નીતીશકુમાર : એન્જિનિયરથી મુખ્ય મંત્રી બનવાની સફર

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

બિહાર અને જેડીયૂની રાષ્ટ્રિય રાજનીતિના દિગ્ગજ નેતા નીતીશકુમારે તાજેતરમાં આ તેમની આખરી ચૂંટણી હોવાની જાહેરાત કરી દીધી છે. ભારતની રાજનીતિનું આ એક ખાસ નામ રહ્યું છે. ખાસ કરીને બિહારની રાજનીતિમાં નીતીશકુમાર ઘણી વાર નિર્ણાયક ભૂમિકામાં જોવા મળ્યા છે.

તેઓ 15 વર્ષથી બિહારના મુખ્ય મંત્રી અને ફરી એક વાર રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના મુખ્ય મંત્રીપદના દાવેદાર છે. તેમનો દાવો છે કે બિહારને જંગલરાજમાંથી તેમણે મુક્તિ અપાવી છે.

તેમના છેલ્લા કેટલાક વર્ષોની રાજકીય સફરની વાત કરીએ તો, નીતીશકુમાર 2005થી 2020 સુધી બિહારના મુખ્ય મંત્રી રહ્યા છે. તેમાંથી મે 2014 પછીના નવ મહિના બાકાત છે જે સમયે તેમણે જીતનરામ માંઝીને મુખ્ય મંત્રીપદે બેસાડ્યા હતા.

બાદમાં માંઝી અલગ થયા અને પોતાનો અલગ પક્ષ રચ્યો.

કહેવાય છે કે નીતીશ જ્યારે સત્તામાં આવ્યા હતા ત્યારે તેમણે આનંદ મોહન અને મુન્ના શુક્લાને જેલ ભેગા કર્યા હતા. જેથી ગુનેગારોમાં ભય પેદા થયો હતો.

તેમનો સૌથી પૉપ્યુલર નિર્ણય દારુબંધીનો પણ રહ્યો છે. તેમણે બિહારમાં ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે જાહેરાત કરી હતી.

વડા પ્રધાન બનવાની ઇચ્છા?

એવું પણ માનવમાં આવે છે કે વર્ષ 2010થી 2015ના ગાળા દરમિયાન નીતીશકુમારને રાષ્ટ્રીય રાજકારણની મહત્ત્વાકાંક્ષા જાગી ગઈ હતી અને તેઓ વડા પ્રધાનપદનાં સપનાં જોવા લાગ્યા હતા.

તેમને નરેન્દ્ર મોદીની ટક્કરના નેતા તરીકે જોવામાં આવ્યા હતા અને બિહારમાં પૂર બાદ ગુજરાતે જાહેર કરેલી સહાય પરત કરવાની તેમણે જાહેરાત કરી દીધી હતી.

નીતીશકુમારે વર્ષ 2017માં આરજેડી સાથે છેડો ફાડી લીધો હતો. જ્યારે 2013માં એનડીએ સાથે પણ તેમણે છેડો ફાડ્યો પણ ફરી એનો હિસ્સો બન્યા. આ વખતે ફરી તેઓ તેમની સાથે રહીને લડી રહ્યા છે.

એક સમયે એનડીએમાંથી નીકળ્યા પછી નીતીશકુમારને વિરોધપક્ષમાં એ સમયે સ્વીકૃતિ નહોતી મળી.

તે સમયે તેઓ રાહુલ ગાંધીને મળવા ગયા તો તેમની મુલાકાત બહુ ટૂંકી રહી હતી.

લાલુ યાદવ સાથે છેડો ફાડ્યો..

2015ની ચૂંટણીમાં નીતીશે આરજેડી સાથે ગઠબંધન કર્યું હતું અને ફરી એક વખત બિહારમાં સત્તા મેળવી હતીં. પણ આ ગઠબંધન લાંબું ન ચાલ્યું.

આમ બે વર્ષથી પણ ઓછા સમયમાં તેમણે આરજેડી સાથે છેડો ફાડીને ફરી એક વખત ભાજપ સાથે મળીને સરકાર બનાવી લીધી.

નીતીશકુમાર ખુદ એક એન્જિનિયર છે. તેમણે પોતાના એન્જિનિયરિંગના ભણતરનો ઉપયોગ સરકાર ચલાવવા માટે કર્યો. તેમના આ પ્રયોગને જાણકારો 'સોશિયલ એન્જિનિયરિંગ' ગણાવે છે.

મહાદલિતો અને મહિલાઓ માટે કરવામાં આવેલા તેમના કામને લોકો તેના ઉદાહરણ તરીકે ગણાવે છે.

નીતીશે પાસવાન જાતિને છોડીને દલિત ગણવામાં આવતી અન્ય 21 પેટાજાતિઓ માટે 'મહાદલિત' કૅટેગરી બનાવીને તેમને ઘણી સુવિધાઓ આપી. ત્યારપછી 2018માં જ્યારે લોકજનશક્તિ પાર્ટી સાથે તેમના સંબંધ સુધર્યા તો તેમણે આ યાદીમાં પાસવાન જાતિને પણ સમાવી લીધી.

આવી જ રીતે મહિલા મતદારોને પોતાની તરફ ખેંચવા માટે નીતીશકુમારે કેટલાક નવા પગલાં લીધાં હતાં.

મુખ્ય મંત્રી બાલિકા સાઇકલ યોજના નીતીશ સરકારે 2007માં શરૂ કરી હતી. શરૂઆતમાં આઠમું ધોરણ પાસ કરીને આગળ ભણનારી છોકરીઓને સાઇકલ માટે 2000 રૂપિયા આપવામાં આવતા હતા. હવે આ રકમ વધારીને 3000 રૂપિયા કરવામાં આવી છે.

વિવાદો અને ટીકા

બિહારમાં સૃજન કૌભાંડ, મુજફ્ફરપુર બાલિકાગૃહકાંડ, 2016ના ટોપર કૌભાંડ, પરીક્ષા વખતે બારીમાંથી વિદ્યાર્થીઓને ચોરી કરવામાં મદદ કરતા પરિવારોની તસવીર સહિતની બાબતોને પગલે નીતીશના શાસનની ટીકા પણ થઈ અને બહુ હાંસી ઉડાવવામાં આવી હતી.

નીતીશકુમાર ગત 43 વર્ષથી ચૂંટણીના રાજકારણમાં છે. 1994માં તે લાલૂ પ્રસાદથી અલગ થયા અને પોતાની પાર્ટી જનતા દળ(યુનાઇટેડ) બનાવી હતી. ત્યારથી લઈને આજ સુધી જદયુના સૌથી મોટા નેતા તેઓ જ રહ્યા છે. એવામાં મોટો સવાલ આવે તેમના પછી શું થશે?

વ્યક્તિગત જીવન

નીતીશકુમારના અંગત જીવનની વાત કરીએ તો તેમનો જન્મ બિહારના પટણામાં આવેલા બખ્તિયારપુરમાં 1લી માર્ચ-1951માં થયો હતો. તેમના પિતા કવિરાજ રામ લખન સિંઘ સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધાવાદી નેતા હતા. તેમણે એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

પરિવારમાં તેમને એક પુત્ર છે. તેમના પત્ની પ્રોફેસર હતાં. પણ વર્ષ 2007માં તેમનું નિધન થઈ ગયું હતું.

તેમની રાજકીય સફરની વાત કરીએ તો તેમણે રામ મનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ, વી. પી. સિંહ જેવા રાજનેતાઓની દેખરેખમાં રાજનીતિના તમામ પક્ષોને ધ્યાનથી સમજ્યા છે.

તેઓ જેપી મુવમેન્ટમાં પણ સક્રિય હતા અને કટોકટી વખતે તેમની અટકાયત પણ થઈ હતી. તેઓ એનડીએની સરકારમાં રેલવેમંત્રી પણ રહી ચૂક્યા છે.

2002માં ગુજરાતમાં ગોધરાકાંડ પછી તેઓ નરેન્દ્ર મોદીના આકરા ટીકાકાર રહ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો