You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજ્યમાં કોરોનાના 57 હજાર કેસો આવતા મહારાષ્ટ્રએ જે 'વિકેન્ડ લૉકડાઉન' જાહેર કર્યું એ શું છે? - BBC TOP NEWS
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કેર યથાવત્ છે. રવિવારે રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં કોરોનાવાઇરસના નવા 2875 કેસો નોંધાયા હતા. જ્યારે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર પાછલા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 57,074 નવા કેસો નોંધાયા હતા. મૃત્યુની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં 222 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ગુજરાતમાં કોરોના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 14 રહેવા પામી હતી.
બીજી તરફ શનિવારે રજૂ કરાયેલા આંકડા અનુસાર સમગ્ર દેશમાં 93 હજાર કરતાં વધુ નવા કેસો જોવા મળ્યા હતા.
રવિવારે ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ 724 નવા કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 676 નવાકેસો જોવા મળ્યા હતા. ઉપરાંત વડોદરા અને રાજકોટમાં અનુક્રમે 367 અને 276 નવા કેસ નોધાયા હતા.
મહારાષ્ટ્રમાં મહાનગર મુંબઈમાં રવિવારે 11,163 નવા પૉઝિટિવ કેસ આવ્યા હતા. જ્યારે 25 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.
નોંધનીય છે કે રવિવારે સાંજે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પાછલા કેટલાક દિવસોથી રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોના સિલસિલાને અટકાવવા માટે રાતના આઠ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધીનો રાજ્યવ્યાપી કર્ફ્યુ લાદવાનું એલાન કર્યું હતું. આ સિવાય મહારાષ્ટ્ર સરકારના મંત્રીએ માહિતી આપી હતી કે રાજ્ય સરકારે વિકેન્ડ લૉકડાઉન કરવાનો પણ નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે નવાં નિયંત્રણો અંગે સ્પષ્ટતા કરતાં સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું કે, "આ દરમિયાન જરૂરી સર્વિસો અને બસ, ટ્રેન અને ટૅક્સીની સુવિધા ચાલુ રહશે."
"આવતીકાલે રાતના આઠ વાગ્યાથી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર અમલમાં રહેશે. પાંચ વ્યક્તિઓ કરતાં વધુ વ્યક્તિઓ ભેગી નહીં થઈ શકે. સરકારી ઑફિસોમાં 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. જ્યારે ખાનગી વાહનો તેની ક્ષમતા કરતાં અડધા લોકોને મંજૂરી આપવામાં આવશે."
આ સિવાય મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોનાના પ્રસારને અટકાવવા માટે રાજ્યના ઉદ્યોગ-ધંધાના સંચાલકોનો સહકાર મેળવવા માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન આગામી દિવસોમાં ઉદ્યોગ-ધંધાના કારણે વાઇરસના ફેલાવાના અટકાવવા માટે લેવાના જરૂરી પગલાં વિશે વાત કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત કોરોના સંક્રમણનું 'હૉટસ્પોટ', સાત દિવસના કેસની સરેરાશ વિશ્વમાં સૌથી વધારે
ભારતમાં આ સપ્તાહે કોરોના વાઇરસના જે હદે નવા કેસ નોંધાયા છે, એ જોતાં ભારતને વિશ્વમાં 'કોરોના સંક્રમણનું વર્તમાન હૉટસ્પોટ' ગણવું ખોટું નહીં ગણાય.
શનિવારે ભારતમાં કોરોના વાઇરસના 93 હજાર નવા કેસ નોંધાયા અને 500થી વધુ દરદીનાં કોરોના વાઇરસના સંક્રમણને પગલે મૃત્યુ થયાં. આ આંકડો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે.
જો કોરોના સંક્રમણના નવા કેસની દૈનિક સંખ્યાને આધાર માનવામાં આવે તો શુક્રવાર બાદ ભારતે અમેરિકા અને બ્રાઝિલને પણ પાછળ છોડી દીધા છે.
શુક્રવાર પહેલાં માત્ર બ્રાઝિલ ભારતની પાછળ હતું. એ દિવસે ભારતમાં કોરોનાના લગભગ 69 હજાર કેસની પુષ્ટિ થઈ હતી અને બ્રાઝિલમાં લગભગ 72 હજાર નવા કેસ નોંધાયા હતા.
જોકે, શનિવારે ભારતે કોરોના વાઇરસના સંક્રમણના નવા કેસનો મામલે બન્ને દેશોને પાછળ છોડી દીધા.
ભારતમાં કોરોના સંક્રમણના નવા કેસમાં સાત દિવસની જે સરેરાશ નીકળે છે, એ દુનિયામાં સૌથી વધારે છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રાલયના મતે ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 90 હજારથી વધુ કેસ સપ્ટેમ્બરમાં નોંધાઈ રહ્યા હતા. જોકે, દેશમાં ફરી એક વાર કોરોના એ જ વેગથી આગળ વધી રહ્યો છે.
દેશમાં કોરના થકી થનારા મૃત્યુનો આંક નવેમ્બર-ડિસેમ્બર 2020ના સ્તરે પહોંચી ગયો છે. એ વખતે દેશમાં દૈનિક ધોરણે 500થી વધુ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં હતાં.
ભારતમાં ત્યાર સુધી કોરોનાના સંક્રમણને લીધે 64 હજાર 110 લોકોનાં મૃત્યુ થયાં છે.
કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસને જોતાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે.
પેગંબર મહંમદ સામે આપત્તિજનક ભાષા બદલ મંદિરના મહંત વિરુદ્ધ ફરિયાદ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને શનિવારે ડાસનાના એક મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ધ હિન્દુ અખબારે પોતાના રિપોર્ટમાં લખ્યું કે અમાનતુલ્લાહ ખાનનો આરોપ છે કે મહંતે પેગંબર મહંમદ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે અને મુસ્લિમ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
તેઓએ જામિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોતાની ફરિયાદમાં કહ્યું કે પેગંબર સામે ઇશનિંદાની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
તેમનું કહેવું છે કે તેઓ એક મુસલમાન છે, જે ઇસ્લામના સિદ્ધાંતોનું પાલન કરે છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યે પોતાની ફરિયાદમાં લખ્યું કે આ વીડિયો ક્લિપમાં મહંત નરસિંહાનંદ વારેવારે અપમાજનક શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે.
દિલ્હી પોલીસના પ્રવક્તા ચિન્મય બિસ્વાલનું કહેવું છે કે આ મામલે કેસ દાખલ કરાયો છે અને તપાસ ચાલુ છે.
મહંત યતિ નરસિંહાનંદ ગાઝિયાબાદના ડાસનાના એ દેવી મંદિરના મહંત છે, જ્યાં 11 માર્ચે નળમાંથી પાણી પીતાં એક મુસ્લિમ બાળક આસિફને માર મારવામાં આવ્યો હતો અને તેનો વીડિયો બનાવીને વાઇરલ કરાયો હતો.
મહંતે એ સમયે કહ્યું હતું કે તેમને આ ઘટના પર કોઈ અફસોસ નથી.
કોવિડ-19ની સુરક્ષા માટે માસ્ક જરૂરી નથી- આસામના સ્વાસ્થ્યમંત્રી
સમગ્ર ભારતમાં કોરોના વાઇરસના કેસમાં સતત ફરી વધારો થઈ રહ્યો છે, ત્યારે આસામના સ્વાસ્થ્યમંત્રી તેમના એક નિવેદનથી ચર્ચામાં છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, શનિવારે આસામના સ્વાસ્થ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ કહ્યું કે કોવિડ-19 સામે લડવા માટે માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન બિસ્વાએ આ ટિપ્પણી કરી હતી.
તેઓએ વધુમાં કહ્યું કે, "કેન્દ્ર તેના નિર્દેશો આપી શકે છે પણ આસામમાં હાલના સમયે કોવિડનું લગભગ અસ્તિત્વ નથી. તો લોકોમાં ગભરાટ પેદા કરવાની શું જરૂર છે?"
"જ્યારે માસ્ક પહેરવાની જરૂર પડશે ત્યારે હું લોકોને એમ કરવા કહીશ. હાલમાં આપણે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. જો લોકો માસ્ક પહેરશે તો બ્યુટી પાર્લર કેવી રીતે ચાલશે? તેમને પણ ટકવાની જરૂર છે."
આસામમાં શનિવારે કોવિડ-19ના 68 નવા કેસ નોંધાયા હતા. હાલમાં આસામમાં સંક્રમણના 598 કેસ સક્રિય છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં 218,601 કેસ નોંધાયા છે અને 1107 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે.
ENBA ઍવૉર્ડ્સમાં 'બીબીસી દુનિયા'ને બેસ્ટ ન્યૂઝ કવરેજનો પુરસ્કાર
ટીવી ન્યૂઝ બ્રૉડકાસ્ટિંગના પ્રતિષ્ઠિત પુરસ્કાર ENBA ઍવૉર્ડમાં બીબીસી ન્યૂઝ હિન્દીને કોવિડ-19ના કવરેજ માટે સુવર્ણ પુરસ્કારથી સન્માનિત કરાઈ છે.
બીબીસી ન્યૂઝ હિન્દીના ટીવી બુલેટીન 'બીબીસી દુનિયા'ને કોરોના વાઇરસ કવરેજ માટે આંતરરાષ્ટ્રીય-હિન્દી શ્રેણીમાં બેસ્ટ ન્યૂઝ કવરેજનો સુવર્ણ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
યુરોપ, અમેરિકા સમેત દુનિયાના તમામ દેશ કોરોના સામે જે રીતે લડી રહ્યા છે અને તેનું ભારત માટે શું મહત્ત્વ છે, તેના પર 'બીબીસી દુનિયા'માં વિસ્તારથી કવરેજ કરવામાં આવે છે.
'બીબીસી દુનિયા' હિન્દી સમાચાર ચેનલ એનડીટીવી ઇન્ડિયા પર સોમવારથી શુક્રવારે રોજ રાતે 10 વાગ્યે પ્રસારિત થાય છે.
તેમજ બીબીસી ન્યૂઝ હિન્દીને સામાજિક મુદ્દાઓ પર રિપોર્ટિંગ અને તકનીકી કવરેજની શ્રેણીમાં પણ ENBA ઍવૉર્ડના સુવર્ણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે.
સામાજિક મુદ્દાઓ શ્રેણીમાં બીબીસી ન્યૂઝ હિન્દીને તેમની 'રિવર્સ માઇગ્રેશન' વિષય પર રિપોર્ટિંગ માટે આ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર મળ્યો છે.
તો તકનીકી શ્રેણીમાં બીબીસી ન્યૂઝ હિન્દીને 'બીબીસી ક્લિક' પ્રોગ્રામ માટે સર્વશ્રેષ્ઠ પુરસ્કાર મળ્યો છે.
તો બીબીસી વર્લ્ડ સર્વિસના નિખિલ ઇનામદારને અંગ્રેજી ભાષાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ રિપોર્ટનો પુરસ્કાર મળ્યો છે.
તેમજ બીબીસીના પ્રીતમ રૉયને પણ બેસ્ટ વીડિયોગ્રાફર (અંગ્રેજી) શ્રેણી માટે પુરસ્કાર મળ્યો છે.
ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ રજિસ્ટ્રેશન હવે નહીં- કેન્દ્ર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે તેઓ હવે સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોના કોવિડ-19 રસીકરણ માટેનું રજિસ્ટ્રેશન બંધ કરી દે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કેન્દ્ર સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે એવો રિપોર્ટ હતો કે નિયમો તોડીને 'અયોગ્ય' લાભાર્થીઓ તેમાં પોતાનું નામ જોડી રહ્યા છે અને રસી લઈ રહ્યા છે.
હાલમાં કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય હવે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું કોવિડ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન ચાલુ રહેશે અને બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવાયું છે કે તેઓ ઝડપથી એ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ કરે જેમણે અગાઉ નોંધણી કરાવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો