કોરોના અંગે ગુજરાત હાઈકોર્ટના અવલોકન બાદ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં કોવિડ-19ના કેસોની સ્થિતિ અને નાગરિકોને ભોગવવી પડતી હાલાકીની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે સ્વસંજ્ઞાન લેતાં રાજ્ય સરકારને અમુક સૂચનો કર્યાં હતાં.

જેના ભાગરૂપે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો અને કહ્યું હતું કે "વિશ્વમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે અને એમાં ગુજરાત પણ બાકાત નથી."

રાજ્ય સરકાર વતી ઍડ્વોકેટ જનરલ દ્વારા સરકાર દ્વારા કરાયેલી વિસ્તૃત કામગીરી રજૂ કરવામાં આવી હતી.

મુખ્ય મંત્રીએ કહ્યું, "નામદાર હાઈકોર્ટે સુનાવણીના અંતે જે આદેશ કર્યો એમાં માત્ર એટલું જ કહ્યું છે કે 14મી તારીખે આરોગ્ય અગ્રસચિવ સોગંદનામું રજૂ કરે કે રાજ્ય સરકારે શુંશું કામગીરી કરી છે."

તેમણે કહ્યું, "સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે અને એમા ગુજરાત પણ બાકાત નથી. ભારતમાં દરેક રાજ્યમાં, દરેક શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, કેસો વધતા જાય છે."

"ગુજરાતની સરકારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતની પ્રજા માટે દિવસરાત જોયા વગર કામગીરી અને અનેક નિર્ણયો કર્યા છે."

"લાખો કર્મચારી, દરેક વિભાગના કર્માચારીઓએ દિવસરાત જોયા વગર કામગીરી કરી છે અને દુ:ખ સાથે કહેવું પડે છે કે કામગીરી કરતાં લોકોએ જીવ પણ ગુમાવ્યો છે."

રેમડેસિવિર અંગે શું કહ્યું?

રાજ્યમાં રેમડેસિવિર અંગે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે આ અંગે માહિતી આપતાં રૂપાણીએ કહ્યું :

"જાન્યુઆરીમાં બજારમાં 20 હજાર હજાર ઇન્જેક્શન હતાં. દસ હજાર ઇન્જેક્શન રાજ્ય સરકારે હૉસ્પિટલોને આપ્યાં હતાં. ફેબ્રુઆરીમાં 19, 800 ઇન્જેક્શન બજારમાં હતાં અને રાજ્ય સરકારે 25400 ઇન્જેક્શન સરકારી હોસ્પિટલોમાં મફત દરદીને આપ્યાં."

"માર્ચમાં 20,800 ઇન્જેક્શન રાજ્ય સરકારે હૉસ્પિટલોમાં લગાવ્યાં. લગભગ લાખેક ઇન્જેક્શનોની બજારમાં આવ્યાં."

તેમણે માહિતી આપી કે સરકાર દરરોજનાં 25 હજાર ઇન્જેક્શન ભેગાં કરે છે. છેક આસામથી, મુંબઈથી ઇન્જેક્શનો લાવીને, ગુજરાતના ઉત્પાદકો પાસેથી લાવીને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે.

કોરોનાના કેસ વધતાં ગુજરાતમાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોમવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો સહિત બીજા મેળાવડા યોજવા તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.

આ સાથે રાજ્ય સરકારે એપ્રિલ અને મે મહિનામાં જાહેરમાં તહેવાર ઊજવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે 14 એપ્રિલથી રાજ્યમાં લગ્નસમારંભોમાં 50થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં અને જે શહેરોમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુ દરમિયાન કોઈ લગ્નસમારંભ યોજવાની પરવાનગી આપવમાં આવશે નહીં.

તેમણે કહ્યું કે કોરોના વાઇરસનો ચેપ વધતો અટકાવવા માટે સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવું પડશે. આવશ્યક સેવાઓ સાથે સંકળાયલી કંપનીઓમાં આ નિયમ લાગુ પડશે નહીં.

ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું?

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાનેથી જસ્ટિસ ભાર્ગવ કારિયા સાથેની ખંડપીઠ આ મુદ્દે સુનાવણી કરી રહી છે.

ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી, મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમાર, સહાયક સરકારી વકીલ ધર્મેશ દેવનાની ગુજરાત સરકાર વતી હાજર રહ્યાં હતાં. જ્યારે આસિસ્ટન્ટ સૉલિસિટર જનરલ દેવાંગ વ્યાસ કેન્દ્ર સરકાર વતી હાજર રહ્યા હતા.

હાઈકોર્ટે અવલોક્યું હતું કે રાજ્યમાં 'મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિ' હોય તેમ લાગે છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુરૂવારે સવારે 11 વાગ્યે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે તેમના જવાબ ઍફિડેવિટ કે રિપોર્ટ દાખલ કરવા મહેતલ આપી હતી.

ગુજરાતમાં કેવી સ્થિતિ?

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં થઈ રહેલા સતત વધારાને પગલે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કોરોના વાઇરસના સંક્રમણને ઘટાડવા માટે કેટલાક નિયમોમાં ફેરફારો કરવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે રાજ્યમાં પાછલા લગભગ એક માસથી કોરોનાના કેસોમાં એકધારો વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ કોરોનાના કારણે થઈ રહેલા મૃત્યુની સંખ્યા પણ વધી છે.

રાજ્યમાં સૌથી વધુ 1933 નવા કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 1469, રાજકોટમાં 576 અને વડોદરામાં 381 કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો