની" કામગીરીના એક ભાગરૂપે આ સંશોધન કરવામાં આવી રહ્યું છે.
ઇંજેક્ષન લેવાથી ડરતા લોકો માટે પાઉડર ટેકનૉલૉજી ઉપયોગી સાબિત થઈ શકે છે. પ્રવાહી વૅક્સિનના સંગ્રહ માટે અનિવાર્ય ફ્રીઝર ચલાવવા માટે જરૂરી વીજળીનો અત્યંત ઓછો વપરાશ કરીને આ ટેકનૉલૉજી પર્યાવરણને અનુકૂળ વિકલ્પ આપે છે.
એ ઉપરાંત આ ટેકનૉલૉજી વૅક્સિનના વૈશ્વિક પ્રસારમાં પણ મદદ કરી શકે છે.
કૉર્નાર્ડસન કહે છે, "સૌ સલામત ન હોય ત્યાં સુધી કોઈ સલામત નથી. વિશ્વના કોઈને કોઈ ભાગમાં કોરોના વાઇરસ પ્રસરતો રહેશે તો શું થશે એ આપણે જાણી શકતા નથી."
એ વાત સાથે સહમત થતાં વૅક્સિનના વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કાર્યરત સંગઠન 'કૉએલિશન ફૉર ઍપિડેમિક પ્રીપેર્ડનેસ ઇનોવેશન' (સીઈપીઆઈ)ના પ્રવક્તા ઇન્ગ્રિડ ક્રૉમેન કહે છે :
"મહામારી અને રોગચાળાના વૈશ્વિક સ્તરે સામના માટે તમામ વર્ગના લોકોને વૅક્સિન ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા આપણે પ્રાપ્ત કરવી પડશે."
ક્રૉમેન સાવચેતીના સ્વરમાં જણાવે છે કે ડ્રાય-પાઉડર રસી હજુ તેના વિકાસના પ્રારંભિક તબક્કામાં છે અને એ માટે તેની ઉત્પાદનપ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને વિસ્તારવા સહિતનાં ઘણાં કામ બાકી છે.
ક્રૉમેન એવું પણ કહે છે, "એ સફળ સાબિત થશે તો વૅક્સિનની સરળ ઉપલબ્ધતામાં, વૅક્સિનનો બગાડ અને રસીકરણ કાર્યક્રમનો ખર્ચ ઘટાડવામાં મોટું યોગદાન આપશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો